Home > Know Jainism > 38 . શ્રી કંકણ પાર્શ્વનાથ
Jainonline.org
• 23-Jun-2025
38 . શ્રી કંકણ પાર્શ્વનાથ
30

પ્રથમ નજરે પ્રતિમા દર્શન—
શ્રી કંકણ પાર્શ્વનાથ પ્રભુ પાટણના ઢંઢેરવાડામાં વિશાળ ધાબાબંધ જિનાલયમાં બિરાજે છે. પ્રતિમાજી અલૌકિક છે. અને સંપ્રતિકાલીન છે. પ્રતિમાજી પાષાણનાં છે. અને ભૂખરા વર્ણનાં છે. પ્રભુજી પદ્માસને બિરાજે છે અને ફણારહિત છે. પરમાત્માની ઊંચાઈ ૨૭ ઈંચ છે અને પહોળાઈ ૨૩ ઈંચ છે.
અતીતના ઊંડાણમાં એક ડૂબકી—
નારીના હસ્તને શોભાવતું શૃંગારના એક આભૂષણનું નામ પરમાત્માના નામની પડખે બિરાજીને દિવ્ય શૃંગારને કેમ પામ્યું હશે? નારીના એ સૌભાગ્ય ચિહ્નનને આવું અનુપમ સૌભાગ્ય કેમ સાંપડયું હશે? આ પ્રશ્ન શોધખોળનાં સંખ્યાબંઘ સાઘનોમાં જઈને નિરુત્તર પાછો ફર્યો. આ પ્રભુના નામની ગુણ-નિષ્પન્નતાનું રહસ્ય અતીતની ગર્તામાં કયાં ક ખોવાઈ ગયું છે. પણ એટલું તો સ્પષ્ટ છે કે, આ પ્રભુની ઉપાસના આત્માના સૌંદર્યને ખીલવે છે. અને ઉપાસકને પરમોચ્ચ સૌભાગ્યના સ્વામી બનાવે છે.
અત્યારે તો અનામી બનીને સિદ્ધશિલા પર બિરાજી રહેલા પાર્શ્વપ્રભુના નામોની મોટી હારમાળા તેમની અકલ્પ્ય પ્રભાવસંપન્નતાનો દસ્તાવેજી પુરાવો છે. ભિન્ન ભિન્ન અને વિશિષ્ટ પ્રભાવવંતી પ્રતિભાને ધરાવતાં પાર્શ્વપ્રભુનાં સેંકડો પ્રતિમાજી પોતાના વ્યકિતગત ગુણનિષ્પન્ન વિશિષ્ટ અભિધાનને સાથે ધારણ કરે છે. આ રીતે સેંકડો નામના ધારક એક માત્ર પાર્શ્વપ્રભુની આ વિશિષ્ટતાની પરાકાષ્ટા અહીં દેખાય છે. કંકણ પાર્શ્વનાથ પ્રભુ એક છે, અને તેમના પ્રભાવ અનેક છે તેથી પ્રભાવાનુરૂપ નામ પણ અનેક છે. પુષ્પની માલાથી આ પરમાત્માની પૂજા કરનાર પૂજક કાયમ માટે વીંછીના ભયથી નિશ્ચિત બને છે. જે પરમાત્માના કંઠે પુષ્પની એક માળા આરોપે તેને વિશ્વના 6સઘળા વીંછીઓ અભયદાન આપી દે. પ્રભુની તે પ્રભાવકતાના સૂક્ષ્મ વિજ્ઞાનને તર્ક અને દલીલોની સાંકડી સૃષ્ટિમાં વસતો રાંક માનવી ન સમજી શકે તે સહજ છે. આ પ્રભાવથી ઓવારી ગયેલા ભકત હ્રદયે “વીંછીયા પાર્શ્વનાથ'ના નવા નામથી પરમાત્માને નવાજ્યા પ્રભુના આ પરમ પ્રભાવનો પરિચય કરાવતું વીંછીનું પ્રતીક જિનાલયની દીવાલ પર આકારિત કરેલું છે. વિષયોના કારમા વિષને ઉતારી દેનારા પરમાત્મા વીંછીના વિષથી પૂજકને નિર્ભીક બનાવે તેમાં શું આશ્ચર્ય?
પાટણના ઢંઢેરવાડામાં બિરાજતા આ પાર્શ્વપ્રભુ “કંકણ” અને “વીંછીયા" સિવાયના ત્રીજા જ નામથી વધુ પ્રચલિત છે. વર્તમાનમાં સહુ તેમને “કલિકુંડ પાર્શ્વનાથ”ના નામથી ઓળખે છે. “પ્રભુ તારાં નામ છે, હજાર. કયા નામે લખવી કંકોત્રી?” આવી એક મીઠી મૂંઝવણ ભકતના હૈયામાં ઉદભવે તે સહજ છે.
આ અલૌકિક પ્રતિમાજી સંપ્રતિકાલીન મનાય છે. અને વર્તમાન જિનાલય સંવત ૧૭૦૦ની આસપાસમાં શ્રી સંઘે બંધાવેલું છે. માગસર સુદ-૨ના પ્રતિષ્ઠાદિનની શ્રી સંઘ પ્રતિવર્ષ ઉજવણી કરે છે.
પ્રાચીનતાનાં પુરાવા—
પાટણના ઢંઢેરવાડામાં બિરાજીને મહા મહિમાને વિસ્તારતા શ્રી કંકણ પાર્શ્વનાથ પ્રભુનાં દર્શન દ્વારા સદીઓથી ભાવુકો નયનો-ને કૃતાર્થ કરી રહયાં છે.
સંવત ૧૬૫૫ના આસો સુદ-૧૦ના દિને કવિ પ્રેમ-વિજયે વર્ણાનુપ્રાસ અલંકારથી મઢેલી “૩૬૫ શ્રી પાર્શ્વજિન નામમાળા'માં શ્રી કંકણ પાર્શ્વનાથ પ્રભુના નામને પણ મઢયું છે.
સંવત ૧૬૫૬ના આસો વદ-૯ના દિને કવિ નયસુંદરે રચેલ *શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છંદ'માં તેમણે શ્રી કંકણ પાર્શ્વનાથ પ્રભુને પણ યાદ કર્યા છે.
સંવત ૧૭૨૯માં પં હર્ષ વિજયજીએ રચેલી 'પાટણ ચૈત્ય પરિપાટી'માં તેમણે આ પાર્શ્વપ્રભુને નમન કર્યુ છે.
સંવત ૧૭૯૭ના મહા સુદ-૩ને શુક્રવારે પાટણમાં કવિ ભાવરત્ને રચેલા “સુભદ્રા સતીના રાસ”માં પણ આ તીર્થનો ઉલ્લેખ છે.
સં. ૧૮૮૧ના ફાગણ વદ-૨ના દિને પં ઉત્તમ વિજયે રચેલા “શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતના છંદ'માં પણ કંકણ પાર્શ્વનાથનું નામ મળે છે.
સં. ૧૯૫૯માં પં હીરાલાલે કરેલી “પત્તન જિનાલય સ્તુતિ'માં પણ ઢંઢેરવાડાના કંકણ પાર્શ્વનાથ ભગવંતની સ્તુતિ છે.
પ્રભુનાં ધામ અનેક—
પાટણના ઢંઢેરવાડામાં શ્રી કંકણ પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ છે. તે ઉપરાંત, રાધનપુરમાં ભોંયરા શેરીના શ્રી અજિતનાથ જિનપ્રાસાદના રંગમંડપની દીવાલના એક ગોખલામાં શ્રી કંકણ પાર્શ્વનાથ બિરાજે છે. અને શાન્તાક્રુઝ-(પૂર્વ) મુંબઈમાં આવેલ શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલયની ભમતીના એક ગોખલામાં પણ શ્રી કંકણ પાર્શ્વનાથના પ્રતિમા છે.
પ્રભુનાં ધામની પિછાણ—
પાટણ રેલવે-સ્ટેશનથી ૧૫ કી. મી. દૂર આવેલા ઢંઢેરવાડામાં આ તીર્થ વિદ્યમાન છે. “શ્રી કલિકુંડ પાર્શ્વનાથ'ના જિનાલય તરીકે ઓળખાય છે. આ શ્રી કંકણ પાર્શ્વનાથ વર્તમાનમાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથના નામથી પ્રચલિત છે. ઢંઢેરવાડામાં જ બીજાં બે મનોહર જિનચૈત્યો આવેલાં છે. તેમાંથી એક ચૈત્યમાં બિરાજતા શ્રી ઢંઢેર પાર્શ્વનાથ વર્તમાનમાં “શ્રી શ્યામલા પાર્શ્વનાથ” તરીકે
ઓળખાય છે. અને ખૂબ ચમત્કારિક છે. કહેવાય છે, કે પરમાર્હત્ કુમારપાળ મહારાજા પ્રતિદિન આ પ્રતિમાજી સમક્ષ સ્નાત્ર ભણાવતા હતાં. બીજું શ્રી મહાવીર સ્વામીનું ચૈત્ય છે.