Home > Know Jainism > 44 . શ્રી ટાંકલા પાર્શ્વનાથ
Jainonline.org
• 30-Jun-2025
44 . શ્રી ટાંકલા પાર્શ્વનાથ
5

પ્રથમ નજરે પ્રતિમા દર્શન—
પાટંણના ડંખ મહેતાના પાડામાં ઘુંમટબંધ જિનાલયમાં મૂળનાયક શ્રી ટાંકલા પાર્શ્વનાથ બિરાજે છે. પંચઘાતુના આ પ્રતિમાજી એક કલાત્મક પરિકરમાં સાત મનોહર ફણાથી અલંકરેલા છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૧૫ ઈંચ અને પહોળાઈ ૧૩ ઈંચ છે.
અતીતના ઊંડાણમાં એક ડૂબકી—
અનેક પ્રસિદ્ધ ઐતિહાસિક, રાજકીય, સાંસ્કૃતિક અને ધાર્મિક ઘટનાઓનું સૈકાઓથી સાક્ષી બનીને ઊભેલું પાટણ ગુજરાતનું પ્રાચીન નગર છે.
પંચાસરના એક ચાવડા ઠાકોરનો પુત્ર વનરાજ એક નગર વસાવવા ઉત્સુક બન્યો. તે માટે સ્થાનની શોધમાં ફરતા વનરાજને "અણહિલ્લ" નામના એક ભરવાડનો ભેટો થયો. પોતાનો મનોરથ આ ભરવાડ પાસે વનરાજે વ્યકત કર્યો. આ બહાદુર ભરવાડે સરસ્વતી નદીના તીરે આવેલા લાકખારામ નામના ગામડાની જગ્યાની પસંદગી કરી આપી. અને સં. ૮૦૨ના વૈશાખ સુદ-૨ના શુભ દિને જૈન ધર્મના મંત્રોચ્ચાર પૂર્વક નગરની સ્થાપના થઈ. સહાયક "અણહિલ" ભરવાડના નામ પરથી વનરાજે નગરને "અણહિલપુર પાટણ' નામ આપ્યું
આ નગરની સ્થાપના થતાં જ નગરમાં “વનરાજ વિહાર" નામના શ્રી પંચાસરા પાર્શ્વનાથના ભવ્ય જિનાલયનું નિર્માણ થયું અને ત્યારબાદ આ નગર સંખ્યાબંધ જિનાલયોની નિર્માણ ભૂમિ બની રહી.
પાટણનાં જિનાલયો અનેક વિશેષતાઓને વરેલાં છે. અનેક જિનાલયો સૈકાઓથી ભાવુકોનાં જીવનમાં આધ્યાત્મિક અજવાળાં પાથરી રહયા છે. માટે તે પ્રાચીન છે. કેટલાંક જિનાલયો ખ્યાતનામ રાજવીઓ અને પ્રસિદ્ધ મંત્રીઓ દ્વારા નિર્માણ થયેલાં છે, તે માટે તે જિનાલયો ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. પાટણનાં જિનાલયો ગુજરાતની અપ્રતિમ સ્થાપત્ય કલાના બેનમૂન નમૂના છે. માટે તે કલાપ્રેમીઓનાં આકર્ષણ કેન્દ્ર બની રહયાં છે. પાટણનાં જિનાલયોમાં બિરાજમાન અનેક પ્રતિમાજી વિશિષ્ટ પ્રભાવથી સંપન્ન છે. માટે તે જિનાલયો પ્રભાવક છે.
વર્તમાનમાં પણ પાટણમાં ૮૫ જેટલાં મુખ્ય જિનાલયોમાં ૧૩૪ જેટલા કુલ જિન પ્રાસાદો વિદ્યમાન છે. આ પાટણના ડંખ મહેતાના પાડામાં પણ બે જિન પ્રાસાદો આવેલાં છે. તેમાં એક જિનાલયમાં શ્રી ટાંકલા પાર્શ્વનાથનાં પંચ ધાતુનો પ્રતિમાજી મૂળનાયક તરીકે બિરાજમાન છે.
આ પરમાત્માના નામની પાછળ તેમનું ઉત્પત્તિ સ્થાન સંકળાયેલું છે. પાણી ભરેલી એક ટાંકીમાંથી આ પરમાત્મા પ્રાપ્ત થયા તેથી તે શ્રી ટાંકલા પાર્શ્વનાથના નામથી પ્રચલિત બન્યા ટાંકીમાંથી બહાર નીકળેલાં આ પ્રતિમાજીની અર્ચના ભવ્ય જીવોને સંસારના ટાંકામાંથી બહાર કાઢનારી છે તે નિ:સંદેહ છે.
આ પ્રતિમાજીની પ્રાચીનતા અને પ્રભાવ પર પ્રકાશ પાડનારી વધુ માહિતી પ્રાપ્ત થઈ શકી નથી. મહા સુદ-૧૦ના પ્રતિષ્ઠા દિનની શ્રી સંઘ પ્રતિવર્ષ ઉજવણી કરે છે.
પ્રાચીનતાના પુરાવા—
સંવત ૧૬૫૫માં કવિ પ્રેમવિજયે ગૂંથેલી “૩૬૫ શ્રી પાર્શ્વનાથ જિન નામમાલા"માં શ્રી ટાંકલા પાર્શ્વનાથનું નામ ગ્રથિત થયેલું છે.
સંવત ૧૬૮૯માં મુનિ ગુણવિજયના શિષ્યે રચેલા “૧૦૮ નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવન”માં આ પાર્શ્વપ્રભુનો પણ નામનિર્દેશ કરાયેલો છે.
સંવત ૧૭૨૯માં પં. હર્ષવિજયે રચેલી “પાટણ ચૈત્ય પરિપાટી'માં તેમણે તે સમયે અન્ય તેત્રીસ જિન બિંબોથી પરિવરેલા શ્રી ટાંકલા પાર્શ્વનાથને મહિમાવાન અને દુ:ખદારિદ્રના ભંજક ગણાવીને સ્તવ્યા છે.
સંવત ૧૮૮૧ના ફાગણ વદ-૨ના દિને પં. ઉત્તમવિજયે ગાયેલા “શ્રી પાર્શ્વપ્રભુનાં ૧૦૮ નામના છંદ”માં શ્રી ટાંકલા પાર્શ્વનાથનો પણ ઉલ્લેખ છે.
સંવત ૧૯૫૯માં પં. હીરાલાલે રચેલી “પત્તન જિનાલય સ્તુતિ”માં તેમણે શ્રી ટાંકલા પાર્શ્વનાથને પણ સ્તવ્યા છે
પ્રભુનાં ઘામ અનેક—
શ્રી ટાંકલા પાર્શ્વનાથનું આ મુખ્ય તીર્થ પાટણના ડંખ મહેતાના પાડામાં વિદ્યમાન છે. શાન્તાક્રુઝ (મુંબઈ)ના શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલયની ભમતીના એક ગોખલામાં પણ શ્રી ટાંકલા પાર્શ્વનાથનાં પ્રતિમાજી છે.
પ્રભુનાં ઘામની પિછાણ—
પાટણના ડંખ મહેતાના પાડામાં બે જિનાલય વિધમાન છે. એક જિનાલયમાં શ્રી ટાંકલા પાર્શ્વનાથ મૂળનાયક પ્રભુ બિરાજે છે. અને બીજા જિનાલયના મૂળનાયક શ્રી શાંતિનાથજી છે. પાટણનાં જિનાલયો એ પૂર્વજોએ આપેલો અમૂલ્ય વારસો છે.
પાટણના જ્ઞાન ભંડારો શાસનની અમૂલ્ય મૂડી છે. પાટણના શ્રાવકોની આચાર સંપન્નતા પાટણનું ગૌરવ છે.