Home > Know Jainism > 28 . શ્રી કલ્યાણ પાર્શ્વનાથ
Jainonline.org
• 10-Jun-2025
28 . શ્રી કલ્યાણ પાર્શ્વનાથ
771
 
 
							 પ્રથમ નજરે પ્રતિમા દર્શન—
વિસનગરમાં કડા દરવાજા પાસે આવેલા ત્રણ માળના ભવ્ય શિખરબદ્ધ જિનાલયમાં મૂળનાયક શ્રી કલ્યાણ પાર્શ્વનાથ પ્રભુ બિરાજે છે. શ્વેત પાષાણનાં આ પ્રતિમાજી કલાત્મક પરિકરમાં સાત ફણાઓથી અલંકૃત છે. ૧૯ ઈંચ ઊંચા અને ૧૫ ઈંચ પહોળા આ પ્રતિમાજી પદ્માસને બિરાજે છે.
અતીતના ઊંડાણમાં એક ડૂબકી—
અજમેરના રાજા વિશળદેવ ચૌહાણે બીજા રજપૂત રાજાઓના સહકારથી મુસલમાનોને ભારતમાંથી હાંકી કાઢવા ઝુંબેશ ઉપાડી. તેની આ ઝુંબેશમાં ભીમદેવે તેને સહયોગ ન આપ્યો. તેથી છંછેડાએલા વિશળદેવે ગુજરાત પર ચઢાઈ કરી ભીમદેવને હરાવ્યો.
પોતાના વિજયના સ્થાન પર વિશલદેવે વિ. સં. ૧૦૮૦ આસપાસમાં પોતાના નામ પરથી ‘વિસલનગર' શહેર વસાવ્યું .તે જ શહેર આજે વિસનગર તરીકે ઓળખાય છે.
બારમાં સૈકામાં મહેસાજી ચાવડાએ વસાવેલા મહેસાણા નગરમાં શ્રી કલ્યાણ પાર્શ્વનાથ પૂર્વે બિરાજતા હતા. શ્રી કલ્યાણ પાર્શ્વનાથનું એ જિનાલય વિક્રમના ચૌદમા-પંદરમાં સૈકામાં મુસ્લિમ આક્રમણોનો ભોગ બન્યુ સુરક્ષા કાજે મૂળનાયક શ્રી કલ્યાણ પાર્શ્વનાથની પ્રતિમાને કૂવામાં ભંડારી દીધાં હોય તેવું અનુમાન થાય છે.
ત્યારબાદ આ પ્રતિમાજી મહેસાણાના કોડિ કૂવામાંથી પ્રગટ થયાં. તે પ્રતિમાને વિસનગરમાં લાવીને પધરાવવામાં આવ્યાં.
વર્તમાનમાં આ પ્રતિમાજી ત્રણ માળના એક ભવ્ય જિનાલયમાં મૂળનાયક તરીકે બિરાજે છે. આ જિનાલયના બીજા માળે શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ અને ત્રીજે માળે શ્રી ગોડી પાર્શ્વનાથ મૂળનાયક છે. જિનાલયની ભમતીમાં ચોવીસ તીર્થંકરોના ગોખલા છે.
આ ભવ્ય જિનાલયના નિર્માણમાં વિસનગરના રહીશ શ્રાવક શેઠ ગલાચંદનો તન-મન ધનનો અમૂલ્ય ભોગ સ્મરણીય છે. આ જિનાલયની પ્રતિષ્ઠા સં. ૧૮૬૩ના ફાગણ સુદ ૩ને બુધવારે થઈ હતી. આ પ્રતિષ્ઠા દિનને શ્રી સંઘ પ્રતિવર્ષ ઊજવે છે.
વિસનગરમાં શ્રી કલ્યાણ પાર્શ્વનાથના મુખ્ય જિનાલય ઉપરાંત બીજા પાંચ જિનાલયો છે. જેમાં સુમતિનાથ શાંતિનાથ. અનંતનાથ આદિનાથ અને શાંતિનાથ પ્રભુ મૂળનાયક તરીકે બિરાજે છે. ‘કલ્યાણ' નામની ભીતરમાં પડેલો કોઈ સ્પષ્ટ ઈતિહાસ જાણવા મલ્યો નથી. પણ જીવ માત્રના અનંત કલ્યાણને સાધી આપનારા પરમાત્માનું આ નામ ગુણનિષ્પન્ન છે.
પેટલાદમાં આવેલા શ્રી કલ્યાણ પાર્શ્વનાથના જિનાલયમાં પંન્યાસ પદ્મ વિજયજી તથા રૂપવિજયજી મહારાજે કેટલીક વિદ્યાની સાધના કરી હતી.
વિસનગરથી બીજુ સ્ટેશન વડનગર છે. આ વડનગરને પ્રાચીન ગ્રન્થોમાં આણંદપુરના નામથી ઓળખાવવામાં આવેલું છે. સંઘ સમક્ષ પ્રથમ કલ્પસૂત્ર અત્રે વંચાયેલ. ભરત મહારાજાના સમયમાં શત્રુંજયની તળેટી આણંદપુર સુધી લંબાયેલી હતી.
પ્રાચીનતાના પુરાવા—
પંદરમી સદીમાં મેઘકવિએ રચેલી ‘તીર્થમાલા”માં વિસનગરને ધર્મના સ્થાન તરીકે ઓળખાવવામાં આવ્યું છે.
સં. ૧૬૫૬ના આસો વદ ૯ને મંગળવારે કવિવર નયસુંદરે “૧૦૮ નામ ગર્ભિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનો છંદ” રચ્યો છે તેમાં તેમણે વિસનગરના પાર્શ્વનાથ પ્રભુને વંદના કરી છે.
સં. ૧૬૬૭માં કવિ શાંતિકુશલે રચેલા “૧૦૮ નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવન"માં વિસનગર પાર્શ્વનાથને પણ નમસ્કાર કરવામાં આવ્યો છે.
સં. ૧૬૮૯ના પોષ વદ ૧૦ના દિને મુનિ ગુણવિજયના શિષ્યે “શ્રી ૧૦૮ નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવન"ની રચના કરી છે. તેમાં તેમણે વિસનગરના પાર્શ્વનાથને વંદન કર્યા છે.
સં. ૧૭૪૬માં શીલવિજયજીએ રચેલા “તીર્થમાલા” સ્તવનમાં પણ વિસનગરની જિન પ્રતિમાઓને વંદના કરવામાં આવી છે.
સં. ૧૭૫૫ના જેઠ સુદ ૧૦ના દિને કવિવર જ્ઞાનવિમલે “તીર્થમાલા” સ્તવન રચ્યું છે. તેમાં તેમણે વિસનગરની યાત્રા કર્યાનો ઉલ્લેખ છે.
સં. ૧૮૮૧ના ફાગણ વદ રના દિને પં. ઉત્તમવિજયે ગાયેલા “શ્રી પાર્શ્વપ્રભુનાં ૧૦૮ નામના છંદ’'માં કલ્યાણ પાર્શ્વનાથનો પણ નામોલ્લેખ થયેલો છે. પ્રભુનાં ધામ અનેક—
શ્રી કલ્યાણ પાર્શ્વનાથનાં ભવ્ય જિનાલયો ઠેર ઠેર આવેલા છે. પેટલાદની લીંબડી શેરીમાં વડોદરાની મામાની પોળમાં ભરૂચની શ્રીમાળી પોળમાં સૂરતના વડાચૌટામાં, પાલનપુર પારેખ-વાસમાં, રાધનપુરના દેસાઈ વાસમાં વીજાપુર તાલુકાના આગલોડ ગામમાં સૌરાષ્ટ્રના કોંઢ ગામમાં પોરબંદર અને ભાવનગરમાં. મુંબઈમાં મુલુન્ડ અને ચોપાટી પર તથા મહારાષ્ટ્રના પાંચોરા ગામમાં શ્રી કલ્યાણ પાર્શ્વનાથનાં જિનાલયો આવેલાં છે. તે ઉપરાંત બીજાં પણ અનેક જિનાલયોમાં શ્રી કલ્યાણ પાર્શ્વનાથના પ્રતિમાજી બિરાજે છે. જીરાવલા તીર્થના જિનાલયની બીજી દેરીમાં શ્રી કરેડા પાર્શ્વનાથ તીર્થની વીસમી દેરીમાં અને શાંતાક્રુઝ (મુંબઈ)ના કલિકુંડ પાર્શ્વનાથના જિનાલયની ભમતીના એક ગોખલામાં શ્રી કલ્યાણ પાર્શ્વનાથનાં પ્રતિમાજી રહેલાં છે.
ચોપાટી ઉપર આવેલ મંદિરમાં વિ.સં. ૧૬૨૭ પો. સુ. ૧૫ ગુરુવારના પ્રતિષ્ઠિત થયેલ શ્રી કલ્યાણ પાર્શ્વનાથના ચમત્કારી પ્રતિમા છે. સંઘ તેના ચમત્કારો અનુભવી જીવનમાં ધર્મ આરાધના વધારે છે.
પ્રભુનાં ઘામની પિછાણ—
વિસનગર મહેસાણા જિલ્લાનું એક તાલુકાનું ગામ છે. ગામનાં છ જિનાલયો. ઉપાશ્રય જ્ઞાનભંડાર, પાઠશાળા અને આયંબિલ ખાતુ જૈનોની અપૂર્વ ધર્મનિષ્ઠાનાં સાક્ષી છે. યાત્રિકો માટે ધર્મશાળા અને ભોજન શાળાની સુંદર સગવડ છે. જૈનોનાં ૪૦૦ ઘર અહીં છે અને પ્રતિવર્ષ સાધુ સાધ્વીજી ભગવંતોના પ્રાય: ચાતુર્માસ થાય છે.
બસ તથા રેલવે માર્ગે વિસનગર ઉત્તર ગુજરાતના અનેક મોટાં શહેરો સાથે જોડાયેલું છે. વાલમ, તારંગા, મહુડી, વીજાપુર આદિ તીર્થો નિકટમાં આવેલાં છે.




 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                .webp) 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                 
                                 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                 
                                 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                 
                                .jpg) 
                                .jpg) 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                 
                                 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                 
                                 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp)