Home > Know Jainism > 51 શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ
Jainonline.org
• 3-Jul-2025
51 શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ
18

પ્રથમ નજરે પ્રતિમા દર્શન—
અતીતના પેટાળમાં પ્રવેશ કરતાં પ્રતીત થાય છે કે, આ પ્રતિમાને આજ સુધીમાં કોડો દેવતાઓ અને મનુષ્યોએ હર્ષઘેલા બનીને પૂજી છે. ભકિત સાહિત્યના વિરાટ ખજાના તરફ દેષ્ટિપાત કરીએ તો જાણવા મળે છે કે અઢળક પ્રાચીન સ્તોત્રો અને સ્તવનોમાં સ્તવનીય તરીકે આ શ્રી શંખેશ્વર પાર્શ્વપ્રભુ જછે, અને આ તીર્થ ભૂમિમાં પ્રત્યક્ષ જઈને ઊભા રહીએ તો દેખાય છે કે. આ પરમાત્માના દર્શનાર્થે ભકતજનોનાં ટોળાના ટોળાં નિત્ય ઊભરાય છે. આ વાસ્તવિકતાઓ અંતરમાં એક પ્રશ્નનું સર્જન કરે છે. આ જિનબિંબમાં એવો કયો જાદુ છે. જેણે આવો યશસ્વી ઈતિહાસ સર્જ્યો છે? શંખેશ્વરના ભવ્ય જિનાલયમાં પ્રવેશ કરીને શ્રી શંખેશ્વર પ્રભુને નજરે નિહાળતાં જ અંતરમાં ઉદભવેલો આ પ્રશ્ન સ્વયં વિલય પામે છે. શ્વેતવર્ણનાં આ મહામનોહર પ્રતિમાજી વિધમાન પ્રત્યેક પ્રતિમાઓમાં સૌથી પ્રાચીનતમ જિનબિંબ છે. કલાત્મક પરિકર વચ્ચે અત્યંત શોભી રહેલું આ મોહક જિનબિંબ ચક્ષુનો સર્વોત્તમ વિષય છે. સાત મનોહર ફણાથી અલંકૃત આ મનોહારિણી મૂર્તિમાંથી નીતરતું અનુપમ લાવણ્ય ગમે તેવા નિષ્ઠુર હ્રદયમાં પણ ભકિતની ઊર્મિઓનું સર્જન કરી દે છે. ૭૧ ઈંચના આ વિરાટકાય પ્રતિમાજીનાં દર્શન વિકારોની કાલિમાને વિલીન કરી આંખ અને અંતરને ઉજવલ બનાવે છે. પદ્માસનસ્થ આ આહ્લાદક જિનબિંબ દર્શકને અદ્ભુત ચિત્ત પ્રસન્નતાનું ભેટણું આપે છે.
અતીતના ઊંડાણમાં એક ડૂબકી—
ચિર અતીતના પેટાળમાં જઈને ગત ચોવીસીના નવમા તીર્થંકર શ્રી દામોદર સ્વામીના સમવસરણમાં પહોંચીને જોઈએ તો મુકિતનો અવ્વલ આશક અષાઢી નામનો શ્રાવક પરમાત્માને પૂછી રહયો છે: “હે પરમાત્મન્! કર્મસત્તાની આ જાલિમ કેદમાં હજુ હું કયાં સુધી પુરાયેલો રહીશ? અનાદિકાલિન આ પારતંત્ર્યની જંજીરોમાંથી હું કયારે છૂટીશ? કયા તીર્થંકર પરમાત્માના શાસનકાળમાં મને મુકિતનું મહાસામ્રાજ્ય સાંપડશે?”
“અનાગત ચોવીસીના ત્રેવીશમા તીર્થપતિ શ્રી પાર્શ્વનાથનો આર્યઘોષ નામનો ગણધર બનીને તું મુકિતગામી બનીશ.” દામોદર સ્વામીના શ્રી મુખેથી નીકળેલા આ પ્રત્યુત્તરે અષાઢી શ્રાવકના અંતરમાં શ્રી પાર્શ્વપ્રભુનું આરાધ્યસ્થાન ઉપસ્થિત કર્યું. મુકિતના અભિલાષી આ શ્રાવકના હૃદયમાં કૃતજ્ઞભાવથી પાવન બનેલું ભકિતનું ઝરણું રેલાવા માંડયું. પોતાના ભાવિ ઉપકારી પાર્શ્વપ્રભુના દર્શનનો ઉત્કટ તલસાટ તેના અંતરમાં ઉદ્દભવ્યો.
એ તલસાટને તૃપ્ત કરવા પાર્શ્વપ્રભુના એક નયનરમ્ય જિનબિંબનું નિર્માણ કરાવ્યું. સ્વનિર્મિત ભવ્ય જિનાલયમાં આ પ્રતિમાને સ્થાપન કરી, અનેરા ભકિતભાવથી આ શ્રાવક તેની નિત્ય પૂજા કરતો. તેની ભાવવિભોર જિનભકિતએ તેનામાં વિરતિના પરિણામોનું સર્જન કર્યું. વૈરાગ્ય વાસિત શ્રાવક હવે સાધુ બન્યો શુદ્ધ ચારિત્રના પાલને તેને સૌધર્મ દેવલોકના દૈવી વૈભવનો સ્વામી બનાવ્યો.
પ્રથમ દેવલોકના દેવને અવધિજ્ઞાનના પ્રકાશમાં સ્વનિર્મિત આ મનોહર જિનબિંબનાં દર્શન થયાં. ભકિતઘેલો આ દેવતા આ જિનબિંબને પોતાના દેવાલયમાં લઈ આવ્યો અને જીવનપર્યન્ત તેની અર્ચના કરી. ત્યાર બાદ, સૌધર્મેન્દ્રે પણ આ પ્રતિમાની ચિરકાળ પર્યન્ત પૂજા કરી.
જ્યોતિષ દેવલોકના સૂર્યદેવને સૌધર્મેન્દ્રે આ જિનપ્રતિમા અર્પણ કરી. સુરેન્દ્રજિનના મુખેથી સૂર્યદેવે આ મોહક જિનબિંબનો અદ્ભુત પ્રભાવ સાંભળ્યો. તેથી અત્યંત ભકિતપૂર્વક સૂર્યે ૫૪ લાખ વર્ષ સુધી આ પ્રતિમાને પોતાના આવાસમાં રાખીને પૂજી.
લાખો વર્ષો સુધી માનવો અને દેવો વડે પૂજાયેલી આ પ્રતિમાનો પ્રતાપ અને પ્રભાવ નિરંતર વૃદ્ધિ પામતો રહયો. સૂર્યના વિમાનમાંથી આ અલૌકિક જિન પ્રતિમા ચંદ્રના આવાસમાં આવી. ત્યાં ચંદ્રે પણ ૫૪ લાખ વર્ષ સુધી આ પ્રતિમાને પૂજી.
મૃત્યુલોકના એક માનવીએ અંતરના ઉમંગ પૂરીને ભરાવેલું આ જિનબિંબ દેવોની દુનિયાનું આકર્ષણ બન્યું. ભકિતઘેલા દેવતાઓ આ મનોહર જિનબિંબના પૂજક બન્યા લાખો વર્ષ પર્યન્ત ચંદ્રલોકમાં પૂજાયેલી આ જિન પ્રતિમા પહેલા દેવલોકમાં આવી. ત્યાં પણ આ પ્રતિમા ચિરકાલ સુધી દૈવી અર્ચના પામી.
સૌધર્મ દેવલોકમાંથી આ જિનબિંબને બીજા ઈશાન દેવલોકના દેવતાઓ પોતાના આવાસમાં લાવ્યા અને ચિરકાલ સુધી આ પ્રતિમાની અનુપમ ભકિત કરી.
ત્યારબાદ આ જિન પ્રતિમાની દશમા પ્રાણત દેવલોકના દેવોએ પણ પોતાના સ્થાનમાં લાવીને લાંબા કાળ સુધી પૂજા કરી. પછી પ્રતિમા બારમાં અચ્યુત દેવલોકના દેવતાઓ દ્વારા પણ ચિરકાલ સુધી પૂજાઈ
લાખો વર્ષ સુધી દૈવી અર્ચનાને પામેલું આ આહ્લાદક જિનબિંબ પ્રતાપી બન્યું. કાળક્રમે આ બિંબને લવણસમુદ્રમાં રાખીને વરુણદેવ, નાગકુમાર આદિ દેવોએ તેની ભકિત સહિત પૂજા કરી. પછી આ બિંબ ભવનપતિ દેવોના આવાસોનું ભૂપણ બન્યુ. ત્યાંથી વ્યંતર દેવતાઓ તેને પોતાના નગરોમાં લઈ આવ્યા પછી ગંગાનદી યમુનાનદી વગેરે અનેક સ્થળોએ આ જિનબિંબ દેવતાઓ દ્વારા પૂજાયું.
મૂર્તિનો યશસ્વી ઈતિહાસ વધુ અને વધુ તેજસ્વી બનતો જતો હતો. ઘટ ઘટમાં સમ્યગદર્શનનાં અજવાળાં પાથરીને વધુ પ્રતાપી બનેલું આ બિંબ અપૂર્વ પ્રભાવયુકત બન્યું.
આદિમ તીર્થપતિ ભગવાન ઋષભદેવના શાસનકાળ દરમ્યાન નાગરાજ ધરણેન્દ્રે આ મૂર્તિનો પરમ પ્રભાવ જાણ્યો. આ ચમત્કારિક મૂર્તિ તેણે નમિ અને વિનમિ નામના વિદ્યાધરોને આપી. તે બન્નેએ વૈતાઢય પર્વત ઉપર આ મૂર્તિની જીવનપર્યન્ત પૂજા કરી.
કાળની કિતાબનાં પાનાં ફરતાં ગયાં અને આઠમાં તીર્થંકર શ્રી ચંદ્રપ્રભ સ્વામીના સમવસરણમાં સાધર્મેન્દ્ર પોતાની મુકિતના કાળની પૃચ્છા કરે છે. પરમાત્માના મુખેથી ત્રેવીશમા તીર્થપતિ ભગવાન પાર્શ્વદેવના શાસનકાળમાં પોતાની મુકિત જાણીને ભાવિ તીર્થપતિ પ્રભુ પાર્શ્વદેવ પ્રત્યે તે સૌધર્મેન્દના હૃદયમાં અનહદ ભકિતભાવ ઊમટયો. ભકિતપ્રેર્યા આ દેવેન્દ્ર પાર્શ્વપ્રભુના જ આ પ્રભાવક જિનબિંબના પરમ પ્રભાવને પેખ્યો. તે મૂર્તિને તે પોતાના વિમાનમાં લાવ્યો. ત્યાં ઈન્દ્ર અને ઈન્દ્રાણીઓએ ૫૪ લાખ વર્ષ સુધી ભકિતસભર પૂજા કરી.
એક મર્ત્યલોકના માનવી દ્વારા નિર્માપિત થયેલી આ જિનમૂર્તિ પુન: મર્ત્યલોકમાં આવી. સૌધર્મેન્દ્રે તેને રૈવતગિરિની કંચન બલાનક નામની સાતમી ટૂંક પર સ્થાપન કરી. ગિરિશ્રૃગ પર બિરાજમાન થયેલી આ જિનમૂર્તિની નાગકુમાર આદિ દેવોએ ચિરકાલ પર્યન્ત પૂજા કરી.
દેવો અને માનવોને દર્શન શુદ્ધિ કરાવતું આ અનુપમ ઝરણું કાળના કેટલાય થરો વટાવીને વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામીના કાળ સુધી પહોચ્યું ત્યારે સૌધર્મ દેવલોકના ઈન્દ્રે આ પ્રતિમાને પોતાના આવાસમાં આણીને ચિરકાલ પર્યન્ત પૂજી.
અયોધ્યાના રાજકુમાર રામચંદ્રજી દંડકારણ્યમાં વનવાસ માટે પહોંચ્યા. પરમ જિનભકત આ દંપતીનાં દર્શન-પૂજાના વ્રતની સૌધર્મેન્દ્રે ચિંતા કરી. પરમાત્મા પાર્શ્વદેવની આ અલૌકિક મૂર્તિ એક રથમાં પધરાવીને બે દેવોની સાથે દંડકારણ્યમાં તેણે મોકલી આપી. રામ-સીતાએ વનવાસ દરમ્યાન આ જિન પ્રતિમાની ભાવસહિત પૂજા કરી.
રામચંદ્રજીનો વનવાસ પૂરો થયો. સૌધર્મેન્દ્રે આ પ્રતિમાને પુન: પોતાના આવાસમાં આણી. લાંબા કાળ સુધી સૌધર્મેન્દ્રે તેને ત્યાર બાદ સૌધર્મેન્દ્ર પુન: આ પ્રતિમાને ગિરનાર ગિરિનો શ્રૃંગ પર કંચનબલાનક નામની સાતમી ટૂંકમાં પધરાવી ત્યા નાગકુમારાદિ દેવો તેની પૂજા કરવા લાગ્યા.
આ પ્રતિમાના ચમત્કાર અને પ્રભાવની કથા તથા તેનો યશસ્વી ઈતિહાસ તત્કાલીન નાગરાજ ધરણેન્દ્રે એક જ્ઞાની મહાત્મા પાસે સાંભળ્યો. ભકિતવશ તેણે આ પ્રતિમા પોતાના આવાસમાં આણી. ત્યાં ધરણેન્દ્ર- પદ્માવતી અને અનેક દેવીઓએ તેને ભકિત સહિત પૂજી. ઘણો કાળ આ પ્રમાણે વ્યતીત થયો.
દ્વારિકા નગરના ઈશાન ખૂણામાં આવેલા વઢિયાર દેશમાં સરસ્વતી નદીની નિકટમાં આવેલા સેનપલ્લી ગામ પાસે મહા ભયંકર યુદ્ધ મચ્યું હતું. દ્વારિકાધીશ કૃષ્ણ વાસુદેવ અને રાજગૃહીના મહારાજા નવમાં પ્રતિવાસુદેવ જરાસંઘ વચ્ચે ભયાનક સંગ્રામ ખેલાયો. જંગે ચડેલા આ બન્ને રાજાઓ મહારથી હતા. પ્રતિવાસુદેવ જરાસંઘને ભરત ક્ષેત્રના તમામ રાજાઓ અને વૈતાઢય પર્વતના વિદ્યાધરોનું પીઠબળ હતું. શ્રી કૃષ્ણવાસુદેવના પક્ષમાં ૫૬ ફુલકોટી યાદવો, પાંડવો અનેક રાજાઓ અને કેટલાક વિદ્યાધરો હતા. ખૂનખાર જંગ ઘણા સમય સુધી ખેલાયો. શ્રી કૃષ્ણના બલવાન સૈન્યે જરાસંઘના સૈન્યને હંફાવી દીધું. પરાજ્યની ક્ષણોને નિકટવર્તી જાણીને બળથી હીન બનેલા જરાસંઘે પ્રપંચનો આશરો લીધો.
પોતે સિદ્ધ કરેલી જરાવિદ્યાનો જરાસંઘે કૃષ્ણના સૈન્ય ઉપર ઉપયોગ કર્યો. આ વિદ્યાએ તેનો પ્રભાવ બતાવ્યો. આ વિદ્યાના પ્રભાવથી શ્રી કૃષ્ણના સૈનિકો વ્યાધિ અને વાર્ધકયથી પીડિત બન્યા. કાયાથી ક્ષીણ અને કૌવતથી હીન થયેલા આ સૈનિકો સંગ્રામ ખેલવા અસમર્થ બન્યા.
આ સૈન્યમાં શ્રી કૃષ્ણવાસુદેવ, રામબળદેવ અને શ્રી અરિષ્ટનેમિકુમાર એ ત્રણે પ્રચંડ પુણ્યના સ્વામી હતા. જરાસંઘની જરા આ ત્રણ પુરુષોના પુણ્યની દીવાલને ભેદી ન શકી. જરાવિદ્યાની કોઈ અસર આ ત્રણ વ્યકિત પર ન થઈ. પ્રાત:કાળે જરાવિદ્યાના પ્રભાવથી ક્ષીણ બનેલા પોતાના સૈન્યને નિહાળી શ્રી કૃષ્ણ ચિંતાતુર બન્યા તેમણે પિત્રાઈ બંધુ અરિષ્ટનેમિકુમારને આ ચિંતામુકિતનો ઉપાય પૂછયો.
આનો ઉપાય વિચારતા નેમિકુમારને પોતાના જ્ઞાનમાં ભવનપતિ નાગરાજ ધરણેન્દ્રના આવાસમાં બિરાજેલી પાર્શ્વ-પ્રભુની પ્રભાવક જિનપ્રતિમા દેખાઈ. જરાવિદ્યાનું નિવારણ કરવાની તાકાત આ પ્રતિમાના સ્નાત્રજળમાં છે. તેમ જાણી તેમણે શ્રીકૃષ્ણને આ ઉપાય સૂચવ્યો.
ધરણેન્દ્ર પાસેથી આ પ્રભાવક પ્રતિમાને પ્રાપ્ત કરવા શ્રીકૃષ્ણે અટ્ઠમનો તપ આરંભ્યો. આ ત્રણ દિવસ દરમ્યાન સૈન્યની રક્ષાની જવાબદારી નેમિકુમારે સ્વીકારી.
જરાવિધાના પ્રયોગથી ક્ષીણ બનેલા શ્રી કૃષ્ણનાં સૈન્ય પર જરાસંધ અનેક રાજાઓ અને વિરાટ સૈન્ય સહિત તૂટી પડ્યો.સૌધર્મેન્દ્ર પ્રેષિત રથમાં બેસીને શ્રી નેમિકુમારે ભયાનક શંખનાદ કર્યો . આ નાદથી દુશ્મનોનું પ્રચંડ સૈન્ય ક્ષોભિત અને સ્થંભિત થયું. કૃષ્ણના સૈન્યની ચોપાસ આ દૈવી રથને માતલી નામનો દૈવી સારથી અતિ વેગથી ફેરવવા લાગ્યો. શ્રી નેમિકુમારે લઘુ-લાઘવી કળાથી ભયાનક બાણ વર્ષા કરી. આ વર્ષાથી દુશ્મન રાજાઓ મુગટ, કુંડલ છત્ર શસ્ત્ર આદિથી વિમુકત બન્યા. દયાનિધિ આ કુમારે કોઇ જાન હાનિ કર્યા વગર દુશ્મન સૈન્યને હંફાવી દીધું થાકેલું દુશ્મન સૈન્ય પોતાના પડાવમાં પાછું ગયું. આ રીતે ત્રણ દિવસ સુધી સૈન્યની રક્ષા કરવાની જવાબદારી નેમિકુમારે અદા કરી.
શ્રી કૃષ્ણના અટ્ઠમની આરાધનાથી તુષ્ટ થયેલા ધરણેન્દ્રે કૃષ્ણની ઇચ્છાની પૂર્તિ કરવા પદમાવતીને આજ્ઞા કરી. પદમાવતીએ પ્રત્યક્ષ થઈને શ્રી પાર્શ્વપ્રભુની આ પ્રાચીન અને પ્રભાવક પ્રતિમાં શ્રી કૃષ્ણને આપી. આ મૂર્તિનું અનુપમ રૂપ નિહાળીને કૃષ્ણનો આનંદ નિ:સીમ બન્યો પ્રાત:કાળે આ પ્રતિમાનું ભકિતપૂર્વક પ્રક્ષાલન કરીને શ્રી કૃષ્ણે તે સ્નાત્રજલ ક્ષીણ બનેલા પોતાના સૈન્ય પર છાંટયું.
સૈન્ય પર સ્નાત્રજળનો છંટકાવ થતાં જ એક અદ્ભુત ચમત્કાર થયો. દિવસોથી વ્યાધિ અને વૃદ્ધત્વની ભયાનક પીડાને ભોગવતા શ્રી કૃષ્ણના સૈન્યમાં અપૂર્વ ચેતનાનો સંચાર થયો. વ્યાધિ અને વૃદ્ધત્વ વિલય પામ્યા જબ્બર જોમ અને પ્રબળ પરાક્રમ પૂર્વક સમગ્ર સૈન્ય પુન: યુદ્ધ ખેલવા સજજ બન્યું.
ફરી દારૂણ યુદ્ધ આરંભાયું અને જરાસંઘ તેનાપુત્રો અને અનેક રાજાઓ આ યુદ્ધમાં મરાયા. પોતાના વિજયથી હર્ષાન્વિત બનેલા શ્રી કૃષ્ણે શંખનાદ કરીને પોતાના આનંદને વ્યકત કર્યો. શ્રી કૃષ્ણના સમગ્ર સૈન્યે નાચગાન અને હર્ષનાદો કરીને વિજયોત્સવ ઊજવ્યો.
બંધુ અરિષ્ટનેમિકુમારની સૂચનાથી આનંદ વિભોર બનીને જ્યાં પોતે શંખ વગાડયો હતો. ત્યાં શંખપુર નામનું નૂતન નગર વસાવ્યું. આ નૂતન નગરમાં એક ભવ્ય જિનપ્રાસાદ બંધાવીને તેમાં આ પરમ પ્રભાવક જિનપ્રતિમાને બિરાજમાન કરી. દિન પ્રતિદિન આ નગરની જાહોજલાલી વધવા લાગી. અને આ પ્રભાવક પરમાત્માનાં દર્શનાર્થે ઠેર ઠેરથી સંઘો આવવા લાગ્યા.
ગામના નામ પરથી આ પ્રતિમાજીનું નામ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ લોકમાં પ્રસિદ્ધ થયું. અને આશરે ૮૬.૫૦૦ વર્ષ સુધી આ પ્રતિમા શંખેશ્વર ગામમાં રહી. તે દરમ્યાન આ જિનપ્રાસાદના થયેલા જીર્ણોદ્વાર આદિ સંબંધી કોઈ માહિતી પ્રાપ્ત થતી નથી.
બારમી સદીના ઉત્તરાર્ધમાં અણહિલ્લપુર પાટણની રાજ્ય ગાદી પર સિદ્ધરાજ જયસિંહ રાજ્ય કરતો હતો. સોલંકી વંશનો એ સુર્વણકાળ હતો. આ રાજવીનો સજજન શેઠ નામનો એક બુદ્ધિમાન મંત્રી હતો. શ્રી શંખેશ્વર તીર્થની યાત્રાએ ગયેલા સજજન મંત્રીએ આ પરમ પાવન તીર્થની જીર્ણ હાલત દેખી. શ્રી દેવચંદ્રસૂરીશ્વરજીના ઉપદેશથી આ ધર્મનિષ્ઠ અને તીર્થભકત મંત્રીએ દેવવિમાન સદેશ નૂતન મનોહર જિનાલય બંધાવ્યું. આ જિનાલયમાં શ્રી શંખેશ્વર પાર્શ્વપ્રભુની મૂર્તિ પધરાવીને વિ.સ. ૧૧૫૫માં તેની પ્રતિષ્ઠા કરવામાં આવી.
આચાર્યદેવ શ્રીવર્ધમાનસૂરિજીના મુખેથી મહામાત્ય વસ્તુપાલ-તેજપાલે આ પરમ પ્રભાવક તીર્થનો અદ્ભુત મહિમા સાંભળ્યો. આ તીર્થની સ્પર્શના માટે ઉત્સુક આ બંધુયુગલે સૂરિજીની નિશ્નામાં એક વિશાલ સંઘ સાથે ભારે ઠાઠમાઠથી આ તીર્થની યાત્રા કરી જીર્ણ થયેલા જિનાલયનો ઉદ્વાર કરવાનો આ યાત્રા કરતાં સંકલ્પ કર્યો. અને જીર્ણોદ્વાર રૂપે નવેસરથી ભવ્ય જિનાલય બંધાવ્યું. તેને ફરતી બાવન દેવકુલિકાઓને સુવર્ણ કળશોથી મંડિત કરી પ્રાય: તેરમી સદીના છેલ્લા દશકામાં જ આ જીર્ણોદ્ધૃત જિનાલયની પ્રતિષ્ઠા થઈ વસ્તુપાલ તેજપાલે બે લાખ રૂપિયાના ખર્ચથી કરેલો આ જીર્ણોદ્વાર તેમણે કરેલા અનેક ઉદ્બાર કાર્યોમાંનું એક છે.
આ જીર્ણોદ્વાર પછી થોડાં જ વર્ષો બાદ મહામંડલેશ્વર દુર્જનશલ્યે પણ આ મહાતીર્થનો ઉદ્ધાર કરાવ્યો.
ચૌદમી સદીના ઉત્તરાર્ધમાં આ તીર્થ મુસ્લિમ આક્રમણોનો ભોગ બન્યું. જિનાલય નષ્ટ થયું અને જિનબિંબને સુરક્ષાર્થે ભંડારી દેવાયું અને આ પ્રતિમા વર્ષો સુધી અજ્ઞાત રહી.
આ પ્રતિમા પુન: કેવી રીતે પ્રાપ્ત થઈ તે જાણવા એક કિંવદન્તી સિવાય બીજું કોઈ સાધન નથી. આ કિંવદન્તી અનુસાર એક ગૃહસ્થની ગાય ચરીને પાછી ફરે ત્યારે તેનું દુધ પ્રાપ્ત થતું નહિ. તપાસ કરતાં જાણ થઈ કે ગાય નિત્ય એક ખાડાના સ્થાને જતી અને ત્યાં તેનું દુધ ઝરી જતું આ ઘટનાથી વિસ્મય પામીને ઝંડકૂવા નામના આ સ્થાનનું ખોદકામ કરતાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા પ્રાપ્ત થઈ. આ પરમ પ્રભાવક પરમાત્માનાં દર્શન કરવા ભકતજનોનાં ટોળા ઊભરાયાં ભવ્ય જિનાલયનું નિર્માણ કરી આ પ્રભુને પ્રતિષ્ઠિત કરવાની વિચારણા થઈ.
અને જગદગુરુ પૂ. હીરવિજયસૂરિના પટ્ટઘર શ્રી વિજયસેન-સૂરિજી મહારાજના ઉપદેશથી શંખેશ્વર ગામની મધ્યમાં બાવન દેવકુલિકાઓથી પરિવૃત્ત ભવ્ય જિનાલયનું નિર્માણ થયું અને સત્તરમી સદીના મધ્યકાળમાં સૂરિજીના વરદ હસ્તે આ તીર્થની પ્રતિષ્ઠા થઈ. પશ્ચિમાભિમુખ આ ભવ્ય જિનાલયના ખંડિયેર વર્તમાનમાં પણ વિધમાન છે. શ્રી વિજયસેનસૂરિ મ.સા.ના ઉપદેશથી નિર્મિત થયેલ આ ભવ્ય અને મનોહર જિનાલય એક સૈકા સુધી પણ વિદ્યમાન ન રહી શકયું.
અઢારમાં સૈકાના પૂર્વાર્ધમાં મોગલ સમ્રાટ ઔરંગઝેબના આદેશથી અમદાવાદના સુબાએ શંખેશ્વરના નિકટવર્તી મુંજપુર કસ્બાના ઠાકોર સરદાર હમીરસિંહને તાબે કરવા મુંજપુર ઉપર ફોજ મોકલી હતી. હમીરસિંહને જીતીને પાછા ફરતા તેણે શંખેશ્વરનું આ ભવ્ય જિનાલય તોડી નાખ્યું અને અનેક મૂર્તિઓને ખંડિત કરી. સાવચેતીથી મૂળનાયક શ્રી પાર્શ્વપ્રભુની પ્રતિમાને ભોંયરામાં સંતાડી દેવાથી તેની રક્ષા થઈ. કેટલાક વર્ષો સુધી આ પ્રતિમાં ભોંયરામાં ગુપ્ત રહી. મુસ્લિમ આક્રમણોનો ભય નષ્ટ થતો આ મૃર્તિને બહાર લાવવામાં આવી. થોડાં વર્ષો સુધી તે પ્રતિમા ઠાકોરના કબજામાં રહી. ઠાકોર મૂલ્ય લઈને જ પરમાત્માના દર્શન કરવા દેતા. ઠાકોરના કબજામાંથી આ મૂર્તિ કેવી રીતે મુકત થઈ. તે અંગે વિવિધ અનુમાનોકરવામાં આવે છે. શ્રી સંઘના આગેવાનોએ વિવિધ પ્રયાસો કરીને આ મૂર્તિને પ્રાપ્ત કરી હોય અથવા શ્રી વિજયપ્રભસૂરિજીના ઉપદેશથી કે ઉપાધ્યાય શ્રી ઉદયરત્નજીની સ્તુતિથી થયેલા ચમત્કાર બાદ તેમના ઉપદેશથી આ પ્રતિમા શ્રી સંઘને સોંપાઈ હોય મૂર્તિનો કબજો પ્રાપ્ત કર્યા બાદ તેને એક ઓરડામાં પરોણા તરીકે રાખવામાં આવી.
શ્રી વિજયપ્રભસૂરિજી મહારાજના ઉપદેશથી એક નયનરમ્ય નૂતન જિનાલયનું નિર્માણ થયું. આ જિન પ્રાસાદમાં મહામહોત્સવ પૂર્વક સં. ૧૭૬૦ આસપાસમાં શ્રી વિજયપ્રભસૂરિજીના પટ્ટઘર શ્રીવિજયરત્નસૂરિજીના વરદ હસ્તે આ જિનાલયની પ્રતિષ્ઠા થઈ.
એક વિશાળ કમ્પાઉન્ડની મધ્યમાં બેઠી બાંધણીનું આ મનોહર જિનાલય બાવન દેવકુલિકાઓથી યુકત છે. મૂળ ગભારાની બહાર એક ગૂઢ મંડપ અને બે સભામંડપ આવેલા છે. મૂળ ગભારાની બન્ને બાજુના શિખરબદ્ધ ગભારામાં શ્રી અજિતનાથ અને શ્રી ભીડભંજન પાર્શ્વનાથ મૂળનાયક પદે બિરાજે છે. ભમતીમાં ત્રણે બાજુ વચ્ચે એક એક મોટા ગભારા સાથે ૫૫ મોટી દેરીઓ છે. સમગ્ર જિનાલયમાં આરસનું કલાત્મક કોતરકામ છે.
શ્રી જિનપ્રભસૂરિએ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથને “શ્રી કલ્યાણ કલ્પયુમ” નામથી પણ ઓળખાવ્યા છે. નિત્ય ભાવુકો “તીર્થવંદના સૂત્ર”માં આ તીર્થનું સ્મરણ કરે છે.
પ્રાચીનતાના પુરાવા—
આ પ્રભાવસંપન્ન પ્રતિમાનો જાજરમાન ઈતિહાસ અને પ્રકૃષ્ટ પ્રભાવ શાસ્ત્રોનાં પાને પાને ઠેર ઠેર નોંધાયેલો છે. શબ્દોના શ્રેષ્ઠતમ અલંકારો ગૂંથીને અનેક મહાપુરુષોએ આ પરમાત્માની સ્તવના કાજે અતિમનોહર રચનાઓ કરી છે. અનેક શાસ્ત્રીય ગ્રન્થોની નિર્વિઘ્ને પૂર્ણાહુતિ કાજે ગ્રંથકારોએ ગ્રંથના પ્રારંભમાં આ પરમાત્માની મંગલ સ્તુતિ કરી છે. સંખ્યાબંધ તીર્થમાળાઓમાં આ તીર્થનો ઉલ્લેખ છે. અને અઢળક છંદો શ્લોકો, સ્તવનો, સ્તોત્રો. ચૈત્યવંદનો અને સ્તુતિઓ આ તીર્થની પરમ પ્રભાવકતાનો પ્રબળ પુરાવો બને છે. ગ્રન્થ ગૌરવના ભયથી આમાંના કેટલાક મહત્ત્વના પુરાવાઓનો નામ નિર્દેશ કરીને જ સંતોષ માનવો પડે છે.
શ્રી ભાવદેવ સૂરિકૃત “શ્રી પાર્શ્વનાથ ચરિત્ર'", અંચલ ગચ્છીય શ્રી મહેન્દ્ર સૂરિકૃત 'શ્રી અષ્ટોતરી તીર્થમાલા", ઉપકેશ ગચ્છીય શ્રી કફ઼કસૂરિ રચિત "શ્રી નાભિનંદન જિર્ણોદ્વાર પ્રબન્ધ". ખતર ગચ્છીય શ્રી જિનપ્રભસૂરિકૃત "વિવિધ તીર્થકલ્પ” અંર્તગત ‘‘શ્રી પાર્શ્વનાથકલ્પ' 'શ્રી શંખપુર કલ્પ' અને 'શ્રી કોકા પાર્શ્વનાથ કલ્પ”. શ્રી ધનેશ્વરસૂરિ રચિત "શ્રી શંત્રુજ્ય માહાત્મ્ય”. શ્રી જિનહર્ષ ગણિકૃત “શ્રી વસ્તુપાલ ચરિત્ર' શ્રી ઈન્દ્રહસ ગણિકૃત “ઉપદેશ કલ્પવલ્લી”, શ્રી હીર સૌભાગ્ય મહાકાવ્ય શ્રી વિજયપ્રશસ્તિ મહાકાવ્ય શ્રી દેવાનન્દાભ્યુદ મહાકાવ્ય આહ્લાદ મંત્રીકૃત "શ્રી પાર્શ્વનાથ સ્નોત્ર". પ્રબન કોશાન્તર્ગત “વસ્તુપાલ પ્રબન્ધ". “પુરાતન પ્રબન્ધ સંગ્રહ" અંતર્ગત "વસ્તુપાલ તેજપાલ પ્રબન્ધ" શ્રી રત્ન શેખર સૂરિફત "શ્રાહ વિધિ". શ્રી સર્વાનંદ સૂરિકૃત “જગડુચરિત મહાકાવ્ય". પે દેવવિજ્ય ગણિકૃત “પાંડવ ચરિત્ર" શ્રી હંસરત્નકવિકૃત "શ્રી શંત્રુજ્ય માહાત્મ્ય”. શ્રી ગુણવિજય કૃત 'નેમિનાથ ચરિત્ર''. તથા કેટલાક પટ્ટાવલી ગ્રન્થો આ તીર્થનાં ઈતિહાસ પ્રભાવ અને તારકતા પર ઓછો-અધિકો પ્રકાશ પાડે છે.
શ્રી મુનિચંદ્રસૂરિ શ્રી હંસરત્ન. વાચક યશોવિજ્ય શ્રી વિજયધર્મસૂરિ મહોપાધ્યાય શ્રી ઉદય વિજયગણિ. શ્રી ભાવપ્રભસૂરિ શ્રી સુખસાગર કવિ આદિ અનેક જ્ઞાત-અજ્ઞાત કર્તાઓ રચિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનાં સંખ્યાબંધ સંસ્કૃત સ્તોત્રો આજે પણ ઉપલબ્ધ છે.
શ્રી ઉદયરત્ન શ્રી દીપવિજય શ્રી જિનહર્ષ, શ્રી નિત્યવિજય મુનિસુખચંદ્ર, મુનિ મેઘરાજ. મુનિશ્રી રૂપવિજય, કવિ રાજપાલ શ્રી સકલચંદ્ર શ્રી કલ્યાણ વિજય શ્રી વિમલહર્ષ ઉપાધ્યાય શ્રી વિદ્યાચંદ્ર મુનિ, શ્રી શુભવિજ્ય શ્રી ગુણવિજ્ય શ્રી લક્ષ્મી વિજય. શ્રી દાનવિજય. શ્રી જ્ઞાનવિમલ પં. ચારિત્ર સાગર. શ્રી વીરવિજય શ્રી રંગવિજય શ્રી હંસરત્ન આદિ અનેક કવિઓએ આ પરમાત્માની સ્તવના કાજે મનોહર ગુજરાતી રચનાઓનો આપેલો વારસો આજે મોજૂદ છે. શ્રી પ્રેમવિજય શ્રી નયસુંદર, શ્રી જ્ઞાનવિમલ શ્રી શીલવિજય શ્રી કલ્યાણ સાગર. શ્રી શાંતિકુશલ શ્રી રત્નકુશલ શ્રી મેઘવિજય ઉપાધ્યાય શ્રી ગુણવિજય શિષ્ય, શ્રી સૌભાગ્ય વિજય શ્રી મેરૂકીર્તિ મહોપાધ્યાય શ્રી કલ્યાણવિજ્ય ગણિ શિષ્ય પં ઉત્તમવિજય આદિ અનેક કવિઓએ રચેલી તીર્થમાળામાં આ તીર્થના નામની પણ ગૂંથણી કરવામાં આવી છે.
શ્રી વિનયવિજયજી ઉપાધ્યાયકૃત “દ્રવ્યલોક પ્રકાશ” "ક્ષેત્રલોક પ્રકાશ” “કાલલોક પ્રકાશ” “ભાવલોક પ્રકાશ" આદિગ્રન્થો શ્રી મુનિસુંદરસૂરિકૃત 'શ્રી જયાનંદ કેવલી ચરિત્ર'', શ્રી પદ્મવિજય ગણિકૃત” “શ્રી જયાનંદ કેવલી ચરિત્ર''", શ્રી રૂપવિજય ગણિકૃત “શ્રી પૃથ્વીચંદ્ર ચરિત્ર”. શ્રી મેઘવિજય ઉપાધ્યાય કૃત "દેવાનન્દ મહાકાવ્ય”. શ્રી વિજય લક્ષ્મીસૂરિકૃત "ઉપદેશ પ્રાસાદ''. શ્રીભાવવિજય ગણિ વિરચિત 'શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની વૃત્તિ". કવિ સુખ સાગર રચિત. “વૃદ્ધિ વિજય ગણિરાસ”, “ચંદ્ર રાજાનો રાસ”, “ચિત્રસેન પદમાવતી રાસ". "રાજસાગર સૂરિરાસ". આદિ અનેક ગ્રન્થોના મંગલાચરણમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની સ્તુતિ કરવામાં આવી છે.
પ્રભુનાં ધામ અનેક—
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું મુખ્ય તીર્થ શંખેશ્વર છે. તદુપરાંત વડોદરા, ભરૂચ. સુરત સાબરમતી, અમદાવાદ ઘી કાંટા અમદાવાદ ધરણીધર સોસાયટી, ભાડલા, રતનપુર, પાલીતાણા, નાગપુર, કલકત્તા, બોટાદ સોસાયટી, બોટાદ બોર્ડિંગ, વણા (જિ. સુરેન્દ્રનગર), અણસ્તુ (જિ. વડોદરા). ભારતી સોસાયટી (પાટણ). બોરીવલી (મુંબઈ). ભીવંડી, પૂના ભવાની પેઠ, બેલાપુર સીટી. બિકાનેર, સિરોહી, પિંડવાડા આયડ, જિ. ઉદેપુર દેવાસ આદિ અનેક સ્થળોએ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનાં જિનાલયો છે. ભારત ભરના અનેક જિન પ્રાસાદોમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના મનોહર જિનબિંબો ભાવુકો દ્વારા ભકિત સહિત પૂજાય છે.
પ્રભુનાં ધામની પિછાણ—
મહેસાણા જિલ્લાના સમી તાલુકાનું શ્રી શંખેશ્વર તીર્થ સૈકાઓથી અત્યંત પ્રસિદ્ધ છે. આ ગામમાં અનેકવાર પધારેલા શ્રી સર્વદેવસૂરિની મુનિ પરંપરા "શ્રી શંખેશ્વર ગચ્છ”ના નામથી ઓળખાઈ.-
શંખેશ્વર ગામની મધ્યમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું પૂર્વાભિમુખ ભવ્ય મનોહર જિનાલય શોભી રહ્યું છે. જૂના મંદિરનાં ખંડિયેર પણ મોજુદ છે. યાત્રિકોની આ તીર્થમાં સતત ભીડ રહે છે. અનેક ધર્મશાળાઓ અને ભોજનશાળાઓની અતિ સુંદર સગવડ છે. આ તીર્થ ભૂમિમાં તીર્થસદેશ આગમ મંદિર ૧૦૮ પાર્શ્વનાથ ભકિત મંદિર આદિ બીજા પણ ભવ્ય જિનાલયનાં નિર્માણ થઈ રહ્યાં છે.
પોસદશમી, ચૈત્રીપૂનમ તથા કાર્તિકી પૂનમે અહીં મેળો ભરાય છે. પોષદશમીના અઠ્ઠમની આરાધનાનો અહીં અપૂર્વ મહિમા છે. પ્રત્યેક પૂર્ણિમાં તથા બેસતા મહિને યાત્રિકોની વિશેષ ભીડ રહે છે. પ્રતિવર્ષ હજારો યાત્રિકો અઠ્ઠમના તપથી આ પરમાત્માની વિશિષ્ટ આરાધના કરે છે. પોષ દશમીના અઠ્ઠમની આરાધનાનો અહીં અપૂર્વ મહિમા છે.
આ તીર્થમાં યાત્રાર્થે આવનારા યાત્રિકોને ભાતુ આપવામાં આવે છે. શેઠ જીવણદાસ ગોડીદાસની પેઢી આ તીર્થનો વહીવટ કરે છે.
મુંજપુર-માંડલ-ઉપરિયાળા રાધનપુર, ભિલડિયાજી, રાંતેજ રશંખલપુર, ભોયણી, કંબોઈ આદિ તીર્થો આ તીર્થની નિકટમાં આવેલા છે.
અમદાવાદ, વિરમગામ, મહેસાણા, આદિ શહેરો સાથે આ તીર્થ પાકી સડક દ્વારા જોડાયેલું છે.