Home > Know Jainism > 50 શ્રી શંખલા પાર્શ્વનાથ
Jainonline.org
• 3-Jul-2025
50 શ્રી શંખલા પાર્શ્વનાથ
18

પ્રથમ નજરે પ્રતિમા દર્શન—
શંખલપુર ગામની મધ્યમાં પાટીદાર મહાજનની ગલીમાં મૂળનાયક શ્રી શાંતિનાથ પ્રભુનું ભવ્ય અને ઉત્તુગ જિનાલય છે. આ જિનાલયમાં મૂળનાયકની જમણી બાજુના બીજા ગભારામાં શ્રી શંખલા પાર્શ્વનાથ પ્રભુનાં નયનરમ્ય પ્રતિમાજી બિરાજે છે. શ્યામ પાષાણનાં આ પ્રતિમાજીના મસ્તકે સાત મનોહર ફણા છે. પદ્માસને રહેલાં આ સંપ્રતિકાલીન પ્રતિમાજીની ફણા સહિત ઊંચાઈ ૨૭ ઈંચ અને પહોળાઈ ૧૯ ઈંચ છે.
અતીતના ઊંડાણમાં એક ડૂબકી—
વર્તમાનમાં “શંખલપુર’" નામથી ઓળખાતું આ ગામ ઘણું પ્રાચીન છે. લખમણ નામના રાજાએ આ ગામ વસાવ્યું અને પોતાના નામ પરથી ગામનું "સલખણ પુર'' નામ રાખ્યું. ચૌદમાં સૈકાથી સત્તરમા સૈકા સુધી અહીં જૈનોની ઘણી વસતિ હતી. અને ગામમાં જૈનોનું જ વર્ચસ્વ હતું અહીંના શ્રાવકો ધનવાન ધર્મવાન અને ધીમાન હતા.
ઉપલબ્ધ ઐતિહાસિક ઉલ્લેખો પરથી આ તીર્થની પ્રાચીનતા પર પૂરતો પ્રકાશ પડતો નથી.
સંવત ૧૪૬૬માં શ્રી મુનિસુંદરસૂરિ રચિત "ગુર્વાવલી"માં માંડવગઢના મંત્રી પેથડ કુમારે ૧૪મા સૈકામાં ભિન્ન ભિન્ન ગામમાં બંધાવેલા ૮૪ જિન પ્રાસાદોની નોંધ આપી છે. આ નોંધમાં જણાવ્યું છે કે.
"श्री वामेयजिनः सलक्षणपुरे।"
તેથી સલખણપુરમાં પેથડ મંત્રીએ શ્રી પાર્શ્વનાથનું એક ભવ્ય જિનાલય બંધાવેલું તે જાણકારી પ્રાપ્ત થાય છે. ચૌદમા સૈકામાં વિનયપ્રભ ઉપાધ્યાયે રચેલી “તીર્થમાળા"માં મળતો ઉલ્લેખ પણ નોંધપાત્ર છે.
"पास संति जिणा नयरि सलखणपुरे"
ચૌદમા સૈકામાં આ ગામમાં પાર્શ્વનાથ અને શાંતિનાથના બે પ્રાસાદ હતા, તે આ ઉલ્લેખ પરથી સ્પષ્ટ જાણવા મળે છે. પણ પેથડશાહે બંધાવેલું મંદિર તેમાંનું જ એક હશે કે ભિન્ન એ જાણવાનું કોઈ સાધન નથી.
કોઈ રાજકીય આફતમાં આ જિન મંદિરો નષ્ટ થયાં હશે. અને તે સમયે જિનબિંબોને ભોંયરામાં સુરક્ષા માટે છુપાવી દેવામાં આવ્યાં હોય તેમ અનુમાન કરવા કેટલાંક પ્રમાણો પ્રાપ્ત થાય છે. સંવત ૧૮૪૮માં કોઈ ચોર રાંતેજથી બે મૂર્તિઓ ચોરીને અહીં લાવ્યો. અહીંના શ્રાવકોએ ૧ મણ અને ૫ શેર દાણા આપીને આ મૂર્તિઓનો કબજો લીધો. બેમાંથી એક મૂર્તિ પોતાના ગામ માટે રાખી અને બીજી મૂર્તિ ટુવડ ગામના શ્રી સંઘને આપી. અહીં રાખેલી મૂર્તિને એક દેરાસર બંધાવીને તેમાં પ્રતિષ્ઠિત કરવાનો શ્રી સંઘે નિર્ણય કર્યો. દેરાસર બાંધવાની જગ્યા માટે એક જૂનું ખંડેર વેચાતું લીધું. સંવત ૧૮૪૮માં એ ખંડેરનું ખોદકામ શરૂ થયું. ખોદકામ કરતાં એક મોટું ભોંયરુ પ્રાપ્ત થયું. આ ભોંયરામાંથી ૨૦૦ જેટલી જિન પ્રતિમાઓ કાઉસગ્ગિયા. પરિકરો દેવીઓ ઓરશિયો. સુખડ. મંદિરનું શિખર વગેરે અઢળક સામગ્રી પ્રાપ્ત થઈ. તેમાંના કેટલાંક પ્રતિમાજી કદંબગિરી તથા અન્ય અનેક ક્ષેત્રોમાં લઈ જવામાં આવ્યાં.
મળી આવેલી આ ચીજો અહીંના પ્રાચીન જિનમંદિરોનો પુરાવો આપે છે. ત્યાર બાદ, નૂતન મંદિરનું નિર્માણ થયું અને સંવત ૧૯૦૫ના જેઠવદિ-૮ના દિને નૂતન જિનાલયની પ્રતિષ્ઠા થઈ.
આ પ્રતિષ્ઠા દિનને હજુ પણ શ્રી સંઘ પ્રતિવર્ષ ઊજવે છે. વર્તમાન જિનાલયને ત્રણ ભવ્ય શિખરો અને એક મોટું ભોંયરુ છે. આ જિનાલયના મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન છે.
અહીંના પ્રાચીન અને પ્રભાવક પાર્શ્વનાથ ગામના નામ પરથી " શ્રી શંખલા પાર્શ્વનાથ” તરીકે ઓળખાય છે.
ભોંયરામાં પણ મૂર્તિઓ છે. જેમાં શ્રી નવખંડા પાર્શ્વનાથનો મહિમા ખૂબ છે. તેમની પાસે વર્ષોથી અખંડ દીવો પ્રજવલિત છે. જિનાલયની ભમતીમાં ૨૫ ગોખલાઓ છે. તેમાં પણ જિનબિંબો બિરાજમાન છે.
પ્રાચીનતાના પુરાવા—
અતીતના ઊંડાણમાં ડૂબકી મારતા જોયું કે, ૧૪મા સૈકામાં શ્રી વિનયપ્રભ ઉપાધ્યાયે રચેલી ‘તીર્થમાલા'માં તે સમયે શંખલપુરમાં બે જિનાલય વિદ્યમાન હોવાનું જાણવા મળે છે.
સંવત ૧૪૬૬માં શ્રી મુનિસુંદરસૂરિએ “ગુર્વાવલી' નામના ગ્રંથમાં પેથડમંત્રીએ શંખલપુરમાં શ્રી પાર્શ્વનાથનો જિનપ્રાસાદ બંધાવ્યાનું નોંધ્યું છે.
સંવત ૧૬૬૭માં કવિ શ્રી શાંતિ કુશલે "૧૦૮ નામ ગર્ભિત શ્રી ગોડી પાર્શ્વનાથ સ્તવન"માં શંખલપુરના પાર્શ્વનાથનો પણ ઉલ્લેખ કર્યો છે.
સંવત ૧૬૮૭માં કવિ શ્રી ગુણવિજયજીએ "કોચર વ્યવહારી રાસ”ની રચના કરી છે. આ રાસમાં સંખલપુરના શ્રેષ્ઠી કોચર વ્યવહારીએ શંખલપુર અને આસપાસના ક્ષેત્રમાં કરેલા અદ્ભુત-અમારિ પ્રવર્તનનું રોચક વર્ણન છે. આ રાસમાં શંખલપુર ગામ અને ત્યાંના જૈનોની જાહોજલાલીનો ટૂંક પરિચય વર્ણવેલો છે. જોકે, આ રાસમાં કયાંય પણ જિનાલયનો ઉલ્લેખ નથી.
સંવત ૧૮૮૧માં પં ઉત્તમ વિજયે ગાયેલા “૧૦૮ નામ ગર્ભિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છંદ'માં શંખલા પાર્શ્વનાથને પણ સ્તવ્યા છે.
પ્રભુનાં ઘામ અનેક—
શંખલપુરના શ્રી શાન્તિનાથ જિનપ્રાસાદમાં શ્રી શંખલા પાર્શ્વનાથનું મુખ્યતીર્થ છે. તદુપરાંત શાંતાક્રુઝ (મુંબઈ)માં આવેલા શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલયની ભમતીના એક ગોખલામાં પણ શ્રી શંખલા પાર્શ્વનાથનાં પ્રતિમાજી છે. અને જીરાવલા તીર્થના શ્રી જીરાવલા પાર્શ્વનાથના જિનાલયની
ભમતીની ૪૦મી દેરીમાં પણ “શ્રી શંખલપુરા પાર્શ્વનાથ'ના પ્રતિમાજી છે.
પ્રભુનાં ઘામની પિછાણ—
શંખલપુર એ મહેસાણા જિલ્લાના ચાણસ્મા તાલુકાનું ગામ છે અને બેચરાજી રેલવે સ્ટેશનથી ફકત ૨ કી.મી. દૂર છે. તાજેતરમાં શંખલપુરને પણ રેલવેનું ફ્લેગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે.
મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનનું ત્રણ શિખરોથી યુકત ભોંયરાવાળું ભવ્ય જિનાલય છે. બધાં પ્રતિમાજી અત્યંત પ્રાચીન અને આહ્લાદક છે. ગામમાં જૈનોનાં ૨૫ ઘર ખુલ્લાં છે. ગામમાં બે ઉપાશ્રય અને મહાજન વાડી છે. અવારનવાર સાધુ સાધ્વીજી ભગવંતોના ચાતુર્માસ થાય છે.
રાંતેજ, શંખેશ્વર, ભોયણી આદિ તીર્થો નિકટવર્તી ગણાય છે.