Home > Know Jainism > શ્રી નવસારી પાર્શ્વનાથ
Jainonline.org
• 16-Apr-2025
શ્રી નવસારી પાર્શ્વનાથ
6

શ્રી નવસારી પાર્શ્વનાથ
એક નજર ઇતિહાસના પાને....
વિક્રમના તેરમાં સૈકામાં થયેલા શ્રી જિનપતિ સૂરિએ સ્વરચિત તીર્થમાલામાં કરેલો નવસારીનો ઉલ્લેખ નોંધપાત્ર છે. ૭૦૦ વર્ષ પૂર્વે પણ નવસારી જૈનોનું મહત્ત્વનું યાત્રા સ્થાન હોવાના ગણનાપાત્ર સંકેતો આ ઉલ્લેખ પરથી પ્રાપ્ત થાય છે. મહામંત્રી વસ્તુપાલના લઘુબંધુ તેજપાલ દક્ષિણ દેશમાં સોપારક તીર્થની યાત્રાએ સંચર્યા હતા. પૂર્વના પુરુષો તીર્થયાત્રાએ વિહરતા ત્યારે માર્ગસ્થિત અનેક ગામોને મનોહર જિન પ્રાસાદોથી ભૂષિત કરતા. જીર્ણ જિનાલયનો ઉદ્ધાર કરતા, અનેક સંઘોને સદ્ધર કરતા. પૂર્વના પુરુષોની એ ગૌરવવંતી પ્રણાલિકાએ અનેક ભવ્ય જિન પ્રાસાદોનો આપણને અણમોલ વારસો પ્રદાન કર્યો છે. સોપારકના આદિનાથ પ્રભુને ભેટી પાછા ફરતા આ તેજપાલ શ્રેષ્ઠી નવસારી પહોંચ્યા. નવસારીની નવલી ભૂમિ નિહાળી તેમના નયનોમાં નેહ ઊપજ્યો અને ભવ્ય બાવન દેવકુલિકાઓથી વિભૂષિત એક મનોહર જિન પ્રાસાદનું અહીં તેમણે નિર્માણ કરાવ્યું. આ ભવ્ય જિન પ્રાસાદમાં ત્રેવીસમાં તીર્થપતિ પરમ પ્રભાવી શ્રી પાર્શ્વનાથજીને બિરાજમાન કરવામાં આવ્યા. આ તેજપાલ નિર્મિત પ્રાસાદ તો કાળક્રમે મુસ્લિમોનાં આક્રમણોથી મસ્જીદમાં રૂપાંતરિત થઈ ગયાનું કહેવાય છે, પણ તેમના હાથે પ્રતિષ્ઠિત શ્રી પાર્શ્વનાથ ભગવંતની પ્રતિમા તો તેજ હોવાનું અનુમાન છે. આ દેરાસરના પણ અનેકવાર જીર્ણોદ્વાર થતા રહયા છે. નવસારી મંડન આ પાર્શ્વનાથજી શ્રી નવસારી પાર્શ્વનાથ કહેવાય છે. આ પાર્શ્વનાથજી શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના નામથી વધુ પ્રસિદ્ધ છે. પ્રતિમાજી સંપ્રતિ કાલીન કે એથી પણ વધુ પ્રાચીન હોવાનું કહેવાય છે.
આ નવસારી પાર્શ્વનાથની ઉત્પત્તિને સૂચવતી એક કિંવદન્તી પ્રબન્ધ પચશતી નામના ગ્રન્થમાં શ્રી શુભશીલ ગણિએ ટાંકી છે. નવસારીનાં એક શ્રાવકને સ્વપ્નમાં આવીને અધિષ્ઠાયક દેવે કહયું “પુણ્યવાન જાગ, તારા ભાગ્યનો સૂર્ય ઉદિત થઈ રહયો છે. ભૂમિમાં ગુપ્ત પ્રતિમા પ્રગટ થવા ઝંખી રહી છે. તું જમીન ખોદીને પરમાત્માને પ્રગટ કર.” શુભ સ્વપ્નનાં દર્શને આનંદવિભોર બનેલો શ્રાવક પ્રભાત થતાં જ સ્વપ્નસૂચિત સ્થળે પહોંચ્યો. તે ભૂમિનું ખનન કરતાં જ ભૂખરા વર્ણના નયન મનોહર જિનબિંબને નિહાળી તે હર્ષાન્વિત બન્યો. ચક્ષુ અને ચિત્તને પાવિત કરતા ભવ્ય ભકતોને ભાવિત કરતા તથા આત્માને પ્રીતિ અને પાવિત્ર્યથી પ્રભાવિત કરતા આ મોહક જિનબિંબને તે નીરખી રહયો. જમીનમાં ગુપ્ત રહેલાં આ પ્રતિમાજીના દેહ પર તાજા ચંદન અને પુષ્પ કોણે ચઢાવ્યા હશે? આ પ્રભુજીનાં અંગોમાંથી ઝરતું અમૃત ક્યાંથી પ્રગટતું હશે? આવા વિસ્મયોના વર્તુળમાં તે પુરાઈ ગયો. વાયુએ વધામણી આપી અને ચારે બાજુથી દર્શકોનાં ટોળા ઊભરાયાં. તાજા ચંદન પુષ્પથી પુજાયેલા અને અમૃત ઝરતા આ પ્રભુજીની સહુએ ભાવગર્ભિત સ્તુતિ કરી અને સહુની મનોકામનાની પૂર્તિ થઈ. નવસારી નગરે વર્તમાનમાં બિરાજમાન શ્રી પાર્શ્વનાથજી તે આ જ હોઈ શકે.
શ્રી શુભશીલગણિ જમીનમાંથી પ્રગટ થયેલા તે પાર્શ્વનાથજી શ્યામ વર્ણના હોવાનું નોંધે છે. વર્તમાનમાં બિરાજમાન પાર્શ્વનાથજીનો વર્ણ ભૂખરો છે. પણ લેપના કારણે ફેરફાર થયો હોય તે સંભવિત છે. આ જિનાલયનો છેલ્લો જીર્ણોદ્વાર વિ.સં. ૧૯૮૮માં થયો. આજે બેમાળ અને કુલ ૮ ગભારાથી યુક્ત આ ત્રિશિખરી ભવ્ય ઉત્તુંગ જિનાલય તીર્થસદૅશ શોભી રહયું છે. પ્રબળ પ્રભાવને પ્રસરાવતા આ પ્રભુજી હજારો ભાવુકોની અડગ શ્રદ્ધાનું કેન્દ્ર બનેલા છે. અહીંના અનેક ભાવુકોને આ પ્રભુજીનાં દર્શન બાદ જ પોતાની સર્વદૈનિક પ્રવૃત્તિઓનો પ્રાંરભ કરવાનો ક્રમ જ બની ગયો છે. આ જિનપ્રાસાદમાં ઉપરના માળે બિરાજમાન શ્રી જીરાવલા પાર્શ્વનાથજી પણ પ્રાચીન અને મનોહર છે. આરસના સિદ્ધચક્રજી સં. ૧૬૩૧ની સાલના છે. ઉપરના માળે શ્રી આદિનાથજીના ગભારામાં કલાત્મક ચિત્રકામ દર્શનીય છે. શ્રી નવસારી પાર્શ્વનાથજી અત્યંત પ્રભાવ સંપન્ન છે.રાત્રે દૈવી વાજીિંત્રોના નાદ અને નાચગાનના અવાજઘણાએ સાંભળ્યા છે. અહીંના કોળી લોકો પણ આ ભગવાનમાં અત્યંત આસ્થા રાખે છે. અને આ જિનાલયની ભક્તિથી તેઓ રક્ષા કરે છે.