Home > Know Jainism > 43 . શ્રી નારંગા પાર્શ્વનાથ
Jainonline.org
• 28-Jun-2025
43 . શ્રી નારંગા પાર્શ્વનાથ
27

પ્રથમ નજરે પ્રતિમા દર્શન_
પાટણના ઝવેરીવાડામાં એક શિખરબદ્ધ ભવ્ય જિનાલયમાં શ્વેત પાષાણના મનોહર શ્રી નારંગા પાર્શ્વનાથ કલાત્મક પરિકરથી પરિવૃત્ત છે. પદ્માસને બિરાજેલા આ સંપ્રતિકાલીન પ્રતિમાજીની ઊંચાઈ ૨૧ ઈંચ અને પહોળાઈ ૧૮૧/૪ ઈંચ છે.
અતીતના ઊંડાણમાં એક ડૂબકી—
પાટણના ઝવેરીવાડામાં બિરાજતા શ્રી નારંગા પાર્શ્વનાથનાં ભવ્ય પ્રતિમાજી પ્રાચીન છે. દર્શકના નયનામાં અને હ્રદયમાં ચિરકાલીન શીતલતા પ્રસરાવતું પરમાત્માનું વદન ચંદ્રની ઉપમાને ધારણ કરે છે. પરમાત્માના મુખારવિંદ પરની અજબ તેજ-પ્રભા ક્રોડો સૂર્ય કરતાં પણ ચડિયાતી છે. સં. ૧૭૨૯માં શ્રી નારંગા પાર્શ્વનાથનું જિનાલય ‘ભૂજબળ શેઠના દેરાસર' તરીકે ઓળખાતું હતું. એમ પં. હર્ષવિજયકૃત પાટણ ચૈત્યપરિપાટી પરથી જણાય છે. ખીમાવિજય રચિત એક સ્તવન અનુસાર આ પરમાત્માના દેવવિમાન સદેશ ભવ્ય જિનાલયનું ધ્વજારોપણ સં. ૧૭૯૨માં અખાત્રીજના શુભ દિને થયું હતું. જીર્ણોદ્ધત જિનાલયના ધ્વજારોપણ સંબંધી આ ઉલ્લેખ હોય તેમ મનાય છે.
વર્તમાન જિનાલયની પ્રતિષ્ઠા સં. ૧૯૫૯ના મહાસુદ રને શુક્રવારે થઈ હતી. આ પરમાત્માનું પરિકર બેનમૂન કલાકૃતિનો અદ્ભુત નમૂનો છે.
પ્રાચીનતાના પુરાવા—
સં. ૧૬૪૮માં લલિતપ્રભસૂરિએ રચેલી “પાટણ ચૈત્ય પરિપાટી''માં નારંગા પાર્શ્વનાથનો ઉલ્લેખ છે.
સં. ૧૬૫૫માં કવિ પ્રેમવિજયે રચેલી “૩૬૫ પાર્શ્વજિન નામમાલા’”માં શ્રી નારંગા પાર્શ્વનાથનો પણ નામ નિર્દેશ જોવા મળે છે.
સં. ૧૬૫૬માં કવિ નયસુંદરે રચેલા ‘શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છંદ'માં શ્રી નારંગા પાર્શ્વનાથની પણ સ્તુતિ કરવામાં આવી છે.
સં. ૧૬૮૯માં મુનિ ગુણવિજયના શિષ્યે રચેલા “ ૧૦૮ નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવન"માં પણ આ નામનો ઉલ્લેખ છે.
સં.૧૭૨૧માં મુનિ મેઘવિજય ઉપાધ્યાયે રચેલી ‘‘શ્રી પાર્શ્વનાથ નામમાલા”માં પાર્શ્વનાથ પ્રભુના આ નામને પણ ગૂંથવામાં આવ્યું છે.સં. ૧૭૪૬માં કવિ શીલવિજયે રચેલી ‘તીર્થમાળા”માં પાટણના આ તીર્થનો પણ ઉલ્લેખ છે.
અઢારમી સદીમાં કવિ સુખસાગરે રચેલા “વૃદ્ધિવિજય ગણિરાસ'માં અને જ્ઞાનવિમલે રચેલા “૧૩૫ નામગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવન"માં પણ આ પરમાત્માની સ્તવના કરવામાં આવી છે.
સં. ૧૮૮૧ના ફાગણવદ ૧૦ના દિને પં. ઉત્તમ વિજયે રચેલા “પાર્શ્વપ્રભુના ૧૦૮ નામના છંદ''માં અને સં. ૧૯૫૯માં પં. હીરાલાલે રચેલી “પત્તન જિનાલય સ્તુતિ”માં પાટણના શ્રી નારંગા પાર્શ્વનાથના તીર્થનો ઉલ્લેખ છે.
પ્રભુનાં ઘામ અનેક—
શ્રી નારંગા પાર્શ્વનાથનું મુખ્ય તીર્થ પાટણના ઝવેરીવાડામાં વિધમાન છે. તે ઉપરાંત શાંતાક્રુઝ (મુંબઈ)ના શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલયની ભમતીના એક ગોખલામાં શ્રી નારંગા પાર્શ્વનાથ બિરાજે છે. ખંભાતમાં સાગોટા પાડાનાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયમાં પણ શ્રી નારંગા પાર્શ્વનાથની બેનમૂન પ્રતિમા બિરાજે છે.
પ્રભુનાં ઘામની પિછાણ—
ગુજરાતની ભૂતપૂર્વ રાજધાની અને એક પ્રાચીન અને ઐતિહાસિક નગરી પાટણના ઝવેરીવાડામાં આ તીર્થ આવેલું છે. આ ઝવેરીવાડો પૂર્વે પોસાળના પાડા તરીકે ઓળખાતો હતો. શ્રી નારંગા પાર્શ્વનાથના જિનાલયની સાથે જ બીજા ત્રણ જિનાલયો સંકળાયેલાં છે. આ જિનાલયમાં શ્રી વાસુપૂજ્યસ્વામી, શ્રી આદિનાથજી અને શ્રી પાર્શ્વનાથજી મૂળનાયક પદે બિરાજે છે. ઝવેરીવાડામાં બીજું શ્રી વાડી પાર્શ્વનાથનું તીર્થસદેશ જિનાલય પણ વિધમાન છે.