Home > Know Jainism > Shri Hirvijaysuri
Jainonline.org
• 30-May-2025
Shri Hirvijaysuri
4752
.png) 
 
							 શ્રી હીરવિજયસૂરી
આચાર્યશ્રી હીરવિજસૂરી એ વખતે ગાંધાર નગરમાં હતા. ત્યાં તેમને અકબર બાદશાહે મોકલાવેલું આમંત્રણ તથા ફત્તેહપુર સિક્રીના જૈનસંઘના વિનંતીપત્રો મળ્યા. ત્યાંના સંઘ સાથે ચર્ચા-મંત્રણા કર્યા બાદ આચાર્યશ્રીએ દિલ્હી અકબર બાદશાહને સદુપદેશ આપવા જવાનું નક્કી કર્યું. વિહાર શરૂ કર્યો અને તેઓ વટાદરા ગામમાં આવ્યા. તે રાત્રે નિદ્રામાં તેમણે સ્વપન જોયું. એક અતિ દેદીપ્યમાન સ્ત્રી નમસ્કાર કરી આચાર્યશ્રીને કંકુ અને મોતીથી વધાવે છે અને કહે છે કે “હે આચાર્યદેવ! અકબર નિખાલસ મને આપને બોલાવે છે. કોઈ જાતની શંકા વગર તેમને મળો અને જિન-શાસનની શાન વધારો. આથી આપની અને જિનશાસનની કીર્તિ વધશે.” અને એ દિવ્ય શરીરધારી સ્ત્રી આટલું કહી અદ્રશ્ય થઈ ગઈ.
વિહાર કરી આચાર્યશ્રી અમદાવાદ આવ્યા. અમદાવાદના સૂબા શિહાબખાને તેમનું ભવ્ય સ્વાગત કર્યું. જોકે શિહાબખાને ભૂતકાળમાં આચાર્યશ્રીનું અપમાન કરેલું અને જૈનોનો ભારે વિરોધી હતો. પણ અકબર બાદશાહના ફરમાનને લીધે લાચાર થઈ તેણે ગુરુ મહારાજની માફી માગી. દિલ્હી જવા હાથી, ઘોડા, સૈનીકો વગેરે જે જોઈએ તે આપવા આગ્રહ કર્યો. પણ આચાર્યશ્રીએ જૈન આચાર સમજાવી તેમને તે કશું ખપે નહિ તેમ સમજાવીને કહ્યું કે 'અમારા મનમાં તમારા પ્રત્યે કોઈ રોષ નથી. અમારે શત્રુ કે મિત્ર બધા સરખા છે અને અમે સૃષ્ટિના તમામ જીવો સુખી રહે તેવી ખરા દિલથી કામના કરીએ છીએ.' આચાર્યશ્રીએ પટ્ટધર શ્રી સેનસૂરિશ્વરજીને ગુજરાતમાં રહેવા આદેશ આપ્યો અને શ્રી હીરસૂરિશ્વરજીએ પોતાના વિદ્વાન શિષ્યરત્ન શ્રીવિમલહર્ષ ઉપાધ્યાય વગેરે મુનીવરો સાથે દિલ્હી તરફ વિહાર કર્યો.
દિલ્હી પહોંચવાની થોડા દિવસની વાર હતી ત્યારે આચાર્યશ્રીએ શ્રી વિમલહર્ષ ઉપાધ્યાયને આગળ વિહાર કરી બાદશાહને મળી તેમના વિચારો જાણવા જણાવ્યું. એટલે ઉપાધ્યાયશ્રી ઉગ્ર વિહાર કરી ફત્તેહપુર સિક્રી પહોંચ્યા અને સંઘના આગેવાનોને મળ્યા. આગેવાનોની સલાહ અનુસાર ઉપાધ્યાયશ્રી પહેલા અબુલફઝલને મળ્યા અને અબુલફઝલે હર્ષપૂર્વક જણાવ્યું કે બાદશાહ ફકત આચાર્યશ્રી પાસે ધર્મની વાતો સાંભળવા ઇચ્છે છે. અકબર બાદશાહનો કોઈ બદ ઇરાદો નથી જ એમ સ્પષ્ટપણે સમજાવ્યું, અને અબુલફઝલ જાતે ઉપાધ્યાયશ્રીને લઈ અકબર બાદશાહ પાસે આવ્યા, બાદશાહને ઉપાધ્યાયજી તથા તેમની સાથે બીજા ત્રણ મુનીરાજો હતા તેમની ઓળખાણ કરાવી. તરતજ બાદશાહે પોતાના સિંહાસન ઉપરથી ઊતરી મુનિવરોનો સત્કાર કર્યો. ઉપાધ્યાયે 'ધર્મલાભ' કહી આશીર્વાદ આપ્યા. બાદશાહે પૂછ્યું કે 'આચાર્યશ્રીને મળવાની ભારે ઉત્કંઠા છે, તેઓનાં દર્શન ક્યારે થશે ?’ થોડાક જ દિવસોમાં આચાર્યશ્રી અત્રે આવી પહોંચશે તેમ ઉપાધ્યાયશ્રીજીએ જણાવ્યું. વાતચીત દરમિયાન મુનિવરોને લાગ્યું કે બાદશાહ વિનયી અને વિવેકી છે, અને વિદ્વાનો પ્રત્યે આદરભાવ ધરાવે છે. ઉપાધ્યાયશ્રી વિમળહર્ષ ફત્તેહપુર સીક્રીથી પાછો વિહાર કરી આચાર્યશ્રી હીરવીજયજી કે જેઓ અભિરામાબાદ પહોંચ્યા હતા ત્યાં જઈ તેઓને મળ્યા અને તેમને બાદશાહ સાથે થયેલો વાર્તાલાપ ટૂંકમાં કહી સંભળાવ્યો. આચાર્યશ્રીને આથી પૂરતો સંતોષ થયો, અને વિહાર કરી ફત્તેહપુરસીક્રી પહોંચ્યા. ત્યાંના શ્રીસંઘે ગુરુદેવનું બાદશાહી સ્વાગત કર્યું. આચાર્યશ્રીની પણ પહેલી મુલાકાત અબુલફઝલ સાથે થઈ. આ મુલાકાતથી અબુલફઝલ ખૂબ જ પ્રભાવિત થયો.
આચાર્યદેવ ત્યાંના કેટલાક શ્રાવકો અને અબુલફઝલ સાથે અકબરને મળવા રાજમહેલમાં પધાર્યા. અકબરને આચાર્યશ્રી પધારતાં એટલો બધો આનંદ થયો કે આચાર્યશ્રીને બેસવાનું કહેવાનું પણ તેને ભાન ન રહ્યું અને આચાર્યશ્રી સાથે વાતો શરૂ કરી દીધી. ક્લાકો સુધી ઊભાં ઊભાં જ આ વાર્તાલાપ ચાલ્યો. પછી મંત્રણાગૃહમાં પધારવા અકબરે આચાર્યશ્રીને દોર્યા.તે ગૃહમાં દરવાજેથી જ ગાલીચો પાથરેલ હતો તેથી આચાર્યશ્રીએ એની ઉપર ચાલવાની ના પાડી અને સમજાવ્યું કે ગાલીચા નીચે જીવ-જંતુ હોય, તે ઉપર ચાલવાથી હિંસા થાય, તેવી હિંસા સાધુ ન કરે. એટલે બાદશાહે ગાલીચો ઉપાડી લેવા સેવકોને કહ્યું, તેની નીચે ઘણી કીડીઓ દેખાઇ. અકબર આંખો ફાડી આચાર્યદેવ સામે જોઇ રહ્યો, એની શ્રદ્ધા ખૂબ વધી ગઇ. આ મુલાકાત બાદ રોજ અકબર બાદશાહ ઉપાશ્રયે આવી આચાર્યશ્રીને મળતો રહ્યો. ઠીકઠીક જ્ઞાનગોષ્ટી ચાલતી રહી. એક વખત અકબરે પોતાને શનિની ગ્રહદશા ચાલે છે તેનું કંઈક નિવારણ પૂછ્યું. આચાર્યશ્રીએ પોતે સરળતાથી નમ્રપણે સ્પષ્ટ રીતે જણાવ્યું કે “મારો વિષય ધર્મ છે, જ્યોતિષનો નહિ. એટલે એ અંગે હું કંઈ કહું નહીં.”
એક દિવસ કેટલાંક પુસ્તકો અકબરે શ્રીહીરવિજયસૂરિને બતાવ્યાં બધાં જ ધાર્મિક પુસ્તકો હતાં અને તે એક તપાગચ્છના વિદ્યાવાન સાધુ શ્રી પદમ સુંદરજીનાં હતાં. તેઓનો સ્વર્ગવાસ થયો એટલે આ પુસ્તકો આચાર્યશ્રીને સ્વીકારવા આગ્રહ કર્યો. પણ આચાર્યશ્રીએ તે લેવા ના કહી અને જણાવ્યું કે, “અમે આ સંગ્રહને અમારી પાસે રાખીને શું કરીએ? અમને જરૂર હોય તે પુસ્તકો લઈ વાંચી પાછા ભંડારને સોંપી દઈએ.” આવી નિઃસ્પૃહતાથી અકબર વધુ પ્રભાવિત થયો. ત્યાંથી ચોમાસુ કરવા ગુરુદેવ આગ્રા પધાર્યા. પર્યુષણ પર્વના આઠ દિવસ 'અમારિ પ્રવર્તન' કરવામાં આવ્યું. બાદશાહે ફરમાન બહાર પાડી ૮ દિવસ પર્યુષણના તથા આગળના ૨ દિવસ અને પર્યુષણ પછીના ૨ દિવસ એમ કુલ ૧૨ દિવસ જીવહિંસા બંધ કરાવી. અહિંસા માટે બાદશાહને આચાર્યશ્રી જુદી-જુદી રીતે સમજાવતા ગયા. આની ઘણી સારી અસર બાદશાહને થઈ.
એક દિવસ બાદશાહ આચાર્યશ્રીને લઈને 'ડાબર' નામના સરોવરના કિનારે ગયો. ત્યાં હજારો પંખીઓ પાંજરામાં પૂરેલ હતાં તે બધાંને આચાર્યશ્રીની સામે જ બાદશાહે છોડી મૂક્યાં. આચાર્યશ્રી આથી ઘણો જ હર્ષ પામ્યા. ત્યાં માંછીમારીની બીજી પણ હિંસા થતી હતી તે અકબરે બંધ કરાવી. બાદશાહે પોતે ઘણાં પાપો કરેલાં છે તે અંગેનો એકરાર કરતાં આચાર્યશ્રીને જણાવેલું કે “ચિત્તોડમાં મેં હજારો માણસોની કતલ કરાવી હતી, ઘણા કૂતરાંને મારી નંખાવ્યાં છે. હજારો હરણા ને માર્યા છે અને રોજ પાંચસો ચકલાની જીભ કપાવીને ખાતો હતો.” આવા ભયંકર હિંસા કરતાં રાજવીને ધર્મ પમાડવાનું ઉત્તમ કામ આચાર્યશ્રીએ કર્યું હતું. તેમની સૂચનાથી તીર્થસ્થાનોમાં મુંડકાવેરો લેવાતો હતો તે અકબરે બંધ કરાવ્યો. ઉપરાંત, પોતે વર્ષમાં ૬ મહીના માંસાહારનો ત્યાગ કરેલ. ગુજરાતમાં જીજિયાવેરો જે લેવાતો હતો તે બંધ કરાવ્યો. ભવ્ય દરબાર ભરી અકબરે દિલહીમાં શ્રીહીરવિજયજીને ‘જગદ્ગુરુ’ની પદવી આપી હતી.
શ્રી હીરવિજયસૂરી સ્ટોરી MCQ QUIZ માટે નીચેની લિંક પર ક્લિક કરો. ⬇️
બાળકોને મઝા પડી જાય તેવી....શ્રી હીરવિજયસૂરીની લેટેસ્ટ એનિમેટેડ કલરફુલ પિક્ચર સહિતની સ્ટોરીબુક આપ નીચેની લિંક પરથી ખરીદી શકશો...⬇️
https://jainonline.org/buyonline?subcategory=Children%20Story%20Books&languages=Gujarati




 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                .webp) 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                 
                                 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                 
                                 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                 
                                .jpg) 
                                .jpg) 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                 
                                 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                 
                                 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp)