Home > Know Jainism > પચ્ચક્ખાણમાં અન્નત્થણાભોગેણં નો શું અર્થ થાય?
Jainonline.org
• 4-Apr-2025
પચ્ચક્ખાણમાં અન્નત્થણાભોગેણં નો શું અર્થ થાય?
528

(હવે નવકારશીના પચ્ચક્ખાણ કરવામાં જે `આગાર’ રાખવામાં આવ્યા છે, તે જણાવે છે.)
અન્નત્થ-ણાભોગેણં = અનાભોગ
સહસાગારેણં = સહસાત્કાર
મહત્તરાગારેણં = મહત્તરાગાર
સવ્વસમાહિવત્તિયાગારેણં = સર્વસમાધિ આગાર છોડીને
વોસિરામિ = હું ત્યાગ કરું છું
`આગાર’ એટલે શું?
જે પચ્ચક્ખાણ કરીએ તેમાં ચારે ય પ્રકારના કે 3 કે 2 પ્રકારના આહારનો ત્યાગ કરવામાં આવે છે.જેમ કે, નવકારશી પચ્ચક્ખાણમાં સૂર્યોદયથી 48 મિનિટ સુધી ચારે ય આહારનો ત્યાગ કરે છે. તિવિહારના પચ્ચક્ખાણમાં સૂર્યાસ્તથી લઈને 3 પ્રકારના (પાણી છોડીને) આહારનો ત્યાગ છે.
તો, જ્યારે 4/3 કે 2 પ્રકારના આહારનો જેટલા સમય માટે ત્યાગ કરીએ છે. તેમાં કેટલી છૂટ પહેલેથી જ રાખવામાં આવી છે. જેથી એવી કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય, તો આહાર-પાણી કરવા છતાં પણ પચ્ચક્ખાણ તૂટવાનો દોષ લાગતો નથી. કારણ કે, પચ્ચક્ખાણ લેતી વખતે જ તે-તે પરિસ્થિતિની છૂટ રાખેલી છે.
ટૂંકમાં, આગાર = છૂટ.
નવકારશીના પચ્ચક્ખાણમાં કેટલા આગાર છે? નવકારશીના પચ્ચક્ખાણમાં અન્નત્થણા ભોગેણં વગેરે કુલ 4 આગાર છે.
અન્નત્થણા ભોગેણં એટલે શું?
અન્નત્થ = અન્યત્ર = છોડીને - સિવાય,
ણાભોગેણં = અનાભોગ.
અનાભોગ નામનો પ્રથમ આગાર છે.
અનાભોગ એટલે (1) અજ્ઞાન (2) અનુપયોગ (ધ્યાન બહાર જવું)
નવકારશી પચ્ચક્ખાણના સંદર્ભમાં `અનાભોગ’ આગાર સમજીએ ઃ `અનાભોગ’ શબ્દના બે અર્થ થાય છે.
અજ્ઞાન = આજે 7.45 કલ્લાકે નવકારશી પચ્ચક્ખાણ આવે છે, તે જ ખ્યાલ નથી. ને 7.30નું પચ્ચક્ખાણ આવે છે તેમ સમજીને નવકારશી પચ્ચક્ખાણ પારી લે છે.
અનુપયોગ = આજે 7.45 કલ્લાકે નવકારશી પચ્ચક્ખાણ આવે છે, તે ખ્યાલ છે, પરંતુ `મેં આજે નવકારશીનું પચ્ચક્ખાણ લીધું છે’ તે જ ભૂલી જાય છે ને નવકારશી પચ્ચક્ખાણ આવે તે પહેલાં જ બ્રશ-ચા-પાણી વગેરે કરી લે તે અનુપયોગ.
દરરોજ કાચું પાણી પીતા હોવ ને આજે એકાસણું-આયંબિલ વગેરે કર્યું. તેમ ઉકાળેલું પાણી જ પીવાનું છે. છતાં, દરરોજની આદતને કારણે ફ્રીજનું કાચું પાણી પી લે તો તે અનુપયોગ.
- (આમાં, જે ક્ષણે ખ્યાલ આવે કે `મારે પચ્ચક્ખાણ છે’ તે વખતે મોંમાં જે આહાર-પાણીનો કોળિયો હોય તે પણ બહાર કાઢી દેવો, ગળે ઉતારવો નહીં. અજાણતાં થાય તેની છૂટ છે. જાણ થયા પછી પાણીનું એક ટીપું ય ગળા નીચે ઉતારો તો પચ્ચક્ખાણ ભંગનો દોષ લાગે.)