Home > Know Jainism > 45 . શ્રી ચંપા પાર્શ્વનાથ
Jainonline.org
• 30-Jun-2025
45 . શ્રી ચંપા પાર્શ્વનાથ
5

પ્રથમ નજરે પ્રતિમા દર્શન_
પાટણના સાલવીવાડામાં શ્રી ચંપા પાર્શ્વનાથ પ્રભુ એક કલાત્મક પરિકરમાં પદ્માસને બિરાજે છે. શ્વેત પાષાણનાં આ પ્રતિમાજીના મસ્તકે સાત ફણા છે. ૨૧ ઈંચ ઊંચા આ સંપ્રતિકાલીન પ્રતિમાજીની પહોળાઈ ૧૯ ઈથ છે.
અતીતના ઊંડાણમાં એક ડૂબકી—
પાટણ નગરમાં તેની સ્થાપનાથી માંડીને જૈન ધર્મનું અને જૈન ધર્મીઓનું પૂજયસ્થાન જાળવાઈ રહયું છે. કારણ પાટણને જૈન ધર્મના અનુરાગી રાજવીઓ અને મંત્રીઓ મોટી સંખ્યામાં પ્રાપ્ત થયા હતા.
સંવત ૮૦૨માં સ્થપાયેલું પાટણ ઉન્નતિના કદમ માંડતું ચાવડા વંશના રાજાઓની રાજધાની તરીકે પ્રસિદ્ધ થયું વનરાજ. યોગરાજ, રત્નાદિત્ય, વૈરસિંહ. હેમરાજ, ચામુંડરાજ, રાહડ અને સામંતસિંહ-ચાવડા વંશના આ સાત રાજાઓના શાસન બાદ પાટણની રાજ્ય લગામ ચૌલુક્ય વંશના રાજાઓના હાથમાં ગઈ. ચાવડા વંશના તમામ રાજાઓ જૈન ધર્મના પાલક અથવા ઉપાસક અવશ્ય હતા. અને આ રાજાઓનું મંત્રીમંડળ અને કર્મચારીઓમાં પણ જૈનોની બહુલતા હોવાથી સહુ જૈન ધર્મને પૂજ્ય ભાવથી જોતા હતા
ચૌલુકય વંશના પહેલા ભીમને વીર દંડનાયક વિમલ સાથે વૈમનસ્ય ઉત્પન્ન થયું. આ ઘટનાથી પાટણમાં જૈનોના અને જૈન ધર્મસ્થાનોના ઉત્કર્ષને કંઈક ધક્કો પહોંચ્યો હોય. તે બનવા જોગ છે. પણ ત્યાર પછીના ચૌલુકય રાજવીઓ કર્ણદેવ સિદ્ધરાજ કુમારપાળ વગેરેના રાજકાળમાં જૈનોનું વર્ચસ્વ અને મહત્ત્વ વૃદ્ધિ પામ્યાં.
કલિકાળ સર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રીહેમચન્દ્રસૂરિનું પાટણમાં આગમન થયું ત્યારે અઢારસો કોટિધ્વજ શેઠિયાઓ તેમની સ્વાગતયાત્રામાં હાજર હતા. આ માહિતી પાટણમાં જૈનોની સંખ્યા અને સમૃદ્ધિનો ખ્યાલ આપે છે.
કુમારપાળ પછી પાટણની રાજ્યગાદી પર આરૂઢ થયેલા અજ્યપાલના સમયથી પાટણના જૈનોની અને તે સાથે સમગ્ર રાજ્યની અવનતિનો પાયો નંખાયો. પ્રસિદ્ધ પોરવાલવીર જૈનમંત્રી વસ્તુપાલ અને તેજપાલના સમયમાં થોડા સમય માટે ગુજરાતની ઝાંખી પડેલી કીર્તિ પુન: ઉજજવલ બની અજયપાલના સમયથી ગુજરાતની રાજ્ય સત્તા મંદ થવા માંડી હતી. તો પણ વાઘેલા ચૌલુકય સારંગદેવ સુધી ગુજરાતે અને તેના રાજાઓએ પોતાનું મહત્ત્વ ઠીક ઠીક ટકાવી રાખ્યું હતું પણ છેલ્લા રાજા કરણ વાઘેલાના સમયમાં પાટણ અને ગુજરાત ઉપર હંમેશ માટે પરાધીનતાનો દંડ પડયો.
વનરાજ, ભીમદેવ, સિદ્ધરાજ કુમારપાલ, જેવા યુદ્ધવીરોના પરાક્રમોથી અને જાંબુક, ચંપક, વિમલ શાંતુ ઉદયન બાહડ. સંપત્કર વસ્તુપાલ તેજપાલ જેવા બાહોશ મુસદ્દીઓની કાર્યકુશલતાથી ઉન્નતિના શિખરે ચડેલા પાટણ અને ગુજરાતના રાજ્યનું કર્ણ વાઘેલાની સ્ત્રીલંપટતા અને માધવ તથા કેશવ જેવા દુષ્ટ કારભારીઓના પાપે પતન થયું.
એક વેળાનું સ્વર્ગીય નગર સમું પાટણ સંવત ૧૩૫૬માં અલાઉદ્દીનના સેનાપતિ મલિક કાફૂરના હાથે જમીન દોસ્ત થયું. વનરાજથી ઊગેલી અને સિદ્ધરાજ અને કુમારપાળથી ઉન્નતિની પરાકાષ્ટાએ પહોંચેલી પાટણની કીર્તિવલ્લી કરણ વાઘેલાના સમયમાં કરમાઈ ગઈ.
કાળના આવા પલટાતા રંગોને અનુભવી ચૂકેલું પાટણ આજે પણ તેનાં જિનાલયો અને જ્ઞાન ભંડારોથી ગૌરવવંતુ સ્થાન ધરાવે છે.
આ પાટણ નગરના સાલવી વાડામાં શ્રી ચંપા પાર્શ્વનાથજીનું ધાબાબંધ જિનાલય વર્તમાનમાં વિધમાન છે. આ જિનાલય મહારાજા કુમારપાળના સમયમાં નિર્માપિત થયેલું છે. ત્યારબાદ તેના જીર્ણોદ્વારો થયા હશે. છેલ્લી પ્રતિષ્ઠા સંવત ૧૭૦૦ની આસપાસમાં થયેલી છે. વૈશાખ સુદ-૩ના પ્રતિષ્ઠા દિનની શ્રી સંઘ ઉજવણી કરે છે. આ પ્રતિમાજી સંપ્રતિકાલીન ગણાય છે. “ચંપા પાર્શ્વનાથ” નામ કેમ પડયું હશે તે જાણી શકાયું નથી.
પ્રાચીનતાના પુરાવા—
સંવત ૧૬૪૮માં શ્રી લલિતપ્રભસૂરિએ રચેલી ‘પાટણ ચૈત્ય પરિપાટી'માં તેમણે આ પાર્શ્વપ્રભુની યાત્રા કરી છે.
સંવત ૧૬૫૫માં કવિ પ્રેમવિજયે રચેલી “૩૬૫ શ્રી પાર્શ્વનાથ નામમાળા''માં શ્રી ચંપા પાર્શ્વનાથનો પણ નામોલ્લેખ થયેલો છે.
સંવત ૧૭૨૯માં પં. હર્ષવિજયે રચેલી “પાટણ ચૈત્ય પરિપાટી''માં આ પાર્શ્વનાથની યાત્રા તેમણે કરી છે.
સંવત ૧૯૫૯માં પં. હીરાલાલે રચેલી “પત્તન જિનાલય સ્તુતિ’'માં તેમણે ચંપા પાર્શ્વનાથની પણ સ્તુતિ કરી છે.
પ્રભુનાં ધામ અનેક—
શ્રી ચંપા પાર્શ્વનાથનું મુખ્ય તીર્થ પાટણના સાલવીવાડામાં ગોલવાડ શેરીમાં આવેલું છે. પાલીતાણા સમવસરણ મંદિરમાં પણ આ નામનાં પ્રતિમાજી બિરાજે છે.
પ્રભુનાં ઘામની પિછાણ—
મહેસાણા જિલ્લાનું પ્રાચીન નગર પાટણ એ જિનાલયોની ભૂમિ છે. આ પાટણના સાલવીવાડામાં. નારાયણજીના પાડામાં. ગોલવાડ શેરીમાં શ્રી ચંપા પાર્શ્વનાથજીનું જિનાલય વિધમાન છે.
પાટણની ભૂમિ સંખ્યાબંધ ભવ્ય જિનાલયોથી વિભૂષિત છે. પાટણનું પ્રત્યેક જિનાલય તીર્થસદશ છે.
પાટણ રેલવે સ્ટેશન છે. અને જમીન માર્ગે પણ ગુજરાતના અનેક મુખ્ય શહેરો સાથે સંકળાયેલું છે. પાટણ રેલવે સ્ટેશનથી આ જિનાલય ૧ π કી.મી. દૂર છે.