Home > Know Jainism > 7. શ્રી કલ્હારા પાર્શ્વનાથ
Jainonline.org
• 14-May-2025
7. શ્રી કલ્હારા પાર્શ્વનાથ
41

પ્રથમ નજરે પ્રતિમા દર્શન –
હૃદયના ખૂણે ખૂણાને અજવાળી ઉજજ વલ બનાવતા આ આતમરામ શ્વેત પાષાણના છે. જેનો ભાલપ્રદેશ ભવ્ય છે, મુખમંડલ મનોહર છે, સ્કન્ધપ્રદેશ સૌષ્ઠવયુકત છે, અને વક્ષસ્થળ વિકસ્વર છે, એવા ભરૂચના આ ભગવાનની ભાવભીની ભકિત કરતાં ભવનો ભય ભાંગે છે. ૩૫ ઈંચ ઊંચા ફણારહિત પદ્માસનારૂઢ આ પ્રભુજી વાણીના પાંત્રીસ અતિશયોથી અલંકૃત પરમાત્માનું આકર્ષણ ઊભું કરાવે છે. આ પ્રભુજી ૨૯ ઇંચ પહોળા છે.
અતીતના ઊંડાણમાં એક ડૂબકી
“ભાગ્યું ભાંગ્યું તોય ભરૂચ"લોકમાં પ્રસિદ્ધ બનેલી આ કહેતી ભરૂચની ભૂતકાલીન જાહોજલાલીનો પરિચય આપે છે. આ નગરની અતિ પ્રાચીનતાને જૈન અને જૈનેતર ગ્રન્થો પ્રમાણભૂત ઠેરવે છે.ભૃગુકચ્છ કે ભૃગુપુર નામથી તે પ્રાચીન કાળમાં પ્રસિદ્ધ હતું.
ભરૂચનાં ધીકતાં બંદરી વ્યાપારે તેનું મહત્ત્વ ખૂબ વધાર્યુ હતું. લાટદેશનું આ મહત્ત્વનું નગર એક કાળે સમૃદ્ધિના શિખર પર બિરાજમાન હતું. આ નગરના વૈભવથી લલચાઈને અનેક શાસકોએ તેનું આધિપત્ય પ્રાપ્ત કરવા જંગો ખેલ્યા હતા.
શ્રી જગચિંતામણિ ચૈત્યવંદનમાં “ભરૂઅચ્છહિં મુણિસુવ્વયં..." પાઠ આ નગરને પ્રાચીન તીર્થ તરીકે પુરવાર કરે છે.
વીસમા તીર્થપતિ શ્રી મુનિસુવ્રત સ્વામીના કાળમાં અશ્વમેધ યજ્ઞ માટે બ્રાહ્મણોએ એક ઘોડો તૈયાર કર્યો. તેશ્રી તીર્થંકર પ્રભુના ઉપદેશથી પ્રતિબોધ (સમ્યકફત્વ) પામ્યો. શુભ ભાવમાં ચિત્ત સ્થાપીને મરેલો ઘોડો દેવ બન્યો. તેણે પોતાના ઉપકારી પ્રભુનું ચૈત્ય બંધાવી તેને અશ્વાવબોધ તીર્થ નામ આપ્યું.
સિંહલટ્રૂિપના સિંહલ રાજાની કુંવરી સુદર્શનાએ જાતિ-સ્મરણ જ્ઞાનમાં પોતાનો પૂર્વનો સમડીનો ભવ જોયો. તેથી ધર્માનુરાગી બનીને તેણે અશ્વાવબોધ ચૈત્યનો ઉદ્વાર કરાવી તેને “શકુનિકાવિહાર” નામ આપ્યું. કાળાંતરે આ તીર્થના અવારનવાર જીર્ણોદ્વાર થતા રહયા.
શાંતુ મહેતાએ સમલિકા વિહારને સુવર્ણકળશથી વિભૂષિત કર્યો.
અંબડ મંત્રીએ કાષ્ટના આ જિનપ્રાસાદને ૩૨ લાખ સોનૈયાનો વ્યયકરી પાષાણમય બનાવ્યો. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના વરદહસ્તે તેની પ્રાણપ્રતિષ્ઠા થઈ. મહારાજા
કુમારપાળે અહીં ઉતારેલી આરતી અમર બની.
તેજપાલ મંત્રીએ આ પ્રાસાદની પચ્ચીશ દેવકુલિકાઓને સુવર્ણ-ધ્વજથી મંડિત કરી.
તે ઉપરાંત બીજા પણ ભવ્ય જિનપ્રાસાદોનાં નિર્માણ અહીં થયાના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. મુસ્લિમ કાળમાં આ ભવ્ય જિનાલયોને ફટકો પડયો. તેમાંના કેટલાકનું મસ્જિદમાં રૂપાંતર થઈ ગયું.
આજે તો જૈન ધર્મના પૂર્વના એ વૈભવ વારસાની વાતો વાગોળીને જ આપણે સંતોષ માનવો રહયો.
આજે પણ ભરૂચમાં પ્રાચીન નવ જિનાલયો વિધમાન છે. તાજેતરમાં તે જિનપ્રાસાદોના જીર્ણોદ્વારનું ભગીરથ કાર્ય હાથ ઘરવામાં આવ્યું છે.
શ્રીમાળી પોળમાં શ્રી કલ્હારા પાર્શ્વનાથનું પ્રાચીન જિનાલય છે. આ પાર્શ્વનાથ "શ્રી કલ્યાણ પાર્શ્વનાથ"નામથી પ્રસિદ્ધ છે. શ્વેત વર્ણના આ પાર્શ્વનાથજી અતિ પ્રાચીન અને મનોહર છે.અનેક પ્રાચીન રચનાઓમાં આ પાર્શ્વનાથને 'કલ્હારા' નામથી ઓળખાવવામાં આવ્યા છે.
“જૈનતીર્થોના ઈતિહાસમાં"શ્રી ન્યાયવિજયે ભરૂચના પાર્શ્વનાથને “શ્રી યશોધરા પાર્શ્વનાથ" નામથી ઓળખાવ્યા છે.
પ્રાચીનતાના પુરાવા
ભરૂચની શ્રી મુનિસુવ્રતસ્વામીના તીર્થ તરીકેની ખ્યાતિ સુપ્રસિદ્ધ છે. તેની પ્રાચીનતાના થોક બંધ પ્રમાણો પ્રાપ્ત થાય છે. તે પ્રમાણોને અત્રે ન વિચારતા અહીં ફકત શ્રીકલ્હારા પાર્શ્વનાથ તીર્થની પ્રાચીનતાના પ્રમાણો તપાસીશું.
સં. ૧૬૬૫માં મહોપાધ્યાય શ્રી કલ્યાણ વિજયજી ગણિવરના શિષ્યે “શ્રી ભટેવા પાર્શ્વનાથ સ્તવન”માં શ્રી કલ્હારા પાર્શ્વનાથની સ્તવના કરી છે.
સં ૧૬૮૯માં મુનિશ્રી ગુણવિજયના શિષ્યે રચેલા ‘૧૦૮ નામગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવન”માં શ્રી કલ્હારા પાર્શ્વનાથનો નામ નિર્દેશ થયેલો છે.
સં. ૧૭૪૬માં રચાયેલી શ્રી શીલવિજયકૃત 'તીર્થમાલા’’માં ભરૂચના “શ્રી કલ્હારા પાર્શ્વનાથ”નો ઉલ્લેખ છે.
સં. ૧૭૫૫માં રચાયેલી શ્રી જ્ઞાનવિમલકૃત 'તીર્થમાલા”માં
કવિએ ભરૂચના શ્રી કલ્હારા પાર્શ્વનાથને પણ જુહાર્યા છે.
શ્રી રત્નકુશળ કૃત “શ્રી પાર્શ્વનાથ સંખ્યા સ્તવન”માં પણ શ્રી કલ્હારા પાર્શ્વનાથની ગણના થયેલી છે.
સં. ૧૭૨૧માં ગૂંથાએલી શ્રી મેઘવિજય ઉપાધ્યાયકૃત ‘શ્રી પાર્શ્વનાથ નામમાલા’'માં પણ શ્રી કલ્હારા નામની ગુંથણી થયેલી છે. શ્રી જ્ઞાનવિમલે 'કલ્હારા પાર્શ્વનાથ સ્તવન” રચેલું છે.
પ્રભુનાં ધામ અનેક -
શ્રી કલ્હારા પાર્શ્વનાથનું તીર્થ ભરૂચ છે. પાટડી નજીકમાં જૈનાબાદમાં પણ કલ્હારા પાર્શ્વનાથનું જિનાલય છે.
પ્રભુના ધામની પિછાણ –
મુંબઈ અમદાવાદ રેલવેમાર્ગ પર આવેલા ભરૂચ રેલવે સ્ટેશનથી ૧ કી.મી. દૂર આવેલું આ પ્રાચીન તીર્થ રોડમાર્ગે પણ ગુજરાતના અનેક શહેરો સાથે સંકલિત છે.
અહીંના પ્રાચીન જિનાલયોનો જીર્ણોદ્વાર કરી એક ભવ્ય જિનપ્રાસાદનું નિર્માણ કાર્ય તાજેતરમાં હાથ ધરાયું છે. ટૂંક સમયમાં જ આ તીર્થ મનનું હરણ કરતા અને આત્માને આનંદિત કરતા અનુપમ જિનાલયનો આકાર લેશે.
આ ઘણી પ્રાચીન તીર્થ ભૂમિ છે. વજસ્વામી. શ્રી બપ્પભટ્ટી-સૂરિ, શ્રીકાલિકાચાર્ય, શ્રી મલ્લવાદી સૂરિ, શ્રી પાદલિપ્ત સૂરિ, શ્રી હેમચંદ્રાચાર્ય શ્રી વિજ્ય સેનસૂરિ, આદિ ભૂતકાળના પ્રભાવક અને સમર્થ સૂરિપુંગવોના પદાર્પણથી પાવન બનેલી આ તીર્થ ભૂમિનું વર્તમાનના જ્યોતિર્ધર આચાર્ય ભગવંતોને પણ આકર્ષણ છે. સાધુ સાધ્વી ભગવંતોનાં અહીં સતત આગમન થયા કરે છે. આ તીર્થના જીર્ણોદ્વાર કાર્યમાં પૂ. આચાર્ય દેવ શ્રીમદ્રૂિજ્ય વિક્રમ સૂરીશ્વરજી આદિ ઊંડો રસ દાખવી રહયા છે.
નિકટમાં વેજલપુર તથા કબીરપુરામાં પણ ભવ્ય જિનાલયો છે. કાવી, ગંધાર, દહેજ, જંબુસર આદિ નિકટવર્તી તીર્થો યાત્રા કરવા લાયક છે.
ધર્મશાળા, ભોજનશાળા આદિની સુંદર સગવડ છે. ગામમાં જૈનોના ૧૫૦ જેટલા ઘરો છે.