Home > Know Jainism > 9. શ્રી પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ
Jainonline.org
• 16-May-2025
9. શ્રી પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ
16

પ્રથમ નજરે પ્રતિમા દર્શન—
પીત પાષાણના શ્રી પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથજી એટલે કર્મમળથી મલિન બનેલા આતમચીરને પખાલવા નિરંતર વહેતી નિર્મળ નીરની સરિતા.અર્ધપધાસને આરૂઢ આ દર્ભાવતીના દર્શનીય દેવનાં દર્શનથી દર્શકનું દૈવ ચમકી ઊઠે છે દ્રમકપણ દોલતપતિ બને છે. ૩૩ ઈંચ ઊંચા આ નિરંજન નાથ અનાથને સનાથ કરે છે. ૨૬ ઈચ પહોળા આ પ્રભુજી પ્રીતિકારક છે.
અતીતના ઊંડાણમાં એક ડૂબકી —
પ્રાચીન કાળમાં ‘દર્ભાવતી' નામથી ઓળખાતી આ નગરી સિદ્ધરાજ જયસિંહના સમયમાં વસી હતી.
ગૂર્જરનરેશ શ્રી વીરઘવલના મંત્રી તેજપાલે ડભોઈ કિલ્લાનો જીર્ણોદ્વાર કરાવ્યો હતો. તેમણે જ અહીં શ્રી પાર્શ્વનાથનું ભવ્ય જિનાલય બંધાવ્યું હતું. તેમણે અહીં બીજું પણ એક જિનાલય બંધાવ્યાના ઉલ્લેખ મળે છે.
શ્રી પેથડ શ્રેષ્ઠીએ ૮૪ જિનપ્રાસાદો બંધાવ્યા હતાં. તેણે દર્ભાવતીમાં શ્રી ચંદ્રપ્રભ સ્વામીનું જિનાલય બંધાવ્યું હતું.
વિક્રમના તેરમાં સૈકામાં થઈ ગયેલા વિશળદેવ રાજાના સમયના ખ્યાતનામ શિલ્પી હીરાધરે અહીં કિલ્લો બાંધ્યો હતો. શિલ્પીની અમર કલાકૃતિ સમો આ કિલ્લો હીરા ભાગોળના નામથી ઓળખાય છે.
પૂ. આચાર્ય દેવ શ્રી મુનિચંદ્ર સૂરિના જન્મથી આ નગરી પવિત્ર બનેલી છે. તાર્કિક શિરોમણી મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા. અહીં ૧૭૪૩માં કાળધર્મ પામ્યા હતા.
અનેક મનોહર જિનાલયોથી શોભતું આ ડભોઈ પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથનું પણ તીર્થ છે. શ્રી ઋષભાદિ જયતિલક પ્રાસાદના ભોંયરામાં આ પરમાત્મા બિરાજે છે. પરમાત્માના દેહની કાન્તિ મોહક છે.
એક ધોબીએ સ્વપ્નમાં આ મનોહર જિનબિંબના દર્શન કર્યા. સ્વપ્નના સંકેત મુજબ સંશોધન કરતા તેને ડભોઈ નજીકના સંખેડા-બાદરપુર ગામો વચ્ચેની ઓરસંગ નદીના કાંઠેથી આ પ્રતિમાજી પ્રાપ્ત થયાં.
આ પ્રતિમાજીને ડભોઈ લાવવામાં આવ્યા. પ્રતિમાજી ઘણાં પ્રાચીન જણાય છે. આદિનાથજીના નૂતન જિનાલયમાં ડભોઈમાં જ
જન્મેલા આગમપ્રજ્ઞ પૂ.આચાર્ય દેવ શ્રી જંબુસૂરીશ્વરજીના વરદ હસ્તે સં. ૨૦૦૭ ના વૈશાખ સુદ ૭ના દિને પરમાત્માને ગાદીનશીન કરવામાં આવ્યા.
પ્રગટ પ્રભાવથી યુકત આ પરમાત્માનું પ્રગટ પ્રભાવી નામ સહેતુક છે. દર્ભાવતી મંડન આ પાર્શ્વનાથજી “દર્ભાવતી પાર્શ્વનાથ'ના નામથી પણ ઓળખાય છે.
પ્રાચીનતાના પુરાવા -
સં. ૧૩૩૪માં શ્રી પ્રભાચંદ્રાચાર્યે રચેલા “પ્રભાવક ચરિત્ર '' માં ‘‘શ્રી વાદી દેવસૂરિ પ્રબન્ધ”માં ડભોઈ શ્રી મુનિચંદ્ર સૂરિ મ.સા.ની જન્મભૂમિ હોવાનો ઉલ્લેખ છે.
સં. ૧૪૪૬માં રચાયેલી શ્રી મુનિસુંદર સૂરિ કૃત "ગુર્વાવલી” અનુસાર માંડવગઢના મહામંત્રી શ્રી પેથડ શાહે દર્ભાવતીમાં શ્રી ચંદ્રપ્રભ સ્વામીનું જિનાલય બંધાવ્યું હતું.
પ્રભુનાં ધામ અનેક
શ્રી પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથનું એક માત્ર તીર્થ ડભોઈના શ્રીમાળી વાગામાં આવેલું છે.
પ્રભુનાં ઘામની પિછાણ
સાત મનોહર જિનાલયોથી શોભતું ડભોઈ આજે પણ જૈનોની વિપુલ વસ્તી ધરાવે છે. અહીંના જિનાલયો પ્રાચીન અને પ્રભાવક છે. અહીંના જ્ઞાન ભંડારો પ્રાચીન અને સમૃદ્ધ છે. અહીંના શ્રાવકો શ્રીમંત અને ધર્મનિષ્ઠ છે.
ગામથી પશ્ચિમ દિશામાં મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.નું સમાધિ મંદિર છે, અહીં એક સ્તૂપમાં સં. ૧૭૪૫ના લેખવાળી પૂ ઉપાઘ્યાયજીની ચરણ પાદુકા છે.
ધર્મશાળા અને ભોજનશાળાની સુંદર સગવડ છે.