Home > Know Jainism > 8. શ્રી અમીઝરા પાર્શ્વનાથ
Jainonline.org
• 15-May-2025
8. શ્રી અમીઝરા પાર્શ્વનાથ
23

પ્રથમ નજરે પ્રતિમા દર્શન –
અઘ્યાત્મના અગોચર આકાશમાં ઉડ્ડ્યન કરાવતું ૭૦ ઈંચ ઊંચું અને ૫૫ ઈંચ પહોળું આ કોઈ જમ્બો જેટ તો નહિ? અંતરને અકળાવતી વિકારની કાલિમાનું સંવેગની શુભ્રતામાં રૂપાંતર કરતું શ્વેતવર્ણનું આ કોઈ કોમ્પ્યુટર તો નહિ? સાતફણાના છત્રથી આચ્છાદિત આ ભગવાન ભવના થાકને ઉતારવાનો કોઈ આરામમહેલ નહિ? વિષયના જાલિમ વિષને ઉતારનાર આ કોઈ પશ્વાસનારૂઢ ગારૂડી તો નહિ?
અતીતના ઊંડાણમાં એક ડૂબકી —
એક સમયે વૈભવ અને સમૃદ્ધિની ટોચ પર બેઠેલું ગંધાર નગર આજે તો લુપ્ત પ્રાયઃ થઈ ગયું છે. તે પ્રાચીન નગરની ભૂતકાળની જાહોજલાલી પર પ્રકાશ ફેંકતું એક જિનમંદિરનું ખંડેર આજે પણ મોજૂદ છે. ત્રણ માઈલના વિસ્તારની જમીનમાં જોવા મળતા ઈંટો પથ્થરો વગેરેના અવશેષો પણ આ નગરની પ્રાચીનતા પર પ્રકાશ પાડે છે. એક સમયનું વૈભવશાળી આ નગર આજે નાનકડું ગામડું બની જવા છતાંય એક મહાન તીર્થ રૂપે પોતાનું વિશિષ્ટ વ્યકિતત્વ ધારણ કરી ભવસાગર તરવાની ભાવનાવાળા ભાવુકોને આકર્ષી રહયું છે.
પૂર્વકાળમાં ગંધારની વિકસિત બંદર તરીકેની સુખ્યાતિ હતી. દેશ પરદેશના માલની અહીંથી પુષ્કળ હેરફેર થતી. તેથી વ્યાપારનું મહત્ત્વનું મથક અહીં હતું. સમૃદ્ધિથી છલકાતા આ નગર પર પરદેશીઓની સતત બૂરી નજર રહેતી, તેથી આ નગર અનેક આક્રમણોનો ભોગ બન્યું હતું. ઈ.સ. ૭૬૯-૭૦માં સિંધના ગવર્નરે આ નગર પર હુમલો કરી મૂર્તિઓ ખંડિત કરી નાખી હતી. અને તે સ્થાનોમાં મસ્જિદો ઊભી કરી હતી.
સં. ૧૬૦૨માં આ નગર પર ફિરંગીઓએ હુમલો કર્યો તેથી અહીંના શ્રીમંત શ્રેષ્ઠીઓએ સ્થાનાંતર કર્યુ
વિક્રમના સત્તરમા સૈકામાં આ નગરની પુષ્કળ જાહોજલાલી હતી. આ નગર જૈન પ્રવૃત્તિઓનું મહત્ત્વનું કેન્દ્ર હતું. અનેક જિનાલયો આ નગરને શોભાવતાં હતાં. તપાગચ્છાધિપતિ જગદગુરુશ્રી હીરવિજયસૂરીશ્વરજી મ. વિશાળ મુનિગણ સહિત અહીં ચાતુર્માસ રહયા હતા. તે સમયે તેમને અકબર બાદશાહે ફતેહપુર સિક્રી આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું. અપૂર્વ શાસન પ્રભાવનાનું કારણ જાણીને પૂ સૂરિદેવે તે આમંત્રણનો અહીંથી સ્વીકાર કર્યો હતો.
અહીંના શ્રીમંત અને ધર્મનિષ્ઠ શ્રાવકોએ ઠેર-ઠેર અનેક ધર્મ કાર્યો કરાવ્યાની નોંધો પ્રાપ્ત થાય છે.
અઢારમા સૈકામાં આ નગર પતનના પગથિયે આવી ઊભું ખંભાતના ચાંચિયાઓએ આ શહેર પર ખૂબ લૂંટ ચલાવી અને શહેરને નષ્ટપ્રાય: કરી દીધું. ભૂતકાળનું એક સમૃદ્ધ નગર કાળના પટ પરથી વિલીનપ્રાય: થઈ ગયું. તે સમયે અહીંથી અનેક જિનબિંબોને દહેજ ખસેડીને ત્યાં ભંડારી દેવામાં આવ્યાં હોય તેમ કહેવાય છે.
શ્રી મહાવીર સ્વામી તથા શ્રી અમીઝરા પાર્શ્વનાથના બે જિનાલયોનું અસ્તિત્વ ટકી રહયું. શ્રી મહાવીર સ્વામીનું જિનાલય સં. ૧૫૦૦ની સાલમાં ખંભાતના રાજીયા વાજીયાએ બંધાવ્યું હતું.તે જિનાલય જીર્ણ થતાં સં. ૧૮૧૦માં તેનો જીર્ણોદ્વાર થયો. આજે આ દેરાસર ખંડેર હાલતમાં ગામની ઉત્તર દિશામાં મોજૂદ છે.
શ્રી અમીઝરા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા સં. ૧૬૫૯ના વૈશાખવદ ૬ને ગુરુવારે શ્રી વિજયસેન સૂરિજીના હસ્તે થઈ હતી. ત્યાર બાદ સં. ૧૯૬૪ મહા સુદ ૫ને ગુરુવારે શ્રી અમીઝરા પાર્શ્વનાથ આદિ જિનબિંબોને ગામના નૂતન જિનમંદિરમાં પુન: પ્રતિષ્ઠિત કરવામાં આવ્યાં.
આ મનોહર જિનબિંબમાંથી વારંવાર અમૃતસ્રોત ઝરતો હોવાથી પરમાત્મા "અમીઝરા” નામથી પ્રસિદ્ધ બન્યા ત્યારબાદ ચરમ તીર્થપતિ શ્રી મહાવીર સ્વામીના જિનાલયનો જીર્ણોદ્વાર થયો ને ચોવીસ દેવ કુલિકા યુકત તે નૂતન જિનાલયમાં સં. ૨૦૨૮ ફાગણ માસમાં સિદ્ધાંત મહોદધિ પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ભિવજ્ય પ્રેમસૂરીશ્વરજી મ.ના પટ્ટઘર પૂ વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્ય દેવશ્રીમદ્ વિજ્ય રામચંદ્ર સૂરીશ્વરજી મ.ના હસ્તે પ્રતિષ્ઠા કરવામાં આવી.
ગંધારના આ પાર્શ્વનાથ શ્રી ગંધારીઆ પાર્શ્વનાથ તરીકે પણ ઓળખાય છે.
પ્રાચીનતાનાં પુરાવા –
સં. ૧૬૫૫માં રચાયેલી શ્રી પ્રેમવિજય કૃત “ ૩૬૫ શ્રી પાર્શ્વજિન નામમાલા”માં 'અમીઝરા' નામ ગૂંથાયેલું છે.
સં. ૧૬૫૬માં કવિ શ્રી નયસુંદરે રચેલ “શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના છંદ'માં આ પાર્શ્વનાથને પણ સ્તવ્યા છે.
સં. ૧૬૬૫માં મહોપાધ્યાય શ્રી કલ્યાણ વિજયજી ગણિવરના
શિષ્યે રચેલા “શ્રી ભટેવા પાર્શ્વનાથ સ્તવન”માં પણ અમીઝરા પાર્શ્વનાથની સ્તવના થયેલી છે.
સં. ૧૬૬૭માં કવિવર શાંતિકુશળે “૧૦૮ નામ ગર્ભિત શ્રી ગોડી પાર્શ્વનાથ સ્તવન”માં ગંધારના પાર્શ્વપ્રભુને સ્તવ્યા છે.
સં. ૧૬૮૯માં મુનિશ્રી ગુણવિજયજીના શિષ્યે રચેલા ‘૧૦૮ નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવન”માં 'અમીઝરા’નામનો નિર્દેશ થયો છે.
કવિઋષભદાસે “શ્રી હીરવિજય સૂરિ રાસ'માં ગંધારના પાર્શ્વનાથના પ્રાસાદનો ઉલ્લેખ કર્યો છે.
સં. ૧૭૨૧માં રચાયેલી શ્રી મેઘવિજય ઉપાધ્યાય કૃત "શ્રી પાર્શ્વનાથ નામમાલા'માં પણ 'અમીઝરા' નામ ગુંથાયેલું છે.
સં. ૧૭૪૬માં કવિ શ્રી શીલ વિજયે રચેલી “તીર્થમાલા”માં પણ અમીઝરા પાર્શ્વનાથનો ઉલ્લેખ છે.
અઢારમા સૈકામાં શ્રી જ્ઞાનવિમલે રચેલા “૧૩૫ નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવન"માં તથા શ્રી કલ્યાણ સાગર રચિત ** શ્રી પાર્શ્વનાથ ચૈત્ય પરિપાટી'માં શ્રી પાર્શ્વપ્રભુના આ નામનો નિર્દેશ જોવા મળે છે.
સં. ૧૮૮૧માં કવિશ્રી ઉત્તમવિજયે ગાયેલા “શ્રી પાર્શ્વપ્રભુના ૧૦૮ નામના છંદ'માં તેમણે અમીઝરા પાર્શ્વનાથની પણ સ્તુતિ કરી છે.
પ્રભુનાં ધામ અનેક
શ્રી અમીઝરા પાર્શ્વનાથનું મુખ્ય તીર્થ ગંધાર છે. ખંભાત
(જીરાળાપાડો). દુઆ (બનાસકાંઠા), સાણંદ, ગિરનાર તીર્થ આસપુર (મેવાડ), જુન્નર, સાંગલી (મહારાષ્ટ્ર) ગારિયાધાર (સૌરાષ્ટ્ર), શ્રી શત્રુંજયતીર્થ, અમઝરા (મધ્યપ્રદેશ). ઉના તથા મુંદ્રા (કચ્છ)માં શ્રી અમીઝરા પાર્શ્વનાથનાં જિનાલયો છે. જીરાવલા તીર્થની ૫૧મી દેરીમાં તથા શાન્તાક્રુઝ (મુંબઈ)ના શ્રી કલિકુંડ પાર્શ્વનાથના જિનાલયમાં પણ શ્રી અમીઝરા પાર્શ્વનાથના પ્રતિમાજી છે. પાલીતાણા શ્રી કેશરીયાનગર જિનાલયમાં પણ શ્રી અમીઝરા પાર્શ્વનાથ બીરાજે છે.
પ્રભુના ઘામની પિછાણ —
સમુદ્રના સુરમ્ય કિનારે વસેલી વામણી વસવાટ ભૂમિઓની વચ્ચે આવેલું આ વિરાટ તીર્થ સ્થાન ઘણું રળિયામણું છે. ભરૂચ કાવી રેલવે લાઈન પર આવેલું પખાજન રેલવે સ્ટેશન અહીંથી ૧૩ કી.મી. દૂર છે. ભરૂચથી આ તીર્થ ૨૬ કી.મી. દૂર છે. દહેજ તીર્થ અહીંથી ૨૪ કી.મી. દૂર છે.
શ્રી મહાવીર સ્વામીનું જિનાલય ૨૪ દેવકુલિકાઓથી પરિવૃત્ત છે. બધાં પ્રતિમાજી પ્રાચીન અને આહ્લાદક છે. ધર્મશાળા, ભોજન શાળાની સુંદર સગવડ છે.ભરૂચ. કાવી, આદિ તીર્થો નિકટમાં જ છે.
પૂ. આચાર્ય દેવશ્રીમદ્વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાની દીક્ષા ભૂમિ ગંધાર છે.