Home > Know Jainism > Shri Sinh Anagar
Jainonline.org
• 16-Jun-2025
Shri Sinh Anagar
2582
.png) 
 
							 શ્રી સિંહ અણગાર
મહાવીર પ્રભુના એક દ્રઢ અનુરાગી શિષ્ય - સિંહ અણગાર. એકાંત નિર્જન અરણ્યમાં એક ઘટાદાર વટ વૃક્ષની નીચે ધ્યાન ધરી રહ્યા હતા. ત્યાં બે પુરુષો ભગવાન મહાવીર ઉપર ગોશાળાએ તેજોલેશ્યા મૂકી તેની વાત કરી રહ્યા હતા. એક પુરુષ કહેતો હતો - ગોશાળાએ તેજોલેશ્યા ભગવાન ઉપર મૂકી ત્યારે ત્યાં હતા તે સમર્થ શિષ્યો કેમ ગોશાળાને રોકી ન શક્યા ? બીજાએ જવાબ આપ્યો કે ભગવાનની આજ્ઞા હતી "બધાએ ગોશાળાથી અળગા રહેવું" છતાં તેજોલેશ્યા મૂકી તે સમયે પરમાત્મા ઉપર પરમ પ્રીતિવાળા બે અણગાર સુનક્ષત્ર તથા સર્વાનુભૂતિ ઝાલ્યા ન રહ્યા અને ગોશાળાને અટકાવવા વચ્ચે કૂદી પડ્યા પણ ગોશાળાએ છોડેલી તેજોલેશ્યાથી બન્ને જીવતા સળગી મોતને ભેટ્યા.
અરરર....ઘોર હત્યા....
એ પાપી દિવસે આ બન્ને પુરુષો શ્રીવસ્તિ નગરીમાં હતા કે જ્યારે મિથ્યાદ્વેષી ગોશાળાએ મહાવીર પ્રભુ ઉપર તેજોલેશ્યા મૂકી હતી, પણ તેજોલેશ્યા પરમાત્માના દેહમાં પ્રવેશ કરવા સમર્થ ન હતી. ભગવાનને પ્રદક્ષિણા દઈને સીધી જ ગોશાળાના દેહમાં વ્યાપી ગઈ. પણ આ તેજોલેશ્યાની ગરમીથી ભગવાનના અંગેઅંગમાં બળતરા થતી હતી. ભગવાનની રૂપ સંપત્તિ સહેજ ઝંખવાઈ ગઈ હતી. બધા ભક્તગણ આ આફતથી બેબાકળા બની ગયા હતા.
આ વાર્તાલાપ સિંહ અણગાર કે જે વટવૃક્ષની પાછળ ધ્યાન ધરતા હતા તે સાંભળે છે. તેમને આ ભયંકર વાતની ખબર ન હતી. પણ આ વાત સાંભળી તેમના હૈયામાં અપાર વેદના જાગી. તેમની કલ્પનાશક્તિથી પરમાત્માના રોગગ્રસ્ત દેહને જોયો. તે કંપી ઊઠ્યા!! મારા નાથ ! તમારા દેહમાં આટલી બધી પીડા ? સિંહ અણગારની આંખમાંથી આંસુની ધારા વહેવા માંડી.
થોડી વાર પછી બીજા બે વટેમાર્ગુઓ એ જ વટવૃક્ષ નીચે આવી બેઠા. બેમાંથી એક વૃદ્ધ અને એક બાળક હતા. બન્ને કદાચ પિતા-પુત્ર હોય.બાળક વૃદ્ધને પૂછતો હતો, હેં બાપુજી! ભગવાન ઉપર પેલા ગોશાળાએ તેજોલેશ્યા મૂકી. એ તેજોલેશ્યાથી શું થાય ? વૃદ્ધ કહે છે કે, "જો આ તેજોલેશ્યા બીજા કોઈ ઉપર મૂકી હોય તો તરત બળીને મૃત્યુ પામે - પણ આ તો તીર્થંકર એટલે મૃત્યુ ન થયું પરંતુ..” આટલું કહેતાં તે વૃદ્ધની છાતી ભરાઈ ગઈ. વધુ ન બોલી શક્યા. એટલે બાળકે કહ્યું, "કેમ બાપુજી" અટકી ગયા ? પછી શું થયું.?" "બેટા.. ભગવાનને લોહીના ઝાડા થયા કરે છે." આમ કહેતાં તો એ વૃદ્ધ એક ડૂસકું ખાઈને મોટા અવાજે રડી પડ્યો. બાજુમાં જ ઊભેલા સિંહ અણગાર દોડી આવ્યા. આ વાર્તા સાંભળી તેમના હૈયે કારમી વેદના ઊઠી આવી અને આંસું નીતરતી આંખે પૂછે છે : ભાઈ, પછી શું થયું ? ભગવાનનું નિર્મળ ચંદ્રમા જેવું મોટું તેજોલેશ્યાના તાપથી શ્યામ થઈ ગયું. આખા શરીરે ભગવાનને વેદના છે. આ તાપથી પ્રભુ છ માસથી વધુ નહીં જીવી શકે. વૃદ્ધ વધુ બોલી શક્તો નથી.
સિંહ અણગારની વેદના વધતી ગઈ. કેવી રીતે પ્રભુ આ સહન કરતા હશે ? વધુ ને વધુ શોકના સાગરમાં તેઓ ડૂબતા ગયા. એક ખૂણામાં બેસી કરુણ સ્વરે રુદન કરવા માંડ્યું. ધ્રુસકે ધ્રુસકે રોયા.
આ વખતે બધા જ રડતા હતા - ગૌતમ સ્વામીથી માંડી પ્રત્યેક સાધુની આંખો આંસુથી છલકાઈ. ચંદનબાળા અને બીજાં સ્ત્રી-પુરુષો- દેવ અને દાનવો પણ શોકની છાયામાં ઘેરાયાં હતાં. પણ સિંહ અણગાર તો એવું રડ્યા કે છાના જ ન રહે.
ભગવાન મહાવીર શ્રીવસ્તિથી વિહાર કરી મિંઢિક ગામ પધાર્યા ત્યાં કેવળજ્ઞાનના પ્રકાશમાં તેમને સિંહ અણગારના અપાર આક્રંદમાં તરફડતા જીવને જોઈ લીધો. તરત ભગવાને ગૌતમ સ્વામીને બોલાવી સિંહ અણગારને અહીં બોલાવી લાવવા આજ્ઞા કરી અને થોડા વખતમાં જ બે અણગારોએ સિંહ અણગારને ભગવાનનાં ચરણોમાં ઉપસ્થિત કર્યા.
ભગવાનનો પીડાતો દેહ નજરે પડતાં જ તેમની વેદના વધી પડી. તેઓ નીચે બેસી ગયા. કંઠ રૂંધાઈ ગયો. આંખો સૂઝી ગઈ હતી. સિંહ !!! મધુર વાણીથી ભગવાને અણગારને નજીક બોલાવ્યા. શા માટે સંતાપ કરે છે ? પ્રભુ આપને આટલી બધી પીડા. ધ્રુસકે રડતાં રડતાં બોલ્યા. પ્રભુ બોલ્યા, સિંહ!! તેં લોકોને મોંઢે સાંભળ્યું ને કે મારું છ મહિને મૃત્યુ થશે ?
હા પ્રભુ.
પણ તેવું બની શકે ખરું ? તીર્થંકરો હંમેશાં તેમનું આયુષ્ય પૂર્ણ કરીને જ નિર્વાણ પામે. તેમના આયુષ્યને કોઈ ઘટાડી ન શકે, કોઈ વધારી ન શકે. પણ પ્રભુ ! અણગાર રોતાં રોતાં કરગર્યા, સકળ સંઘ આપની આ સ્થિતિ જોતાં વ્યથા અનુભવી રહ્યો છે. પ્રભુ આપના માટે નહીં પણ મારા જેવાના મનની શાંતિ માટે તમે ઔષધનું સેવન કરો. આપની આ પીડા જોવા હું પળ વાર પણ સમર્થ નથી.
સિંહમુનિના આવા આગ્રહથી પ્રભુ બોલ્યા, આ ગામમાં રેવતી નામે એક શ્રાવિકાએ મારા માટે કોળાનો કટાહ પકાવ્યો છે. તે તું ન લેતો, પણ પોતાના ઘર માટે તેણે બીજોરાનો કટાહ પકાવ્યો છે તે લઈ આવ. તારા આગ્રહથી એ કટાહ હું દવા તરીકે ગ્રહણ કરીશ, કે જેથી તને ધૈર્ય પ્રાપ્ત થાય. સિંહ અણગાર નાચી ઊઠ્યા. તેમના અંગે અંગે હર્ષનો રોમાંચ થયો.
રેવતીનું ઠેકાણુ શોધી સિંહ અણગાર તેના આંગણે આવ્યા. વિનયપૂર્વક રેવતીએ વંદના કરી હાથ જોડીને પૂછ્યું, કહો ભગવાન પધારવાનું કારણ ? હે શ્રાવિકા, તેં ભગવાન માટે જે ઔષધ બનાવ્યું છે તે નહિ પણ જે તેં તારા માટે ઔષધ બનાવ્યું છે તેની અમોને જરૂર છે. રેવતી આશ્ચર્ય સહ બોલી, હે ભગવાન! કોણ આવા દિવ્ય જ્ઞાની છે જે આવી ગુપ્ત વાતને જાણી ગયા છે ! સર્વજ્ઞ ભગવાન સિવાય બીજું કોણ હોઈ શકે રેવતી !
રેવતીએ આનંદપૂર્વક એ ઔષધ સિંહ અણગારને વહોરાવ્યું. અને જેવું પાત્રમાં ઔષધ પડ્યું કે દેવોએ મહાદાનમ્ મહાદાનમ્ નો દિવ્યધ્વનિ કર્યો.
સિંહ અણગાર ત્વરિત ગતિએ ભગવાનની પાસે આવી ભગવાનને તે ઔષધનો આહાર કરાવ્યો અને અલ્પકાળમાં ભગવાનનો દેહ રોગથી મુક્ત બની ગયો. ચતુર્વિધ સંઘે આનંદ ઉત્સવ કર્યો, પણ સિંહ અણગારની આંખમાં હર્ષનાં આંસુની ધારા વહી રહી હતી અને મુખ ભગવાનની સામે મલકી રહ્યું હતું.
શ્રી સિંહ અણગાર સ્ટોરી MCQ QUIZ માટે નીચેની લિંક પર ક્લિક કરો. ⬇️
બાળકોને મઝા પડી જાય તેવી....જિનશાસનના મહાપુરુષોની લેટેસ્ટ એનિમેટેડ કલરફુલ પિક્ચર સહિતની સ્ટોરીબુક આપ નીચેની લિંક પરથી ખરીદી શકશો...⬇️
http://jainonline.org/buyonline?subcategory=Children%20Story%20Books&languages=Gujarati




 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                .webp) 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                 
                                 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                 
                                 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                 
                                .jpg) 
                                .jpg) 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                 
                                 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp) 
                                 
                                 
                                 
                                .webp) 
                                .webp) 
                                .webp)