Home > Know Jainism > 42 . શ્રી વાડી પાર્શ્વનાથ
Jainonline.org
• 27-Jun-2025
42 . શ્રી વાડી પાર્શ્વનાથ
36

પ્રથમ નજરે પ્રતિમા દર્શન-
પાટણનગરના ઝવેરીવાડામાં પાષાણના ભવ્ય અને ઉત્તુંગ શિખરબંધી જિનાલયમાં શ્રી વાડી પાર્શ્વનાથ પ્રભુ ચતુર્મુખે બિરાજમાન છે. ૨૯ ઈંચ ઊંચા અને ૨૩ ઈંચ પહોળાં શ્વેત પાષાણના પદ્માસને બિરાજતાં આ સંપ્રતિકાલીન પ્રતિમાજીના મસ્તકે ફણા નથી.
અતીતના ઊંડાણમાં એક ડૂબકી—
મૂળનાયક પ્રભુની સામેની ભીત ઉપર ૧૬ ૧/૨ ઈંચ પહોળી અને ૨૮ ઈંચ લાંબી આરસની તકતી ઉપર સંસ્કૃત ભાષામાં બાવન પંકિતનો એક શિલાલેખ કોતરેલો છે. આ લેખના પ્રારંભમાં શ્રી ઉદ્યોતનસૂરિથી માંડીને શ્રી જિનચંદ્રસૂરિ સુધીની ખરતર ગચ્છની પટ્ટાવલીનો નિર્દેશ છે. ત્યાર બાદ મંદિરના નિર્માતા શ્રેષ્ઠી શ્રી કુંવરજીની વંશપરંપરા આપી છે. આ કુંવરજી શ્રેષ્ઠી તે ભીમ મંત્રીના વંશજ હતા. પોતાના સમગ્ર પરિવાર સહિત શ્રી કુંવરજી શ્રેષ્ઠીએ અણહિલ્લપુર પાટણના શ્રૃંગારરૂપ દેવોના મનનું રંજન કરનાર, સૂરગિરિની પેઠે ચતુર્મુખ બિરાજમાન વિધિ ચૈત્ય બંધાવ્યું. અને મહોલ્લાની મધ્યમાં પૌષધશાળા કરાવી અને નૂતન જિનાલયમાં શ્રી વાડી પાર્શ્વનાથ પ્રભુની સં ૧૬૫૨ના વૈશાખ વદ ૧૨ને ગુરુવારે આચાર્ય દેવશ્રી જિનચંદ્ર સૂરિના હસ્તે પ્રતિષ્ઠા કરાવી. આ વિધિ ચૈત્યમાં પધરાવેલા શ્રી વાડી પાર્શ્વનાથની પ્રતિમા કયાંથી લાવવામાં આવી તે ઈતિહાસર્વેત્તાઓના સંશોધનનો વિષય બન્યો .આ મંદિરની પ્રતિષ્ઠા સં. ૧૬૫૨માં થઈ અને આચાર્ય શ્રીલલિતપ્રભસૂરિએ સં. ૧૬૪૮માં રચેલી પાટણની ચૈત્ય પરિપાટીમાં પાટણનાં ચૈત્યોને જુહાર્યા બાદ નિકટવર્તી ગામોનાં ચૈત્યોનું વર્ણન કરતાં વાડીપુરમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુને ભેટ્યાનું જણાવ્યું છે તેથી આ પાર્શ્વનાથ પ્રભુને વાડીપુરમાંથી લાવીને કુંવરજી શ્રેષ્ઠીએ ૧૬૫રમાં અત્રે બિરાજમાન કર્યા હોય તેમ માનવું સુસંગત છે. વાડીપુરમાંથી લાવ્યા હોવાથી વાડીપુર કે વાડી નામથી આ પ્રભુ પ્રસિદ્ધિ પામ્યા હોય જિનાલયના શિલાલેખમાં પણ મૂળનાયકને માટે ‘શ્રી વાડીપુર પાર્શ્વનાથ' એવો ઉલ્લેખ છે. ૧૭મી સદીમાં થયેલા શ્રી જિનરાજસૂરિએ આ પાર્શ્વનાથ પ્રભુનું એક સ્તવન રચ્યું છે. તેમાં પણ 'વાડીપુર' નામનો પ્રયોગ કર્યો છે.
વર્તમાનમાં પાટણની નિકટમાં વાડીપુર નામનું કોઈ ગામ વિદ્યમાન નથી. પરંતુ સં. ૧૬૪૮માં રચાયેલી એ ચૈત્ય પરિપાટીનો ક્રમ જોતાં વાડીપુર પાટણથી માત્ર થોડે દૂર દક્ષિણ દિશામાં આવેલું હોવું જોઈએ પાટણથી દક્ષિણમાં અત્યંત નિકટ આવેલું હાલનું બાદીપુર એ જવાડીપુર હોય તે સુસંભવિત છે. સં. ૧૬૪૮ની ચૈત્ય પરિપાટીમાં વાડીપુરનો ઉલ્લેખ જુદા ગામ તરીકે છે. જયારે સં. ૧૭૨૯માં રચાયેલી પં. હર્ષવિજય કૃત “ચૈત્ય પરિપાટી'માં તળ પાટણમાં કંસારાવાડા અને શાહના પાડા પછી તુરત જ વાડી પાર્શ્વનાથનો ઉલ્લેખ છે. તે પણ ઉપરના અનુમાનને ટેકો આપે છે.
ટૂંકમાં સં. ૧૬૪૮ના વાડીપુરમાં અમીઝરા પાર્શ્વનાથ નામથી ઓળખાતી મૂર્તિને ૪ વર્ષબાદ કોઈ કારણસર પાટણમાં લાવીને શા. કુંવરજીએ બંધાવેલ ઝવેરીવાડાના મંદિરમાં બેસાડવામાં આવી હોય અને વાડીપુરથી લાવ્યા હોવાથી તે “વાડીપુર પાર્શ્વનાથ” તરીકે પ્રસિદ્ધિ પામી હોય તેમ મનાય છે. પ્રતિમા મૂળ તો સંપ્રતિકાલીન જણાય છે.
લલિતપ્રભસૂરિએ પોતાની ચૈત્ય પરિપાટીમાં હાલમાં ઝવેરીવાડા તરીકે ઓળખાતા આ મહોલ્લાને ‘વડી પોશાળના પાડા' તરીકે ઓળખાવ્યો છે. વાડી પાર્શ્વનાથનું મંદિર બંધાવનાર શ્રેષ્ઠી કુંવરજીએ જ બંધાવેલ એક મોટી પૌષધશાળા આ મહોલ્લામાં હતી. તેથી જ તે સમયમાં આ મહોલ્લાનું નામ 'વડી પોશાળનો પાડો” હશે. સં. ૧૯૬૪માં આ જિનાલયનો જીર્ણોદ્વાર થયો હતો.
પ્રાચીનતાના પુરાવા—
અગાઉ જણાવ્યા અનુસાર સં. ૧૬૪૮માં આચાર્ય શ્રી લલિતપ્રભસૂરિએ રચેલી ‘પાટણ ચૈત્ય પરિપાટી'માં પાટણના નિકટવર્તી ગામ વાડીપુરમાં ‘અમીઝરા પાર્શ્વનાથ' ને જુહાર્યાનું જણાવ્યું છે. તે આ પ્રતિમાને વાડીપુરથી લાવ્યા હોવાના અનુમાનનો પ્રબળ પુરાવો છે.
ત્યારબાદ ૧૭મી અને ૧૮મી સદીમાં રચાયેલી કૃતિઓમાં ઠેર ઠેર 'શ્રી વાડી પાર્શ્વનાથ'નો ઉલ્લેખ છે. જે તેની ખ્યાતિનો ખ્યાલ આપે છે.
સં. ૧૬૫૫ના આસો સુદ ૧૦ના દિને શ્રી પ્રેમ વિજયે ગૂંથેલી "૩૬૫ શ્રી પાર્શ્વજિન નામમાલા''માં પણ શ્રી વાડી પાર્શ્વનાથના નામની ગૂંથણી થયેલી છે.
સં. ૧૬૫૬ના આસો વદ ૯ને મંગળવારે કવિશ્રી નયસુંદરે રચેલા શ્રી 'શંખેશ્વર પાર્શ્વનાથ છંદ' માં શ્રી વાડી પાર્શ્વનાથને વ્યાધિના વારક તરીકે ઓળખાવ્યા છે.
૧૭મી સદીમાં જ શ્રી જિનરાજસૂરિએ ‘શ્રી વાડીપુર પાર્શ્વનાથનું'નું એક સ્તવન રચ્યું છે.સ. ૧૬૬૭મા કવિવર શાંતિકુશલે “શ્રી ગોડી પાર્શ્વનાથ સ્તવન"માં શ્રી વાડી પાર્શ્વનાથને સંભાર્યા છે.
સં. ૧૬૮૯ના પોષ વદ ૧૦ના દિને સદગુરુ શ્રી ગુણવિજ્યના શિષ્યે રચેલા “૧૦૮ નામગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવન'માં તેમણે વાડી પાર્શ્વનાથનું પણ સ્મરણ કર્યું છે.
સં. ૧૭૨૧માં ઉપાધ્યાય શ્રીમેઘવિજયે ગૂંથેલી “શ્રી પાર્શ્વનાથ નામમાલા'માં પણ શ્રી વાડી પાર્શ્વનાથનું નામ ગ્રથિત થયું છે.
સં ૧૭૨૯માં પંડિત હર્ષવિજયે “શ્રી પાટણ ચૈત્ય પરિપાટી'માં શ્રી વાડી પાર્શ્વનાથને અત્યંત મહિમાવંત ગણાવ્યા છે.
૧૮મી સદીમાં રચાયેલા શ્રી વૃદ્ધિવિજય ગણિ રાસમાં” શ્રી સુખસાગર કવિએ મંગલાચરણ કરતાં શ્રી વાડી પાર્શ્વનાથને પણ નમસ્કાર કર્યા છે.
સં. ૧૯૫૯માં પંડિત હીરાલાલે કરેલી "पत्तन जिनालय स्तुति "'માં શ્રી વાડી પાર્શ્વનાથને નમસ્કાર કર્યા છે.
પ્રભુનાં ઘામ અનેક—
પાટણના ઝવેરીવાડામાં પ્રસ્તુત શ્રી વાડી પાર્શ્વનાથ પ્રભુનું
તીર્થ છે. તે સિવાય ‘શ્રી વાડી પાર્શ્વનાથ' પ્રભુ બીજે કયાંય બિરાજતા હોય તેવું જણાતું નથી.
પ્રભુનાં ધામની પિછાણ—
ગુજરાતની ધાર્મિકતા અને કલાપ્રેમનો યશોધ્વજ લહેરાવતું પાટણનગર એ ગુજરાતનું ગૌરવ છે. પૂર્વજોના કલા સાહિત્ય અને આચારોના અમૂલ્ય વારસાનું પાટણે આજ સુધી સુંદર જતન કર્યું છે.
આ પાટણના ઝવેરીવાડામાં ૨ જિનાલય છે. તેમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું પણ ભવ્ય જિનાલય છે. જ્યાં શ્રી વાડી પાર્શ્વનાથ પ્રભુ ચતુર્મુખે બિરાજમાન છે.
પાટણનગર રેલ્વે તેમજ જમીન માર્ગે ગુજરાતનાં અનેક શહેરોની સાથે જોડાયેલું છે. પાટણ મહેસાણાથી ૩૦ કી.મી સિદ્ધપુરથી ૧૯ કી.મી. અને ચારૂપ તીર્થથી ૧૦ કી.મી. દૂર છે.