Home > Know Jainism > 21. શ્રી સુખસાગર પાર્શ્વનાથ
Jainonline.org
• 2-Jun-2025
21. શ્રી સુખસાગર પાર્શ્વનાથ
548
 
 
							 પ્રથમ નજરે પ્રતિમા દર્શન—
પદ્માસનસ્થ આ પરમેશ્વરની પૂજના અનંત સુખની શય્યામાં આળોટવાનો અનુભવ આપે છે, ખરેખર એ સુખસાગર છે. ધાતુનાં આ પ્રતિમાજીના અંગ અંગમાંથી કરૂણાનો મહાધોધ વહી રહયો છે.
આ કરૂણા સાગર પણ છે. ૧૯ ઈંચ ઊંચા આ અરિહંત એ અનંત ગુણોનો ખજાનો છે. એ ગુણસાગર પણ છે. ૧૭ ઈંચ પહોળા આ પરમપુરુષ અનંત જ્ઞાનના માલિક છે. એ જ્ઞાનસાગર પણ છે. ફણાસહિત આ જગદીશ્વરના મનોહર મુખ મંડલમાંથી વાત્સલ્યનાં વહેણ વહી રહયાં છે, એ વાત્સલ્ય સાગર પણ છે. પરિકર યુકત આ પ્રતિમાજી પૂજકને પરમાર્થનો માલિક બનાવે છે, તેથી તે પરમાર્થસાગર પણ છે. ધાતુનિર્મિત આ પ્રભુમૂર્તિ સાતે ધાતુને ભકિતના રસથી રંગી નાખે છે, એ રસ સાગર પણ છે.
અતીતના ઊંડાણમાં એક ડૂબકી —
ઉજજવળ ઈતિહાસ અનુભવીને સૈકાઓ સુધી સમૃદ્ધિની ટોચે બેઠેલું અમદાવાદ વર્તમાનમાં પણ વૈભવપૂર્ણ નગર તરીકેના તેના અસ્તિત્વથી સહુને આંજી દે છે. દશમાં સૈકા પૂર્વે આશાવલ કે આશાપલ્લી તરીકે ઓળખાતા આ નગરમાં ત્યારે પણ શ્રીમંત શ્રાવકોનો વસવાટ હતો. અનેક મનોહર જૈન અને જૈનેતર મંદિરો આ નગરના અલંકાર હતાં. તે અરસામાં અનેક ભવ્ય જિનાલયોનાં નિર્માણ અહીં થયાના ઐતિહાસિક ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. ત્યારથી જ આ નગરી જૈન પ્રવૃત્તિઓનું મહત્ત્વનું કેન્દ્ર બની રહયું છે. અનેક સમૃદ્ધ જ્ઞાનભંડારોની સ્થાપના થયેલી હતી. અનેક ગ્રન્થોના સર્જન તથા લેખનની પ્રવૃત્તિઓ અહીં વિકાસ પામી હતી. પ્રભાવક આચાર્ય ભગવંતોનાં આવાગમન સતત અહી થતાં રહયાં છે.
અગિયારમાં સૈકામાં આ આશાવલના અધિપતિ આશા નામના ભીલપતિને કર્ણદેવે હરાવ્યો. કર્ણદેવના નામ પરથી હવે આ નગર 'કર્ણાવતી’” ના નામથી ઓળખાવા લાગ્યું. જૈન પ્રવૃત્તિઓને વધુ વેગ મળ્યો. અનેક યાદગાર અને મહત્ત્વની ઘટનાઓની સાક્ષી બનવાનું સૌભાગ્ય આ કર્ણાવતી નગરીને પ્રાપ્ત થયું.
અમદાવાદની અસ્મિતા સતત વૃદ્ધિ પામતી રહી. અનેક ભવ્ય જિનાલયોનાં નિર્માણ થતાં રહયાં. આ જિનાલયો ભવ્ય શિલ્પકલાના અનોખા પ્રદર્શન સમા બની રહયાં. અહીંના શ્રીમંત શ્રાવકોએ જૈનધર્મની શાન વધારી. ઔદાર્ય-સેવા અને સંસ્કૃતિ પ્રેમના ઉમદા ગુણોથી અમદાવાદના શ્રાવકોએ અમદાવાદની સુવાસ સર્વત્ર પ્રસરાવી. બાદશાહ પણ અમદાવાદ પ્રત્યે આદરથી જોતાં શહેનશાહો અને શ્રીમંતોની કૃપાદ્રષ્ટિને પામેલું અમદાવાદ વૈભવના શિખરે બિરાજમાન થયું. સત્તરમાં સૈકામાં આ નગર સર્વશ્રેષ્ઠ નગરની કક્ષાએ પહોંચ્યું.
મુસલમાન અને મરાઠાઓના વિગ્રહકાળમાં અમદાવાદની અસ્મિતાને થોડી આંચ આવી. પણ અહીંના મહાજનો નગરશેઠો અને શ્રીમંત શ્રાવકોએ નગરના ગૌરવને યથાસ્થિત રાખવા કુનેહ, કૌશલ્ય અને કરૂણાનો પ્રવાહ વહેતો મૂકયો. પાણીની જેમ લક્ષ્મી વેરીને જન સેવાના કાર્યો કર્યા.
આ નગરની “જૈનપુરી રાજનગરી" તરીકેની ભૂમિકામાં ખ્યાતિ સુપ્રસિદ્ધ છે. વર્તમાનવિદ્યમાન ૪૦૦થી વધુ જિન મંદિરો આ નગરીનાં આભૂષણ છે. અહીંનાં જિનાલયમાં ભાવુકોની ભીડ સતત રહેતી જોવા મળે છે. જૈન સાધુ-સાધ્વી ભગવંતોના વિહરણ અને સ્થિરવાસથી સેવાનો લાભ આ નગરને ખૂબ મળે છે. અનેક પ્રકારની જૈન પ્રવૃત્તિઓનું મહત્ત્વનું કેન્દ્ર અમદાવાદ બનેલું છે.
અહીંના અનેક જિનાલયો તીર્થસદેશ શોભી રહ્યાં છે. ભવ્ય વિરાટ અને આહ્લાદક જિનબિંબોને જુહારતાં અંતર નિર્મળ બને છે.
ડોશીવાડાની પોળમાં શ્રી સીમંધર સ્વામીની ખડકીમાં શ્રી સીમંધર સ્વામીનું ભવ્ય જિનાલય છે. મૂળનાયક શ્રી સીમંધર સ્વામીની ડાબી બાજુએ શ્રી સુખસાગર પાર્શ્વનાથજીની ધાતુની મનહરણી મૂર્તિ મુગ્ધ કરી દે છે. પરિકર યુકત આ સોહામણાં પ્રતિમાજી પંદરમા સૈકાનાં છે.
આ પરમાત્માના દર્શને પરમસુખનો આસ્વાદ અનુભવતો દર્શનાર્થી “સુખસાગર' નામની ભીતરમાં રહેલા તથ્યને પીછાણે છે.
ખંભાતમાં પણ શ્રી સુખસાગર પાર્શ્વનાથનું પ્રાચીન જિનાલય ખારવાડામાં વિદ્યમાન છે. સત્તરમાં સૈકામાં સ્તંભતીર્થમાં આ શ્રી સુખસાગર પાર્શ્વનાથજીની શ્રી વિજયસેનસૂરીશ્વરજીના હસ્તે પ્રતિષ્ઠા થઈ હતી. સ્તંભન તીર્થમાં બિરાજમાન શ્વેતવર્ણના સુખસાગર પાર્શ્વનાથજી પણ ચિત્તહર અને ચિંતાહર છે.
પ્રાચીનતાનાં પુરાવા—
સં. ૧૬૬૫માં મહોપાધ્યાય શ્રી કલ્યાણ વિજયજી ગણિવરના શિષ્યે ‘શ્રી ભટેવા પાર્શ્વનાથ સ્તવન”માં શ્રી સુખસાગર પાર્શ્વનાથને વંદના કરી છે.સં. ૧૬૮૯માં મુનિશ્રી ગુણવિજયના શિષ્યે રચેલા “૧૦૮ નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવન”માં ખંભાતના શ્રી સુખસાગર પાર્શ્વનાથની સ્થાપના સંબંધી સંક્ષિપ્ત વર્ણન કરેલું છે.
અઘ્યાત્મ રસિક શ્રી દેવચંદ્રજીએ સ્વામી સુખ સાગર....એ સ્તવન ખંભાતના શ્રી સુખસાગર પાર્શ્વનાથના દર્શન કરતાં બનાવ્યું છે.
કવિવર જ્ઞાનવિમલે “૧૩૫ નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવન"માં શ્રી સુખસાગર પાર્શ્વનાથને જુહાર્યા છે.
સં. ૧૮૮૧માં ઉત્તમવિજયે ગાયેલા “૧૦૮ પાર્શ્વનાથના છંદ”માં આ પ્રભુજીનું કીર્તન કર્યું છે.
કવિવર શ્રી જ્ઞાનવિમલે તથા રાજસાગરના શિષ્યે શ્રી સુખસાગર પાર્શ્વનાથનાં સ્તવન રચેલાં છે.
પ્રભુનાં ધામ અનેક -
અમદાવાદ ડોશીવાડાની પોળમાં શ્રી સીમંધર સ્વામી જિનાલયમાં શ્રી સુખસાગર પાર્શ્વનાથજી બિરાજે છે. ખંભાતમાં ખારવાડામાં પણ શ્રી સુખસાગર પાર્શ્વનાથનું જિનાલય છે. તદુપરાંત શાંતાક્રુઝ (મુંબઈ) કલીકુંડ પાર્શ્વનાથ જિનાલયની ભમતીનાં એક ગોખલામાં પણ શ્રી સુખસાગર પાર્શ્વનાથજી બિરાજમાન છે.
પ્રભુનાં ઘામની પિછાણ –
અમદાવાદ એની આગવી અનેક લાક્ષણિકતાઓથી સહુનાં
મન મોહે છે. ગુજરાત રાજ્યનું એ મોટું અને મુખ્ય શહેર છે. ભૂતપૂર્વ પાટનગર છે. અનેક પ્રકારની રાજકીય, સાંસ્કૃતિક, સામાજિક વ્યાવસાયિક અને ધાર્મિક પ્રવૃત્તિઓથી તે ધબકતું છે. ગુજરાતના ખૂણે ખૂણેથી અમદાવાદ પહોંચવાનો બસ વ્યવહાર સુલભ છે. ભારતભરનાં અનેક મોટા શહેરો સાથે તે વિમાન,રેલવે અને જમીન માર્ગે જોડાયેલું છે. અનેક ધાર્મિક સામાજિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ અહીંથી તેની અનેકવિધ પ્રવૃત્તિઓ ચલાવે છે.
૪૦૦થી અધિક જિનાલયો. આ શહેરના શણગાર છે. શતાધિક ઉપાશ્રયો, ધર્મશાળાઓ, પ્રાચીન અને સમૃદ્ર જ્ઞાન ભંડારો પાંજરાપોળો. મહાજન સંસ્થાઓ, આયંબીલ ભુવનો પાઠશાળાઓ અને આવી તો અનેક ધાર્મિક સંસ્થાઓ આ નગરની ધર્મનિષ્ઠાના સાક્ષી છે.
કાપડના વ્યવસાયમાં ભારતમાં મોખરે રહેલું અમદાવાદ વિશ્વભરમાં પ્રસિદ્ધિને પામેલું છે.
ટૂંકમાં અમદાવાદ પાસે તેનું વિવિધરંગી વ્યકિતત્વ છે. બહુમુખી પ્રતિભા છે.




 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                .webp) 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                 
                                 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                 
                                 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                 
                                .jpg) 
                                .jpg) 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                 
                                 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                 
                                 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp)