Home > Know Jainism > 17 . શ્રી ભીડભંજન પાર્શ્વનાથ
Jainonline.org
• 28-May-2025
17 . શ્રી ભીડભંજન પાર્શ્વનાથ
642
 
 
							 પ્રથમ નજરે પ્રતિમા દર્શન-
સંકુચિતતાના નીડમાં પુરાયેલા આતમ પંછીને સાધનાના વિરાટ વ્યોમમાં વિહરણ કરાવે છે. શ્વેત પાષાણના આ પ્રભુજીની ઉપાસના.
વિષમય વિષયો પ્રત્યે સહજ ચીડ ઊભી કરાવે છે. આ ૨૫ ઈંચ ઊંચા પ્રભુજીની વંદના.
કામવાસનાની પીડને પણ મીટાવે છે. આ ૨૧ ઈંચ પહોળા પ્રભુજીની પર્યુપાસના.
ભકતોની ભીડને ભાંગે છે. આ ભકતવત્સલ ભગવંતની ભકિત ભાવના.
અતીતના ઊંડાણમાં એક ડૂબકી—
સંતપુરુષોનું ‘નિષ્કારણ બંધુ' નામ ઘણું યથાર્થ છે. આત્મકલ્યાણના ધ્યેયને સિદ્ધ કરવા સતત પ્રયત્નશીલ બનતા સાધુ વિશ્વના જીવો પર સહેજે ઉપકાર કરનારા બને છે. અનેકોના જીવનમાં અધ્યાત્મના અજવાળા પાથરતા શ્રી વિજયરાજ આચાર્ય એકદા ખેડા ગામ તરફ જઈ રહયા હતા. ખેડાથી પશ્ચિમમાં સરિતા તટે આવેલા હરિયાળા ગામ પાસેના એક વડ નીચે આચાર્યશ્રી બેઠા.
એક સંતપુરુષ ગામની બહાર આવીને બેઠા છે તે જાણી સઘળા ગ્રામ્યજનો તેમની પાસે આવ્યા અને પૂ આચાર્યશ્રીને ગામમાં પધારવા વિનવ્યા. ગ્રામ્યજનોની સરળતા અને પાત્રતાને આચાર્યશ્રીએ પિછાણી લીધી. આ યોગ્ય જીવોને અનંત કલ્યાણની કેડી સમા જૈનધર્મનો પરિચય કરાવ્યો દેવ-ગુરુ અને ધર્મ એ સર્વોત્તમ તત્ત્વત્રયીનું લોકોત્તર સ્વરૂપ સમજાવ્યું પૂજયશ્રીની કલ્યાણકર વાણીનું અમૃતપાન કરીને બોધ પામેલા આ ગ્રામ્યજનોએ શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો અને જિનેશ્વર પરમાત્માના પૂજન માટે ઉત્સુક બનેલા આ નૂતન શ્રાવકોએ જિનપ્રતિમાની માંગણી કરી.
તેમની માંગણી સાંભળીને તુરત પૂ. આચાર્યશ્રીએ પોતાની બેઠક નીચેની જગ્યા ખોદવા જણાવ્યું અને આ વટવૃક્ષ નીચે ખોદકામ કરતા એક મનોહર જિનબિંબ પ્રાપ્ત થયું. આ પ્રતિમાના દિવ્ય સ્વરૂપને નિહાળીને આ શ્રાવકો આનંદ ઘેલા બન્યા. ત્યાંજ એક ભવ્ય ભકિત મહોત્સવ ઊજવીને પરમાત્મપ્રાપ્તિના આનંદને વ્યકત કર્યો. પરમાત્માની સાથે બે કાઉસગ્ગીયા, પિત્તળની દીવી ત્રાંબાની કુંડી વગેરે સામગ્રી પણ પ્રાપ્ત થઈ.
વટવૃક્ષ નીચેથી પ્રાપ્ત થયેલા આ પરમાત્મા તે જ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ સંવત ૧૫૧૬ની સાલમાં પરમાત્માના પ્રાગટ્યની આ ઘટના બની.
નદીના કિનારા પરની એક ટેકરી પર પરમાત્માને સ્થાપિત કરીને ત્યાં એક જિનપ્રાસાદનું નિર્માણ કરવામાં આવ્યું. આ પરમાત્માના લોકોત્તર પ્રભાવને જાણીને હરિયાલા ગામના ચાવડા રાજપૂતોએ પોતાની મિથ્યા માન્યતાની કંઠીઓ તોડી નાખી અને શ્રાવક ધર્મનો સ્વીકાર કર્યો. તે શ્રાવકો પછી શેઠ કહેવાયા.
શ્રી ભીડભંજન પાર્શ્વનાથ સંપ્રતિકાલિન છે. આ પરમ આહલાદક જિનબિંબનાં દર્શન. પૂજન અને સ્તવન ભકતની સર્વ પ્રકારની ભીડને ભાંગવા સમર્થ છે. સર્વ પ્રકારની ઉપાધિઓથી મુકત કરનાર આ પરમાત્માનું ભીડભંજન નામ સાર્થક છે.
પાંચમાં સૈકા જેટલા પ્રાચીન ગણાતા ખેડા નગરમાં શ્રી ભીડભંજન પાર્શ્વનાથનું જિનાલય આજે વિદ્યમાન છે. સંવત ૧૭૯૪માં આ તીર્થનો જીર્ણોદ્વાર થયો અને જેઠ સુદ દશમના દિવસે પરમાત્માને પુન: પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા હતા.
પ્રાચીનતાનાં પુરાવા—
સંવત ૧૬૫૫ના આસો સુદ-૧૦ના દિને રચાયેલી શ્રી પ્રેમવિજય કૃત “૩૬૫ શ્રી પાર્શ્વજિન નામમાલા'માં ભીડભંજન નામનો પણ ઉલ્લેખ થયેલો છે.
સંવત ૧૬૫૬ના આસો વદ-૯ને મંગળવારે કવિ નયસુંદરે રચેલા "શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના છંદ'માં પણ આ નામનો ઉલ્લેખ છે.
સંવત ૧૬૬૫ના વિજયા દશમીને સોમવારે મહોપાધ્યાય શ્રી કલ્યાણ વિજયજી ગણિવરના શિષ્યે રચેલા ‘શ્રી ભટેવા પાર્શ્વનાથ સ્તવન”માં શ્રી ભીડભંજન પાર્શ્વનાથને ભીડ ભાંગનારા તરીકે ઓળખાવવામાં આવ્યા છે.
સંવત ૧૬૬૭માં કવિ શાંતિકુશલે રચેલા“૧૦૮ નામ ગર્ભિત શ્રી ગોડી પાર્શ્વનાથ સ્તવન”માં પણ આ પ્રભુનો નામ નિર્દેશ થયેલો છે.
સત્તરમાં સૈકાના મધ્યમાં કવિ રત્ન કુશલે રચેલા ‘“શ્રી પાર્શ્વનાથ સંખ્યા સ્તવન"માં આ પરમાત્માનો મહિમાં તેમણે ગાયો છે.
સંવત ૧૬૮૯ના આસો વદ ૧૦ના દિવસે મુનિશ્રી ગુણવિજયના શિષ્યે રચેલા “૧૦૮ નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવન"માં પણ આ નામનો ઉલ્લેખ થયેલો છે.
સંવત ૧૭૨૧માં શ્રી મેઘવિજય ઉપાધ્યાયે રચેલી “શ્રી પાર્શ્વનાથ નામમાલા'માં આ નામને પણ ગૂંથવામાં આવ્યું છે.
સંવત ૧૭૪૯માં દ્વિતીય ભાદ્રપદ સુદ તેરસે કવિ ઉદયરત્ને રચેલા “શ્રી જંબુ સ્વામી રાસ"માં કવિએ આ નગરના શ્રાવકોની ધર્મનિષ્ઠાનું રોચક વર્ણન કરેલું છે. તથા તેમણે જસંવત ૧૭૬૬માં રચેલા “મલયસુંદરી મહાબલ રાસ''માં પ્રશસ્તિમાં આ પ્રભુનો મહિમા ગાયો છે.
અઢારમી સદીમાં કવિવર જ્ઞાનવિમલે રચેલા “૧૩૫ નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવન”માં ભીડભંજન નામનો પણ ઉલ્લેખ કરાયેલો છે.
અઢારમી સદીમાં રચાયેલી શ્રી કલ્યાણ સાગર કૃત "શ્રી પાર્શ્વનાથ ચૈત્યપરિપાટી'માં તેમણે શ્રી ભીડભંજન પાર્શ્વનાથને પણ જુહાર્યાનું નોંધ્યું છે.
સંવત ૧૭૭૮ના કાર્તિક વદ આઠમે કવિ ઉદયરત્ને “શ્રી ભીડભંજન પાર્શ્વનાથ સ્તવન'માં આ પ્રભુના અદ્ભુત મહિમાનું મનોહર વર્ણન કર્યુ છે.
સંવત ૧૮૮૧માં કવિ ઉત્તમ વિજયે ગાયેલા "શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છંદ'માં પણ આ પ્રભુની સ્તવના કરવામાં આવી છે.
પ્રભુનાં ઘામ અનેક —
શ્રી ભીડભંજન પાર્શ્વનાથનું મુખ્ય તીર્થ ખેડા છે. તદુપરાંત ભારતભરમાં શ્રી ભીડભંજન પાર્શ્વનાથના અનેક જિનાલયો વિદ્યમાન છે. સૂરત (નાણાવટ) પાટણ ઉનાવા. ભીવંડી. તારાપુર વડોદરા, ઉદયપુર, શ્રી જીરાવલા તીર્થની તેરમી દેરીમાં તથા મુંબઈ (સાંતાક્રુઝ)ના શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલયના એક ગોખલામાં પણ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ બિરાજે છે.
પ્રભુનાં ધામની પિછાણ—
શ્રી ભીડભંજન પાર્શ્વનાથ તીર્થ ખેડા (ખેટકપુર) એ જિલ્લાનું ગામ છે. અમદાવાદ મુંબઈ હાઈવૈ રોડ પર આવેલું ખેડા નડિયાદથી ૧૪ માઈલ અને અમદાવાદથી ૨૨ માઈલ દૂર છે.
અહીં બીજાં પણ આઠ જિનાલયો તીર્થ સદેશ છે. માતર ધોળકા, ખંભાત, સોજીત્રા વગેરે તીર્થો અહીંથી નજીક આવેલા છે.
ગામમાં જૈનોનાં ૭૦ ઉપરાંત ઘરો ખુલ્લાં છે. ઉપાશ્ચય પાઠશાળા તથા આયંબિલ શાળા પણ વિદ્યમાન છે. અહી ધર્મશાળા તથા ભોજનશાળાની સુંદર સગવડ છે. ખેડા પૂ ઉપાધ્યાય શ્રી ઉદયરત્નજી તથા પૂ આચાર્ય શ્રી કપૂરસૂરીશ્વરજી આદિ મહાન પુરુષોની જન્મભૂમિ છે. દર પૂનમે અહીં ભાતુ અપાય છે. કાર્તિકી તથા ચૈત્રી પૂનમનો અહીં વિશેષ મહિમા છે.




 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                .webp) 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                 
                                 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                 
                                 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                 
                                .jpg) 
                                .jpg) 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                 
                                 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                 
                                 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp)