Home > Know Jainism > 30 . શ્રી સુલતાન પાર્શ્વનાથ
Jainonline.org
• 12-Jun-2025
30 . શ્રી સુલતાન પાર્શ્વનાથ
796
 
 
							 પ્રથમ નજરે પ્રતિમા દર્શન
સિદ્ધપુરમાં અલવાના ચકલે શ્રી મહાવીર સ્વામીના શિખરબદ્ધ જિનાલયના ઉપરના એક ગભારામાં મૂળનાયક શ્રી સુલતાન પાર્શ્વનાથ સોહે છે. આ પ્રતિમાજી પાષાણનાં છે, શ્વેત વર્ણનાં છે. પદ્માસને બિરાજે છે. ફણારહિત છે. ૨૫ ઈંચ ઊંચાં છે. ૨૫ ઈંચ પહોળાં છે. અને સંપ્રતિકાલીન છે.
અતીતના ઊંડાણમાં એક ડૂબકી—
સિદ્ધપુરની પ્રાચીનતામાં પ્રવેશ કરતાં આ નગર ‘શ્રીસ્થલ’ નામથી આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. સરસ્વતી નદીના પશ્ચિમ કાંઠા ઉપર આવેલું ‘શ્રીસ્થલ’ હિંદુઓના માતૃગયા તીર્થ તરીકે ખ્યાતિ પામ્યું હતું. આજે પણ હિંદુઓ અહીં માતૃશ્રાદ્ધ કરવા આવે છે.
મૂળરાજ સોલંકીએ અહીં રૂદ્ર મહાલયનું નિર્માણ શરૂ કરાવ્યું હતું. સં. ૧૧૮૪માં સિદ્ધરાજ જયસિંહે આ રૂદ્દ મહાલય પૂર્ણ કરાવ્યો. તેથી બ્રાહ્મણોએ તેના માનમાં રાજ્વીના નામના બે અક્ષરો જોડીને ગામનું નામ સિદ્ધપુર રાખ્યું. એવી એક કિંવદન્તી છે. સિદ્ધપુરનો આ રૂઢમહાલય તે કાળની ગુજરાતની સ્થાપત્યકલાનો અદ્ભુત નમૂનો છે. ખંડિયેર રૂપે આજે પણ તેના અવશેષો વિધમાન છે.
તે જ સમયે સિદ્ધરાજે આ નગરમાં ‘સિદ્ધવિહાર' નામના એક ભવ્ય ચૈત્યનું નિર્માણ કરાવેલ ઉત્તુંગ ૨૪ દેવકુલિકાઓથી આ ચૈત્ય અતિ ભવ્ય જણાતું હતું. તે આ ‘સિદ્ધવિહાર'નું બીજું નામ ‘રાજવિહાર' પણ કહેવાયું. તે જ સમયમાં મહામાત્ય અલિંગદેવે અહીં. ચૌમુખ વિહારનું નિર્માણ કરાવ્યું. આ ચતુર્મુખ વિહારના આધારે જ શેઠ ઘરણાશાહે સં. ૧૪૯૬માં રાણકપુરમાં ‘ત્રૈલોકય દીપક પ્રાસાદ' કે ‘ધરણવિહાર'ના નામથી ઓળખાતો ભવ્ય જિનપ્રાસાદ બંધાવ્યો હતો. મહામાત્ય અલિંગદેવે આ ચતુર્મુખ વિહારમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા પ્રતિષ્ઠિત કરી હતી. આ પાર્શ્વનાથ ભગવાન તેજ સુલતાન પાર્શ્વનાથ હોવાનું મનાય છે.
આ નગરમાં સં. ૧૧૫૨મા સુવિધિનાથ ભગવંતના દેરાસરનું નિર્માણ થયું હતું. તેમ પણ જાણવા મળે છે.
જગદગુરુ શ્રી હીરવિજયસૂરિના શિષ્ય કુશલવર્ધન ગણિએ સં ૧૬૪૧માં “સિદ્ધપુર ચૈત્ય પરિપાટી’’ની રચના કરી છે. સોળમા સત્તરમા સૈકામાં સિદ્ધપુરના જૈનોની જાહોજલાલી અને ધાર્મિકતા પર આ ચૈત્ય પરિપાટી કાંઈક પ્રકાશ પાડે છે. તે સમયે સિદ્ધપુરમાં પાંચ જિનપ્રાસાદો વિદ્યમાન હોવાનું આ ચૈત્ય પરિપાટી સ્તવનમાં જણાવ્યું છે. તે જિનપ્રાસાદોમાં અનુક્રમે શ્રી નેમિનાથ ભગવંત. શ્યામવર્ણા શ્રી સુપાર્શ્વનાથ ભગવંત, શ્રી મહાવીર સ્વામી ભગવંત, શ્રી ચંદ્રપ્રભ સ્વામી અને શ્રી પાર્શ્વનાથ મૂળનાયક તરીકે બીરાજમાન હતા. શ્રી પાર્શ્વનાથજીનું દેરાસર ૨૪ દેવકુલિકાઓથી સંયુકત હતું. અને ચૌમુખ જિનની પ્રતિમા આ જ જિનાલયમાં પ્રતિષ્ઠિત હતી. આ જિનાલયોની ભવ્યતા અને મનોહરતાનું કવિએ આબેહૂબ વર્ણન કરેલું છે. આ વર્ણન જિનાલયોની ભવ્યતા અને કલાનો આછો પરિચય આપે છે.
પાટણના શેઠ કચરા કીકાભાઈએ સં. ૧૮૨૧ના મહા વદ રના રોજ સૂરતથી યાત્રા સંધ કાઢેલો. તેમાં આણંદસૂર ગચ્છના આચાર્ય શ્રીવિજયોદયસૂરિ વિ હતા. તે સિદ્ધપુરમાં યાત્રાર્થે આવ્યા ત્યારે ત્યાં ચાર દેરાસરો વિધમાન હતાં.
મુસ્લિમકાળમાં આ નગર પર મુસ્લિમ આક્રમણો આવ્યાં અને ધર્મસ્થાનો જોખમમાં મૂકાયાં
આ પાર્શ્વનાથ ભગવાનના નામનિક્ષેપાની આભીતરમાં પ્રવેશ કરતાં મુસ્લિમ બાદશાહ અલાઉદ્દીન ખીલજીની ધર્મધ્વંસની અઢળક પ્રવૃત્તિઓ દેષ્ટિ સમક્ષ ઉપસ્થિત થાય છે. મંદિરો અને પ્રતિમાઓના સર્વનાશને ઝંખતો અલાઉદ્દીન આ મનોહર પ્રતિમાજીને તોડવા પણ ઉત્સુક બન્યો ત્યારે તે સમયે જિનમંદિરમાં ભકિત કરતા ભોજકોએ બાદશાહને બે હાથ જોડીને વિનંતિ કરી. “તમારા શસ્ત્રનું લક્ષ આ પ્રતિમાને ન બનાવતા આ કોઈ પથ્થર નથી. પણ સાક્ષાત્ પરમકૃપાળુ પરમેશ્વર છે.” ભોજકોની અશ્રુભીની વાણીથી સહેજ થંભી ગયેલા બાદશાહે તે પ્રતિમાના પરમેશ્વરપણાનું પ્રમાણ માગ્યું શ્રદ્ધાનો મહાનલ પ્રગટાવીને આ ભોજકોએ સંગીતના સૂર વહેતા મૂકયા. દીપક રાગે જાદુ કર્યો. ઘૃત પૂરીને રાખેલા ૯૯ દીપક સ્વયં પ્રગટી ઊઠયા. સ્વયં પ્રગટેલા આ દીપકોનું આશ્ચર્ય હજુ ઓસર્યું નથી. ત્યાં જ એક સર્પ પ્રગટ થઈ સુલતાન સામે આવી બેઠો. પ્રતિમાનો પ્રચંડ વિરોધી પ્રતિમાના આ પ્રભાવને જાણીને લજિજત બન્યો. “આ દેવ તો બાદશાહનો પણ બાદશાહ સુલતાન છે" એમ બોલીને પ્રતિમાને તોડયા વગર અલાઉદ્દીન પાછો ફર્યો .અને તે દિવસથી આ પ્રભુજીની આગળ ‘સુલતાન'નું વિશેષણ ચિરસ્થાયી બની રહયું. આ 'સુલતાન' નામની ભીતરમાં ભોજકોનો અખૂટ શ્રદ્ધા વૈભવ અને અપૂર્વ શાસન ભક્તિ છૂપાયેલાં છે.
આ પ્રતિમાજી સંપ્રતિકાલીન છે. પ્રથમ તે મહાવીર સ્વામી ભગવાનના દેરાસરના નીચેના ગભારાના ગોખલામાં મૂળનાયક તરીકે બિરાજતા હતા. વર્તમાનમાં તે ઉપરના ગભારામાં મૂળનાયક તરીકે બિરાજે છે. અને હાલમાં પણ તેમનો મહિમા અપરંપાર છે. સં. ૨૦૧૫માં શ્રી સંઘે આ જિનાલયનો જીર્ણોદ્ધાર કરાવ્યો છે.
પ્રાચીનતાના પૂરાવા—
૧૫મી સદીમાં કવિ મેઘવિજયે રચેલી ‘તીર્થમાલા'માં તેમણે સિદ્ધપુરના જિનવરને પ્રણામ કરેલા છે.
સં. ૧૬૬૫માં કવિ પ્રેમવિજયે ‘૩૬૫ પાર્શ્વજિન નામમાલા'માં સિદ્ધપુરના પાર્શ્વનાથ ભગવંતનો પણ સમાવેશ કર્યો છે.
સં. ૧૬૫૬માં કવિ નયસુંદરે ‘શંખેશ્વર પાર્શ્વનાથનો છંદ' રચેલો છે. તેમાં તેમણે સિદ્ધપુરના પાર્શ્વનાથનો પણ નામોલ્લેખ કર્યો છે.
સં. ૧૬૬૭માં કવિ શાંતિકુશલે રચેલા “૧૦૮ નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવન"માં સિદ્ધપુરના પાર્શ્વનાથ ભગવંતની પણ સ્તવના કરવામાં આવી છે.
સં. ૧૬૮૯ના પોષ વદ ૧૦ના દિવસે મુનિ ગુણવિજયના શિષ્યે રચેલા “૧૦૮ નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવન"માં આ પાર્શ્વનાથ ભગવંતનું પણ નામસ્મરણ કરાયેલું છે.
સં. ૧૭૨૨માં કવિ મહિમાવિજયજીએ રચેલા “ચૈત્ય પરિપાટી સ્તવન'માં તે સમયે સિદ્ધપુરમાં પાંચ દેરાસર અને ૧૯૦ પ્રતિમા હોવાનું જાણવા મળે છે.
૧૮મી સદીમા કલ્યાણસાગરે રચેલી "પાર્શ્વનાથ ચૈત્થ પરિપાટી”માં આ પાર્શ્વનાથ ભગવંતને સુખકારક ગણાવવામાં આવ્યા છે.
૧૮મી સદીમાં કવિવર જ્ઞાનવિમલે રચેલા “૧૩૫ નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવન'માં સિદ્ધપુરના પાર્શ્વનાથનો પણ નામોલ્લેખ જોવા મળે છે.
પ્રભુનાં ઘામ અનેક—
શ્રી સુલતાન પાર્શ્વનાથનું મુખ્ય અને એકમાત્ર તીર્થ સિદ્ધપુરમાં જ આવેલું છે. આ નામના પાર્શ્વનાથ અન્યત્ર કયાંય હોય તેવું જાણ્યું નથી.
પ્રભુનાં ઘામની પિછાણ—
સિદ્ધપુર ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાનું ઐતિહાસિક નગર છે. અને રેલવે સ્ટેશન પણ છે. વર્તમાનમાં જૈનોનાં ૫૦ ઘર છે. એક ધર્મશાળા, બે દેરાસર અને ત્રણ ઉપાશ્રય છે. સ્થાનિક સંઘ યાત્રિકોની સારી સગવડ સાચવે છે.
મેત્રાણા તીર્થ અહીંથી ૧૩ કી.મી. દૂર આવેલું છે.




 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                .webp) 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                 
                                 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                 
                                 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                 
                                .jpg) 
                                .jpg) 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                 
                                 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                 
                                 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp)