Home > Know Jainism > Shri Shayyambhav suri
Jainonline.org
• 6-Jun-2025
Shri Shayyambhav suri
3756
.png) 
 
							 શ્રી શય્યંભવસૂરિ
શ્રી જંબુસ્વામીની પાટે શ્રી પ્રભવસૂરિ બિરાજમાન થયા. શ્રી પ્રભવસૂરિ પોતાની પાટ પર બેસાડવા કોઈ યોગ્ય શિષ્ય માટે વિચારતા હતા. આવો કોઈ યોગ્ય શિષ્ય પોતાના શિષ્યપરિવારમાં કે ગચ્છમાં જોવા મળ્યો નહિ. આથી તેમને શ્રુત-દષ્ટિનો ઉપયોગ કર્યો. તેમાં તેમણે જાણ્યું કે રાજગૃહી નગરીમાં રહેતો શય્યંભવ નામનો બ્રાહ્મણ તેમને પોતાના ઉત્તરાધિકારી તરીકે યોગ્ય જણાયો.
આથી શ્રી પ્રભવસૂરિ રાજગૃહી ગયા. શય્યંભવ બ્રાહ્મણ રાજગૃહીમાં યજ્ઞકર્મ કરાવતો હતો. તેને પ્રતિબોધ પમાડવા શ્રી પ્રભવસૂરિએ બે શિષ્યોને યજ્ઞસ્થળે મોકલ્યા. ગુરુની આજ્ઞા પ્રમાણે યજ્ઞસ્થળે પહોંચી આ બે શિષ્યો એક શ્લોક બોલ્યા: “અહો કષ્ટમહો કષ્ટં તત્વં ન જ્ઞાયતે પરં.” (અરે ! આ તે કેવી કષ્ટની વાત છે કે મહાકષ્ટ કરે છે પણ તે પરમતત્ત્વને જાણતો નથી.) આટલું બોલીને બન્ને શિષ્યો ત્યાંથી ચાલ્યા ગયા. શય્યંભવ એ શ્લોક સાંભળી વિચારમાં પડી ગયો - 'શું હું મહાકષ્ટ કરું છું, છતાંય પરમતત્ત્વને નથી જાણતો ? આ પરમતત્ત્વ શું હશે ? આ સાધુઓને એવું અસત્ય બોલવાનું કોઈ પ્રયોજન ન હોઈ શકે, તો પછી હવે મારે યજ્ઞાચાર્યને જ તત્ત્વ વિષે પૂછવું જોઈએ.' યજ્ઞાચાર્યને પૂછતાં તેમણે કહ્યું: “હે વત્સ! તું સંદેહ ન કર. યજ્ઞ જ તત્ત્વ છે." પરંતુ શય્યંભવને તેથી બરાબર સમાધાન થયું નહીં. તેથી પેલા બે સાધુઓની શોધ કરતો કરતો તે પ્રભવસૂરિ પાસે આવ્યો. પૂર્વઘટના કહી પૂછ્યું : “પરમતત્ત્વ શું છે ?' સૂરિજીએ કહ્યું : “હે ભદ્ર! આ પરમતત્ત્વને તો તને તારા યજ્ઞાચાર્ય જ કહેશે, પણ આ માટે તારે તેમને ખોટી રીતે ડરાવવા પડશે.”
શય્યંભવ યજ્ઞાચાર્ય પાસે આવ્યો. લાલ આંખ કરી, ખડ્ગ બતાવી ઊંચા અવાજે કહ્યું: “મને તત્ત્વ શું છે તે કહો, નહિ તો આ ખડ્ગથી હું તમારું માથું છેદી નાખીશ.” યજ્ઞાચાર્ય એથી ડરી ગયા, તેમણે તરત જ યજ્ઞના સ્તંભ નીચે સ્થાપીત કરેલી શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા બહાર કાઢીને બતાવી. એ પ્રતિમા જોઈ શય્યંભવ શાંતરસમાં લીન થઈ ગયો. એ પ્રતિમા લઈ તે ફરી પાછો પ્રભવસૂરિ પાસે પહોંચ્યો અને તેનું સ્વરૂપ વગેરે પૂછ્યું. સૂરિજીની પ્રેરક દેશનાથી શય્યંભવે મિથ્યાત્વ છોડી દીધું અને આશાતના ન થાય તેવા સ્થળે જિનપ્રતિમાની સ્થાપના કરી. તે પછી શય્યંભવે જિનધર્મની દીક્ષા અંગીકાર કરી. દીક્ષા પર્યાયમાં તેમણે દ્વાદશાંગીનું અધ્યયન કર્યું. પૂરતી યોગ્યતા આવી જતાં પ્રભવસૂરિએ શય્યંભવસૂરિને પોતાની પાટે સ્થાપીત કર્યા.
શય્યંભવે દીક્ષા લીધી ત્યારે તેની પત્ની સગર્ભા હતી. ગર્ભકાળ પૂરો થતાં પત્નીએ પુત્રને જન્મ આપ્યો અને તેનું નામ મનક રાખ્યું. મનક શેરીમાં રમવા લાગ્યો ત્યારે બાળકો એને નબાપો કહીને તેનું અપમાન કરતાં અને ચીડાવતાં. મનકે માતાને પૂછ્યું : “મારા પિતા કોણ છે અને ક્યાં છે?” માતાએ અશ્રુભીની આંખે બધી માંડીને વાત કરી અને કહ્યું, “હાલ તે પાટલીપુત્ર નગરમાં છે.” માતાની આજ્ઞા લઈ મનક પાટલીપુત્ર આવ્યો. નગરમાં ફરતાં તેણે મુનિઓના એક સમૂહને જોયો. તેમાંથી એક મુનિને પૂછ્યું, “તમારામાંથી શય્યંભવ મુનિ કોણ છે?"
શય્યંભવ મુનિએ તેને શ્રુતજ્ઞાનના ઉપયોગથી ઓળખી કાઢ્યો અને ઉપાશ્રયમાં લાવી ઉપદેશ આપીને તેને દીક્ષા આપી. જ્ઞાનના ઉપયોગથી જાણ્યું કે મનકનું આયુષ્ય માત્ર છ માસનું છે. આથી પુત્રનો ઉદ્ધાર કરવાના શુભાશયથી શય્યંભવસૂરિએ દ્વાદશાંગી માંથી ચીંતન મનન કરી દશવૈકાલિક સૂત્રની રચના કરી પુત્રને ભણાવ્યો. આયુષ્ય પૂર્ણ થતાં બાળમુનિ કાળધર્મ પામ્યા. તે સમયે સૂરિજીની આંખ અશ્રુભીની જોઈને એક શિષ્યે પૂછ્યું : “ગુરુદેવ ! આપની આંખમાં મૃત્યુના શોકનાં આંસુ ! આપના જેવા જ્ઞાની, ત્યાગી મોહમાં તણાઈ આમ આંસું સારે તો પછી અમારાથી સમતાભાવ કેવી રીતે જળવાશે ?” આંસું લૂછતાં સૂરિજીએ કહ્યું, “વત્સ! મારાં આંસું મોહનાં કે મૃત્યુની વેદનાનાં નથી. આ મારા પુત્રનું આયુષ્ય ટૂંકું હતું. ટૂંકા આયુષ્યમાં પણ ચારિત્ર્યધર્મની સુંદર આરાધના કરી તે સ્વર્ગે ગયો તેના હરખથી આજે મારી આંખો અશ્રુથી ભીંજાઈ છે. તેનું આયુષ્ય લાંબું હોત તો તે સ્વર્ગથી વધુ મહત્ત્વનું પદ પ્રાપ્ત કરી શકત ને ? એ વિચારથી ખેદનાં આંસું મારી આંખમાંથી દદડી રહ્યાં છે."
આ સાંભળી સૌને વિષાદ અને વિસ્મયની અનુભૂતિ થઈ. એકે વિનયથી કહ્યું, “ગુરુદેવે ! આ બાળમુનિ આપના પુત્ર હતા એવી જાણ અમને કરી હોત તો અમે વૈયાવચ્ચ કરત.” સૂરિજીએ ગંભીરતાથી કહ્યું : “વત્સ ! એવી જાણ કરી હોત તો તેનું આત્મહિત સધાત નહિ.” શય્યંભવસૂરિની આ કથા વાંચીને જિનપ્રતિમાની પૂજા કરવામાં, સ્તુતિ કરવામાં સજાગ બનવાનું છે. જિનપ્રતિમાને ચિત્તમાં ધારવાથી તેમના જીવનનો ઉદ્ધાર થઈ ગયો તેમ આપણો પણ ઉદ્ધાર થઈ શકે છે. આથી હંમેશાં જિનપ્રતિમાના ઉપકારોને ચિત્તમાં ધારણ કરવા.
શ્રી શય્યંભવસૂરિ સ્ટોરી MCQ QUIZ માટે નીચેની લિંક પર ક્લિક કરો. ⬇️
બાળકોને મઝા પડી જાય તેવી....જિનશાસનના મહાપુરુષોની લેટેસ્ટ એનિમેટેડ કલરફુલ પિક્ચર સહિતની સ્ટોરીબુક આપ નીચેની લિંક પરથી ખરીદી શકશો...⬇️
http://jainonline.org/buyonline?subcategory=Children%20Story%20Books&languages=Gujarati




 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                .webp) 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                 
                                 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                 
                                 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                 
                                .jpg) 
                                .jpg) 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                 
                                 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                 
                                 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp)