Home > Know Jainism > 18 . શ્રી શામળા પાર્શ્વનાથ
Jainonline.org
• 29-May-2025
18 . શ્રી શામળા પાર્શ્વનાથ
615
 
 
							 પ્રથમ નજરે પ્રતિમા દર્શન–
કૃષ્ણવર્ણના આ કરૂણા નિધિ એટલે આશ્રવોના અંધકૃપમાં ભવ્ય જીવોને પડતા અટકાવતો કોઈ દ્વારપાળ જાણે!
પાષાણનાં આ પ્રતિમાજી એટલે નિસર્ગના મહાસામ્રાજ્યનો રાજરાજેરવર જાણે!
સાતફણાથી શોભતા આ સ્વામી એટલે નિરંતર નીતરતી પ્રસન્નતાનું શાશ્વત ઝરણું જાણે!
ભવારણ્યમાં ભેટી ગયેલા ૧૪ ઈંચ ઊંચા આ ભગવાન એટલે મરૂ ભૂમિમાં ઊગેલું કલ્પદ્રુમ જાણે!
૧૨ ઈંચ પહોળા પરમ વિભૂતિ એટલે મહામોહમલ્લનો કોઈ અદ્વિતીય વિજેતા જાણે!
પદ્માસને બિરાજતાં આ મહિમાશાળી એટલે મુકિત પુરીએ પહોંચાડતા સર્વોત્તમ સાર્થવાહ જાણે!
અતીતના ઊંડાણમાં એક ડૂબકી —
અમદાવાદ નગરે શામળાની પોળમાં શામળાના ખાંચામાં શ્રી શામળા પાર્શ્વનાથનું પ્રાચીન ભવ્ય દેરાસર તીર્થસદેશ છે. સં.૧૬૫૬માં મંત્રીશ્વર વસ્તુપાલના વંશજ સંઘવી સોમજી તથા તેમના ભાઈ શિવાએ આ જિનાલયનું નિર્માણ કરાવ્યું હતું આ દેરાસરનું લાકડાનું કોતરકામ મુગ્ધ કરે તેવું છે. તીર્થંકર પરમાત્માના કલ્યાણક મહોત્સવનાં દશ્યોને કલાત્મક રીતે લાકડામાં કોતરવામાં આવ્યાં છે. આ મંદિરનું કાષ્ઠશિલ્પ અજોડ છે. આ મંદિરના મેડા ઉપર આરસના પાર્શ્વનાથજી કાઉસ્સગ્ગ મુદ્દાએ સુંદર શોભે છે.
શ્રી શામળા પાર્શ્વનાથજીનું આ બિંબ ઘણું પ્રાચીન,મનોહર અને પ્રભાવક છે. આ પરમાત્માનું નામ પરમાત્માના વર્ણનું દ્યોતક છે. શ્રી શામળા પાર્શ્વનાથની ભકિત અંતરની શ્યામિકાનું હરણ કરે .
ભારતભરમાં અનેક સ્થળોએ શ્રી શામળા પાર્શ્વનાથનાં જિનાલયો વિદ્યમાન છે. શ્યામવર્ણના શ્રી પાર્શ્વપ્રભુનાં બિંબો વિશેષ આકર્ષણ ઉપજાવે છે.
પાટણનાં ઢંઢેરવાડામાં કસોટીપથ્થરના શ્રી શામળા પાર્શ્વનાથનું બિંબ અદ્ભુત છે. આ પ્રતિમાજી સંપ્રતિકાલીન છે. કહેવાય છે કે પરમાર્હત્ કુમારપાળ આ પ્રભુજીની સમક્ષ શ્રેષ્ઠીઓની સાથે સ્નાત્ર મહોત્સવ કરતા. પાટણમાં ત્રણ દરવાજા પાસે ભૂમિમાંથી આ પ્રભુજી પ્રગટ થયા હતા. પ્રભુજીને ગાડામાં બેસાડી લઈ જતાં ઢંઢેરવાડામાં ગાડું સ્થિર થતાં ત્યાં પ્રભુજીને પધરાવવામાં આવ્યા છે.
પાટણના જોગીવાડામાં પણ શામળા પાર્શ્વનાથનું તીર્થસદેશ સોહામણું જિનાલય છે. આ શામળા પાર્શ્વનાથજીના પ્રભાવ અને ચમત્કારોના અનુભવ અનેકોએ કર્યા છે. આ પાર્શ્વનાથજી ઘીંગડમલ નામથી પણ ઓળખાય છે. આ ગ્રન્થમાં શ્રી ઘીંગડમલ પાર્શ્વનાથ તરીકે તેમનો ઉલ્લેખ કરાયેલો છે.
પ્રાચીનતાનાં પુરાવા—
સં. ૧૬૫૫માં રચાયેલી શ્રી પ્રેમવિજય કૃત “૩૬૫ શ્રી પાર્શ્વનાથ નામમાલા"માં શામળા પાર્શ્વનાથ નામની ગૂંથણી થયેલી છે.
સં. ૧૬૫૬માં રચાયેલા શ્રી નયસુંદર કૃત “શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના છંદ'માં તેમણે રાજનગરના અનેક પાર્શ્વનાથને વંદના કરી છે.
સં. ૧૬૬૫માં મહોપાધ્યાય શ્રી કલ્યાણવિજયજી ગણિવરના શિષ્યે રચેલા “શ્રી ભટેવા પાર્શ્વનાથના સ્તવન”માં શ્રી શામળા પાર્શ્વનાથને જુહારવામાં આવ્યા છે.
સં. ૧૬૮૯માં મુનિશ્રી ગુણવિજયજીના શિષ્યે રચેલા “૧૦૮ નામગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવન"માં પણ શ્રી શામળા પાર્શ્વનાથને પ્રણામ કરાયા છે.
સં. ૧૬૪૮માં રચાયેલી શ્રી લલિત પ્રભ સૂરિકૃત “પાટણ ચૈત્ય પરિપાટી'માં પાટણના શ્રી શામળા પાર્શ્વનાથનો ઉલ્લેખ છે.
સં. ૧૭૪૬માં રચાયેલી શ્રી શીલવિજયકૃત “તીર્થમાલા”માં અમદાવાદના શ્રી શામળા પાર્શ્વનાથને વંદના કરાઈ છે.
સં. ૧૭૨૧માં રચાયેલી પં. હર્ષવિજયકૃત “પાટણ ચૈત્ય પરિપાટી'માં પણ પાટણના શામળા પાર્શ્વનાથનો ઉલ્લેખ છે.
પ્રભુનાં ધામ અનેક
શ્રી શામળા પાર્શ્વનાથનું મુખ્ય તીર્થ અમદાવાદ શામળાની પોળમાં આવેલું છે. વળી અમદાવાદ લાંબેસરની પોળમાં બોરસદના બ્રાહ્મણવાડામાં ડભોઈના શામળાજીના ખાંચામાં. ઉનામાં, ગિરનાર પર્વત ઉપર, રાધનપુરમાં શામળાજીની શેરીમાં, પાટણના શાહવાડામાં, ઢંઢેરવાડામાં ખેતરવસીમાં તથા નિશાળની શેરીમાં લણવામાં ઈડરના કોઠારીવાડામાં વિજાપુર નજીક રણાસણમાં વઢવાણની લાખુ પોળમાં કચ્છમાં તેરા તીર્થે રાજસ્થાનમાં દાંતરાઈમાં સમેતશિખર તીર્થે, બિહારમાં મહિમાપુરમાં તથા અજીમગંજ આદિ અનેક સ્થાનોમાં શ્રી શામળા પાર્શ્વનાથનાં મનોરમ્ય બિંબો બિરાજમાન છે.
પ્રભુનાં ઘામની પિછાણ
અમદાવાદ એ પ્રાચીન કાળથી અનેક સમર્થ સૂરિપુંગવોની કર્મભૂમિ બની રહી છે. મહાપુરુષોએ અહીં રહીને અપૂર્વ શ્રુતોપાસના કરેલી છે. મહાન ગ્રન્થોની સર્જનભૂમિ બનવાનું સૌભાગ્ય પણ અમદાવાદે પ્રાપ્ત કર્યું છે. અહીંના જ્ઞાન ભંડારોમાં વિપુલ શ્રુત વારસો રક્ષાયેલો છે. પૂર્વના શ્રુતપ્રેમી સાધુઓ અને શ્રુત ભકત શ્રાવકોએ અહીં સમૃદ્ધ જ્ઞાન ભંડારોની સ્થાપના કરેલી અને ગ્રન્થલેખનનાં ચિરસ્મરણીય સુકૃતો કરાવેલાં.
ડોશીવાડાની પોળમાં આવેલા ડેલાના ઉપાશ્રયમાં હજારો હસ્તલિખિત ગ્રન્થો સુરક્ષિત છે. જૈન વિદ્યાશાળામાં, લુહારની પોળના ઉપાશ્રયમાં, હાજાપટેલની પોળના પગથિયાંના ઉપાશ્રયમાં, પાંજરાપોળની જ્ઞાન શાળામાં, શ્રી દાનસૂરીશ્વરજી જ્ઞાન મંદિરમાં આદિ અનેક સ્થળે વિપુલ શ્રુતવારસો સંગૃહીત થયેલો છે. શ્રીયુત લાલભાઈ દલપતભાઈ પ્રાચ્ય વિધા સંસ્થાનના ગ્રન્થાલયમાં પ્રાચીન તાડપત્રીય હસ્તલિખિત તથા મુદ્રિત ગ્રન્થોનો સમૃદ્ધ વારસો સચવાયેલો છે.




 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                .webp) 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                 
                                 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                 
                                 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                 
                                .jpg) 
                                .jpg) 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                 
                                 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                 
                                 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp)