Home > Know Jainism > 41 . શ્રી ઘીંગડમલ્લ પાર્શ્વનાથ
Jainonline.org
• 26-Jun-2025
41 . શ્રી ઘીંગડમલ્લ પાર્શ્વનાથ
30

પ્રથમ નજરે પ્રતિમા દર્શન—
અંતરની શ્યામિકાને ઓગાળીને દર્શકના ચક્ષુ અને હૃદયને પાવન કરતાં શ્યામ પાષાણનાં સંપ્રતિકાલીન મનોરમ્ય આ પ્રતિમાજી પાટણના જોગીવાડામાં એક ઘુંમટબંધ જિનાલયમાં બિરાજે છે. રૂણારહિત આ પ્રતિમાજી ૩૧ ઈંચ ઊંચા અને ૨૪ ૧/૪ ઇંચ પહોળાં છે.
અતીતના ઊંડાણમાં એક ડૂબકી—
જોગીવાડાના આ શામળા પાર્શ્વનાથ પ્રભુ એ જ ઘીંગડમલ્લ પાર્શ્વનાથ છે. તેની પ્રતીતિ ૧૮મી સદીમાં રચાયેલા કવિ ઉદયરત્ન કૃત “શ્રી શામળા પાર્શ્વનાથ સ્તવન” પરથી થાય છે.
“જોગીવાડે જાગતો ને - માતો ધીંગડમલ્લ શામલો સોહામણો-કંઈ જીત્યા આઠે મલ્લ પ્યારા પાર્શ્વજી હો લાલ દીન દયાલ મુજને નયને નિહાળ.”
આઠ કર્મો રૂપી મહામલ્લો સામે ધીંગાણું મચાવીને વિજય પ્રાપ્ત કરનાર અને ભકત જનોને પણ વિજય પ્રાપ્ત કરાવી આપનાર આ પાર્શ્વપ્રભુનું “ઘીંગડમલ્લ” નામ સાર્થક છે.
શ્યામવર્ણનાં આ પ્રતિમાજી “શામળા પાર્શ્વનાથ” તરીકે પણ પ્રસિદ્ધ છે.
પ્રાચીનતાના પુરાવા—
પાટણના શ્રી ઘીંગડમલ્લ પાર્શ્વનાથ શામળા પાર્શ્વનાથ તરીકે વધુ પ્રચલિત છે. આ પાર્શ્વનાથનો શામળા પાર્શ્વનાથ તરીકે અનેક પ્રાચીન કૃતિઓમાં ઉલ્લેખ છે. એ ઉલ્લેખોની અહીં નોંધ કરી નથી.
"ધીંગડમલ્લ” નામથી પણ આ પ્રભુ કેટલીક કૃતિઓમાં આલેખાયેલા છે. ૧૮મી સદીમાં કવિ. ઉદયરત્ન કૃત 'શ્રી શામળા પાર્શ્વનાથ સ્તવન'માં જોગીવાડાના આ શ્રી શામળા પાર્શ્વનાથજીને ઘીંગડમલ્લ નામથી પણ ઓળખાવ્યા છે.
સંવત ૧૮૮૧માં પં ઉત્તમવિજયે રચેલા *શ્રી પાર્શ્વપ્રભુનાં ૧૦૮ નામના છંદ'માં તેમણે શ્રી ઘીંગડમલ્લ પાર્શ્વપ્રભુનો પણ નામ નિર્દેશ કરેલો છે.
પ્રભુનાં ધામ અનેક—
શ્રી ઘીંગડમલ્લ પાર્શ્વનાથનું મુખ્ય તીર્થ પાટણના જોગીવાડામાં આવેલું છે. તે ઉપરાંત જીરાવલા તીર્થની ભમતીમાં ૨૮મી દેરીમાં અને શાન્તાક્રુઝ (પૂર્વ) મુંબઈના શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલયની ભમતીના એક ગોખલામાં પણ શ્રી ઘીંગડમલ્લ પાર્શ્વપ્રભુનાં પ્રતિમાજી છે.
પ્રભુનાં ઘામની પિછાણ—
પાટણના જોગીવાડામાં શ્રી ઘીંગડમલ્લ પાર્શ્વનાથનું જ એક માત્ર જિનાલય વિદ્યમાન છે. આ જિનાલય પ્રાચીન છે. અને પ્રભાવ-સંપન્ન હોવાથી તીર્થરૂપ ગણાય છે.
આ મંદિરમાં પાર્શ્વપ્રભુના દશ ભવના તથા કલ્યાણકોનાં કલાત્મક, રંગીન અને ભાવભીનાં ચિત્રો દર્શકને મુગ્ધ કરે છે. થાંભલાઓની ફરતે કરેલા કાચના જડાવકામને કારણે જિનાલય આકર્ષક જણાય છે. દેરાસરની બાજુની વાડીમાં અઢળક પુષ્પો ઊગે છે. તે પુષ્પોથી પરમાત્માની મનોહર અંગરચના કરવામાં આવે છે.