Home > Know Jainism > 46 .શ્રી ગંભીરા પાર્શ્વનાથ
Jainonline.org
• 1-Jul-2025
46 .શ્રી ગંભીરા પાર્શ્વનાથ
13

પ્રથમ નજરે પ્રતિમા દર્શન_
ગાંભૂ ગામના શિખરબંધી જિનાલયમાં શ્રી ગંભીરા પાર્શ્વનાથના નયનરમ્ય પ્રતિમાજી બિરાજે છે. ‘ગંભીરા’ નામને ઘારણ કરતાં આ પ્રભુજીના મુખારવિંદ પર મનમોહક ગાંભીર્યભર્યું સ્મિત ચમકી રહ્યું છે. આ સ્મિતના જાદુથી દર્શનાર્થીના હ્રદયની ગ્લાનિ કે ઉદાસીનતા શીઘ્ર વિલીન થઈ જાય છે. પ્રતિમાજી સંપ્રતિકાલીન છે અને શ્વેત પાષાણનાં છે. . પદ્માસને રહેલા આ મનોહર પ્રતિમાજી ૨૫ ઈંચ ઊંચા અને ૨૦ ૧/૪ઈંચ પહોળા છે.
અતીતના ઊંડાણમાં એક ડૂબકી—
વર્તમાનનું ગાંભૂ પ્રાચીન ગ્રંથોમાં પાકૃત ભાષામાં ‘ગાંભૂય’ અને સંસ્કૃત ભાષામાં ‘ગંભૂતા’ તરીકે ઉલ્લેખાયેલું છે. સૈકાઓ પૂર્વે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી ધમધમતું ગાંભૂ જૈનોનું કેન્દ્રસ્થાન હતું. આ નગરનો વૈભવ અને જાહોજલાલી મોખરે હતાં. કેટલીય રાજકીય અને ઐતિહાસિક વિશિષ્ઠ ઘટનાઓનું ગાંભૂ સાક્ષી છે. ૧૪૪ ગામના જૂથમાં ગાંભૂ એ મુખ્ય નગર હતું.
જૈન સૂત્રોના આદિ ટીકાકાર શ્રી શીલાંકાચાર્યે શક.સં. ૭૮૪ (વિ.સં. ૯૧૯)માં ગંભૂતા (ગાંભૂ)માં શ્રી આચારાંગ સૂત્રની ટીકા પૂર્ણ કરી હતી.
વિ. સં. ૯૫૬માં સૈદ્ધાતિક યક્ષદેવના શિષ્ય પાર્શ્વનાગે ગાંભૂ ગામમાં શીલવાન બહુશ્રુત શ્રાવક જંબૂનાગની સહાયથી તેના જિનાલયમાં “યતિ પ્રતિક્રમણ સૂત્ર” અને ‘શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર'નું વ્યાખ્યાન ચૈત્ર માસની પંચમીએ પૂર્ણ કર્યું હતું. તેથી વિક્રમની દશમી સદીમાં ગાંભૂમાં જિનાલય હતું એ સ્પષ્ટ થાય છે.
પ્રાચીન વૈદક ગ્રંથ “સુશ્રુત"ની રચના પણ આ નગરમાં જ થઈ હતી. તે તેની પ્રશસ્તિ પરથી જાણવા મળે છે. કર્તાનું નામ અને રચના સમયનો કોઈ ઉલ્લેખ મળતો નથી. સં. ૧૩૦૫માં ‘ઉપાંગ પંચક'ની વૃત્તિઓની પ્રતિઓ ગાંભૂમાં જ લખાઈ હતી. તે ઉપરાંત બીજા પણ અનેક ગ્રંથોની સર્જનભૂમિ ગાંભૂ છે.
બે પ્રાચીન દાનપત્રો આ નગરની ઐતિહાસિકતા પર સારો પ્રકાશ પાડે છે. વિ.સં ૧૧૪૦ના પોષ વદી ૧૪ને સોમવારે શ્રી કર્ણદેવે એક દાનપત્ર દ્વારા ગંભૂતાનાં ૧૪૪ ગામના જૂથમાં આવેલા કાણોદા ગામની પૂર્વ સીમામાં આવેલી કેટલીક ભૂમિ ટાંકવવી ગામના મહામાત્ય શ્રી પ્રધુમ્ને બંધાવેલ વસતિકાના શ્રી સુમતિનાથ દેવને દાનમાં આપી હતી. બીજા દાનપત્ર અનુસાર સં. ૧૧૫૬ના અપાઢ સુદ ૧૫ને સોમવારના દિને શ્રી જયસિંહદેવે ગંભૂતા ગામમાં આવેલી કેટલીક ભૂમિનું દાન ટાંકવવીના શ્રી સુમતિનાથ પ્રાસાદને કર્યું હતું.
મંત્રીશ્વર વિમલના પૂર્વજ પોરવાડ વણિક નીનાશાહે શ્રીદેવીની પ્રેરણાથી શ્રીમાલપુર (ભિન્નમાલ )થી નીકળીને વિક્રમની નવમી સદીના પ્રારંભમાં આ નગરનો આશરો લીધો. ગાંભૂમાં આવ્યા પછી નીનાશાહનો અતિ ઉત્કર્ષ થયો. સમૃદ્ધિ અને સંપત્તિ ખૂબ વૃદ્ધિ પામ્યાં ગૂર્જર નરેશ વનરાજે પાટણમાં વસવા તેને આગ્રહપૂર્ણ આમંત્રણ આપ્યું. નીનાશેઠના પુત્ર લહરીને વનરાજે દંડનાયક તરીકે નીમ્યો. ગાંભૂથી આવેલા આ નીનાશેઠે પાટણમાં વિદ્યાધર ગચ્છ માટે શ્રી ઋષભદેવનું ભવ્ય મંદિર બંધાવ્યું હતું.
પાટણના વસવાટ પહેલાં ગાંભૂ ગામ જૈન પ્રવૃત્તિઓનું ધમધમતું કેન્દ્ર હતું. તે ઉપરોકત પ્રમાણો પરથી સ્પષ્ટ થાય છે.
શ્રી ગંભીરા પાર્શ્વનાથનાં પ્રતિમાજી સંપ્રતિકાલીન છે. જિનાલયમાં જિનબિંબોની સંખ્યા ઘણી છે. મોટા ભાગનાં બિંબો ગાંભૂ ગામની જમીનમાંથી મળી આવેલાં છે. મુંબઈના ભૂલેશ્વર વિસ્તારમાં આવેલા લાલબાગ જિનાલયના મૂળનાયક શ્રી મહાવીરસ્વામીજીનાં પ્રાચીન પ્રતિમાજી ગાંભૂથી લાવવામાં આવેલાં છે.
પાટણના વસવાટ પહેલાં ગાંભૂ જૈનોનું મહત્ત્વનું કેન્દ્ર હતું. તેથી અહીં અનેક જિનાલયો હોવાં જોઈએ. ગામના મોટા ટેકરાઓ. વિખરાયેલા ખંડેરો અને મળતા પ્રાચીન અવશેષો ઉપરના અનુમાનને ટેકો આપે છે.
શ્રી ગંભીરા પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય બે માળનું છે. અને તેની સ્થાપત્ય કલા દર્શનીય છે. આ જિનાલયની પ્રતિષ્ઠા સં ૧૮૪૪માં થઈ હતી. સં. ૨૦૨૫માં આ જિનાલયનો જીર્ણોદ્વાર કરવામાં આવ્યો હતો.
મહાસુદ ૪ના પ્રતિષ્ઠા દિનનો અહીં ખૂબ મહિમા છે. તે દિવસે બહારગામથી મોટી સંખ્યામાં અહીં યાત્રિકો ઊમટે છે.
પ્રાચીનતાના પુરાવા—
ગાંભૂ ગામની પ્રાચીનતાના સંખ્યાબંધ પુરાવાઓ પર આપણે દૃષ્ટિપાત કર્યો. શ્રી ગંભીરા પાર્શ્વનાથનું મુખ્ય તીર્થ વર્તમાનમાં ગાંભૂ ગણાય છે. પણ, ગાંભૂના પાર્શ્વનાથનો પ્રાચીન રચનાઓમાં ખાસ ઉલ્લેખ મળતો નથી.
મેવાડ દેશના વાગડ પ્રાન્તમાં તલોદ સ્ટેરાનથી ૭૫ માઇલ દૂર આવેલું ડુંગરપુર પણ ગંભીરા પાર્શ્વનાથનું પ્રાચીન તીર્થ ગણાય છે. ડુંગરપુરનું બીજું નામ ગિરિપુર પણ પ્રસિદ્ધ છે. પ્રાચીન રચનાઓમાં અનેક સ્થળે ડુંગરપુરના પાર્શ્વનાથનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
તપાગચ્છીય આચાર્ય શ્રીસોમસુંદરસૂરિના સંતાનીય આચાર્યમી લક્ષ્મીસાગરસૂરિએ સં. ૧૫૨૫ના વૈશાખ વદ-૧૦ના દિવસે ડુંગરપુરના મંત્રી શાલાસાહના શ્રી ગંભીરા પાર્શ્વનાથના જિનપ્રાસાદની પ્રતિષ્ઠા કરી હતી.
સં. ૧૬૫૫ના આસો સુદ-૧૦ના દિને કવિશ્રી પ્રેમવિજયે ગૂંથેલી “૩૬૫ પાર્શ્વજિન નામમાલા'માં ડુંગરપુરના પાર્શ્વનાથનું નામ ગ્રથિત થયેલું છે.
સં. ૧૬૫૬ના આસો વદ ૯ને મંગળવારના દિને કવિ નયસુદર રચેલા "શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનાં છંદ'માં ગિરિપુરના ગંભીરા પાર્શ્વનાથનું નામસ્મરણ કરવામાં આવ્યું છે.
સં. ૧૬૬૭માં કવિ શાંતિકુશલે “૧૦૮ નામગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવન” ની રચના કરેલી છે. તેમાં તેમણે ડુંગરપુરના પાર્શ્વનાથની પણ સ્તવના કરી છે.
સં. ૧૬૮૯માં મુનિ ગુણવિજયના શિષ્યે રચેલા “ ૧૦૮ નામગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવન'માં પણ ગિરિપુરના પાર્શ્વનાથનો ઉલ્લેખ છે.
સં. ૧૭૨૧માં મેઘવિજય ઉપાધ્યાયે “શ્રી પાર્શ્વનાથ " રચી તેમાં ડુંગરપુરના પાર્શ્વનાથનો પણ નિર્દેશ કર્યો છે.
૧૮માં સૈકામાં થયેલા કવિ કલ્યાણસાગરે “શ્રી પાર્શ્વનાથ ચૈત્ય પરિપાટી''માં ડુંગરપુરના પાર્શ્વનાથનું પણ સ્મરણ કર્યું છે.
પ્રભુનાં ઘામ અનેક—
શ્રી ગંભીરા પાર્શ્વનાથનું મુખ્ય તીર્થ વર્તમાનમાં ગાંભૂ ગણાય છે. તે ઉપરાંત શ્રી ગંભીરા પાર્શ્વનાથનું પ્રાચીન જિનાલય મેવાડમાં ડુંગરપુર (ગિરિપુર) નગરમાં આવેલું છે. આ જિનાલય બાવન દેરીઓથી યુકત છે. શ્રી કરેડા પાર્શ્વનાથ તીર્થની દેરીમાં પણ શ્રી ગંભીરા પાર્શ્વનાથજી બિરાજે છે.
પ્રભુનાં ઘામની પિછાણ—
ગાંભૂતીર્થ મહેસાણા સ્ટેશનથી ૧૬ કી.મી. દૂર આવેલું છે. મહેસાણા મોઢેરા રોડ પર ગણેશપુર થઈને ગાંભૂ જવાય છે. શંખેશ્વર, ચાણસ્મા. કંબોઈ, મહેસાણા, પાટણ આદિ તીર્થો નજીક ગણાય છે.
ધર્મશાળા-ભોજનશાળા આદિની સુંદર સગવડ છે. અને એક ઉપાશ્રય છે. તીર્થની પેઢી તરફથી યાત્રિકોને ભાતુ અપાય છે. ગામની ત્રણ હજાર માણસની વસ્તી છે. પૂર્વ કાળમાં જૈનોની અત્યંત જાહોજલાલીવાળા આ ગામમાં હાલમાં જૈનોના માત્ર સાત ઘર છે.