Home > Know Jainism > 48 . શ્રી મનમોહન પાર્શ્વનાથ
Jainonline.org
• 2-Jul-2025
48 . શ્રી મનમોહન પાર્શ્વનાથ
8

પ્રથમ નજરે પ્રતિમા દર્શન-
જેના મુખારવિંદ પર નીતરતા પ્રથમ-રસના ઝરણામાં મુગ્ધ બનીને ખેંચાઈ જતી દૈષ્ટિને બહાર કાઢવી અત્યંત મશ્કેલ બને તેવા શ્રી મનમોહન પાર્શ્વનાથનાં મનમોહક પ્રતિમાજી કંબોઈ તીર્થના કાચના ઘૂમટબંધ જિનાલયમાં બિરાજે છે. આ અતિ મનોહર બિંબના અનુપમ સૌંદર્યનું પાન કરતી આંખો પરમ સાર્થકૃયનો અનુભવ કરે છે. દર્શન કરતાં સમયનાં સ્થૂલ બંધનો વિસરાય છે. અને મૂર્તિમાંથી નીતરતા શાંત રસ અને સંવેગ રસનું પ્રતિબિંબ આત્મામાં ઝીલાય છે. કલાત્મક પરિકર વચ્ચે ગોઠવાયેલા શ્વેત પાષાણનાં આ પ્રતિમાજીના મસ્તકે સાત ફણાનું છત્ર છે. ૨૭ ઈંચ ઊંચા અને ૧૯ ઈંચ પહોળા આ પ્રતિમાજી પદમાંસને વિરાજમાન છે.
અતીતના ઊંડાણમાં એક ડૂબકી—
“સં. ૧૦૪૩માં વઢિયાર દેશમાં આવેલા મંડલીના મૂળનાથ (મહાદેવ)ને મૂળરાજે મોઢેરા પાસેનું કંબોઈ ગામ દાનમાં આપ્યું હતું.” એક પ્રાચીન દાન પત્રની આ હકીકત કંબોઈ ગામની પ્રાચીનતા પર પ્રકાશ પાડે છે. પણ ૧૧માં સૈકા પહેલાના આ કંબોઈ ગામમાં જૈન તીર્થના ઉદભવનો કોઈ ઈશારો આ દાનપત્રમાં નથી.
પ્રતિમાની પરમ આહલાદકતા અને શિલ્પ પ્રતિમા સંપ્રતિકાલીન હોવાનું અનુમાન કરાવે છે.
કંબોઈ તીર્થ અંગેનાં ઐતિહાસિક પ્રમાણો ૧૭મી સદી અને ત્યાર પછીનાં મળે છે. આ પ્રમાણોથી એટલું તો સ્પષ્ટ છે કે, આ તીર્થ સત્તરમાં સૈકાથી તો વિધમાન છે જ.
સંવત ૧૬૩૮ની એક ધાતુ મૂર્તિમાં કંબોઈ ગામનો ઉલ્લેખ મળે છે. અને સંવત ૧૬૪૮માં લલિતપ્રભસૂરિએ રચેલી ‘પાટણ ચૈત્ય પરિપાટી'માં પણ કંબોઈના પાર્શ્વનાથનો નિર્દેશ કરાયેલો છે. આ પ્રમાણો પરથી આ તીર્થને સત્તરમાં સૈકાથી પણ પ્રાચીન માની શકાય.
મૂળ નાયકની બંને બાજુમાં રહેલી મૂર્તિઓ પર મળતા લેખ અનુસાર તે મૂર્તિઓની પ્રતિષ્ઠા શ્રી વિજયસેનસૂરીશ્વરજી મહારાજે સંવત ૧૬૫૯ના વૈશાખ સુદ-૧૩ને બુધવારે કરી હતી. તે ઉપરાંત. અન્ય મૂર્તિઓ પર સંવત ૧૫૦૪. ૧૫૦૫ અને ૧૫૧૮ની સાલના લેખો પ્રાપ્ત થાય છે.
પહેલાં આ મનોહર પ્રતિમાજી એક નાનકડી દેરીમાં બિરાજમાન હતા. સં. ૧૯૧૮માં પ્રતિમાજીને મૂળ મંદિરમાં પધરાવવામાં આવ્યો. રંગ કામ આદિ દ્વારા મંદિરનો પુનઃ જિર્ણોદ્ધાર થયો અને સં. ૨૦૦૩ના મહાસુદ પૂનમના શુભ દિને મૂળ નાયક પ્રભુને પુન: પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા.
આ મંદિરની ઉપર ભવ્ય શિખર અને ચાર ઘુંમટ છે. મંદિરમાં સભામંડપ અને ચાર દેરીઓ છે. મંદિરમાં નીચે સફેદ આરસ પાથરેલો છે. અને ગર્ભગૃહ તથા રંગ મંડપમાં ભીતો ઉપર કરાયેલું કાચનું આકર્ષક અને કલાત્મક જડાવકામ મંદિરની રોનકમાં વૃદ્ધિ કરે છે. કાચના કલાત્મક પટો દર્શનીય છે. કેટલાક પટોમાં પાવાપુરી, રાજગૃહી, ચંપાપુરી આદિ તીર્થોનું આલેખન છે. તો કેટલાંક પટોમાં પરમ સમાધિના પ્રદાતા શ્રી પાર્શ્વનાથ ભગવંતે દશ ભવોમાં સાધેલી મુકિતની અપ્રતિમ સાધનાનું તાદશ આલેખન છે. એક પટમાં આલેખાયેલા સ્મશાનમાં કાઉસ્સગ્ગ ધ્યાને અડગ ઊભા રહીને અગ્નિના પ્રચંડ તાપને સમભાવે સહેતા ગજસુકુમાલ મુનિ દર્શકને સમતાનું ભેટણું આપે છે.
મહા સુદ-૧૫ના વાર્ષિક દિનની પ્રતિવર્ષ અહીં ઉજવણી થાય છે. ફાગણ સુદ-રના દિવસે અહીં મોટો મેળો ભરાય છે. આ તીર્થની યાત્રા માટે પૂર્ણિમાનો વધુ મહિમા છે.
આ ગામમાં ઠેક-ઠેકાણેથી પ્રાચીન જિન મૂર્તિઓના અવશેષો પ્રાપ્ત થાય છે.
પ્રાચીનતાના પુરાવા—
અતીતના ઊંડાણમાં ડૂબકી મારીને આપણે સંવત ૧૬૩૮નો લેખ સં. ૧૬૪૮ની ચૈત્ય પરિપાટીનો ઉલ્લેખ અને સોળમી-સત્તરમી સદીના અન્ય લેખોના આધારે આ તીર્થની પ્રાચીનતાને પિછાણી, તે ઉપરાંત પણ અનેક સ્થળોએ આ તીર્થની પ્રાચીનતાના પુરાવા પ્રાપ્ત થાય છે.
સંવત ૧૬૫૫માં કવિ શ્રી પ્રેમવિજય “૩૬૫ શ્રી પાર્શ્વજિન નામમાળા''માં કંબોઈ તીર્થની પણ ગૂંથણી કરી છે.
સંવત ૧૬૬૭માં શ્રી શાંતિકુશલે “૧૦૮ નામ ગર્ભિત શ્રી ગોડી પાર્શ્વનાથ સ્તવન”માં કંબોઈના પાર્શ્વનાથની પણ સ્તવના કરી છે.
૧૭મી સદીની મધ્યમાં થયેલા શ્રી રત્ન કુશળે “પાર્શ્વનાથ સંખ્યા સ્તવન'' રચ્યું છે. તેમાં તેમણે કંબોઈના પાર્શ્વનાથ પ્રભુનો પણ નામનિર્દેશ કરેલો છે. સંવત ૧૯૮૯માં મુનિ શ્રી ગુણવિજયના શિષ્યે રચેલ "૧૦૮ નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવન'માં પણ કબોઈના પાર્શ્વનાથ પ્રભુનો નિર્દેશ પ્રાપ્ત થાય છે
સંવત ૧૭૨૧માં મેઘવિજ્ય ઉપાધ્યાયે શ્રી પાર્શ્વનાથ નામમાલા'મનમોહન'નામને પણ ગુંથયું છે.
૧૮મી સદીમાં થયેલા કવિ સુખસાગરે "વૃદ્ધિવિજયગણિ રાસની રચના કરી છે. આ રાસના પ્રારંભમાં ભાવમંગલને કાજે તેમણે જિનેશ્વરોની સ્તુતિ કરતાં શ્રી મનમોહન પાર્શ્વનાથની સ્તવના કરી કરી છે.
સંવત ૧૮૮૧માં ફાગણ વદ-૨ના દિને પં. ઉત્તમવિજયે રચેલા “શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં ૧૦૮ નામનાં છંદ''માં મનમોહન પાર્શ્વનાથની પણ સ્મૃતિ અને સ્તુતિ કરવામાં આવી છે.
પ્રભુનાં ધામ અનેક—
શ્રી મનમોહન પાર્શ્વનાથનું મુખ્ય તીર્થ કંબોઈ છે. પણ ભારતભરનાં અનેક જિનાલયોમાં શ્રી મનમોહન પાર્શ્વનાથનાં મનોહર જિનબિંબો રહેલાં છે. કલકત્તામાં-ભવાનીપુરમાં શિખરબદ્ધ દેરાસરમાં અતિપ્રાચિનત્તમ શ્રી મનમોહન પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા તાજેતરમાં જ પૂ ગુરુદેવ આ. શ્રી ભુવન ભા નુસૂરીશ્વરજી મ.નાં વરદ હસ્તે થયેલી છે. ખંભાતમાં જીરાળો પાડો અને ચોકસીની પોળમાં શ્રી મનમોહન પાર્શ્વનાથનાં જિનાલય છે. અને સ્તંભન પાર્શ્વનાથના જિનાલયમાં પણ મનમોહન પાર્શ્વનાથના એક પ્રતિમાજી છે. સૂરતમાં ઓસવાળ મહોલ્લો અને વકીલના ખાંચામાં મનમોહન પાર્શ્વનાથના જિનાલયો છે. પાટણમાં આ પાર્શ્વપ્રભુનાં ત્રણ દેરાસર છે. મહાલક્ષ્મીના પાડામાં ખજૂરીના પાડામાં અને મનમોહનની શેરીમાં આ દેરાસર આવેલાં છે. તે ઉપરાંત ગુજરાતમાં
પેટલાદ, વડોદરાની પટોળિયા પોળ, રાધનપુરની વોરાવાડ, મહેસાણા અને નંદાસણમાં આ પાર્શ્વપ્રભુનાં જિનાલયો છે. રાજસ્થાનમાં બાલી અને સાંચોરીમાં અને મહારાષ્ટ્રમાં ઇચલકરંજી, પૂના-ભવાની પેઠ તથા ટીમ્બર માર્કેટ અને સાંગલીમાં શ્રી મનમોહન પાર્શ્વપ્રભુ બિરાજે છે. શાન્તાક્રુઝ (મુંબઈ)ના કલિકુંડ પાર્શ્વનાથના દેરાસરની ભમતીના એક ગોખલામાં. શ્રી કરેડા પાર્શ્વનાથ તીર્થની ૨૨મી દેરીમાં અને જીરાવલા તીર્થની ભમતીમાં ૯મી અને ૪૭મી દેરીમાં પણ આ પાર્શ્વપ્રભુનાં પ્રતિમાજી છે. બુરાનપુર અને લાડોલમાં પણ શ્રી મનમોહન પાર્શ્વનાથના જિનાલયો છે.
પ્રભુનાં ઘામની પિછાણ—
કંબોઈ એ મહેસાણા જિલ્લાના ચાણસ્મા તાલુકાનું ૫૦૦૦ની વસતિ વાળું ગામ છે. મહેસાણાથી હારીજ જતી રેલવે લાઈન પર કંબોઈ સ્ટેશન છે. ગામ સ્ટેશનથી ૧ કી.મી. દૂર છે. કંબોઈ ચાણસ્માથી ૧૬ કી.મી. દૂર છે.
અહીં દેરાસર આ એક જ છે અને જૈનોનાં ચાર ઘર છે. આ તીર્થની ધર્મશાળા અને ભોજન શાળામાં યાત્રિકોની સુંદર સગવડતા સચવાય છે. યાત્રિકોને ભાતું પણ આપવામાં આવે છે.