Home > Know Jainism > 54 શ્રી કલિકુંડ પાર્શ્વનાથ
Jainonline.org
• 5-Jul-2025
54 શ્રી કલિકુંડ પાર્શ્વનાથ
5

પ્રથમ નજરે પ્રતિમા દર્શન—
આત્માના અતલ ઊંડાણમાં પડેલા અર્હત્વનો આવિર્ભાવ સરળતાથી સાધી આપવા સમર્થ શ્રી કલિકુંડ પાર્શ્વનાથજી શ્વેત વર્ણના છે. પદ્માસને બિરાજતાં આ પાષાણનાં પ્રતિમાજીનાં દર્શનથી ભોગ વાસનાઓ ભંગાર બનીને ભાગી છૂટે છે. અને આત્મગુણોના અનેક મજલાઓની અદ્ભૂત ઇમારત અંતરમાં આકાર લે છે. ૩૫ ઈંચ ઊંચા આ વિશ્વવંદ્ય વિભુના દર્શને દારૂણ દુ:ખના દાવાનલ ઉપશમે છે. ૨૯ ઈંચ પહોળા પરિકર યુકત આ પરમેશ્વર અંતરમાં અનેરો આહલાદ ઉપજાવે છે. કલાત્મક પરિકરમાં સંલગ્ન નવફણા જીવનની નવલી ક્ષણો પ્રગટાવી દર્શનમાં મગ્ન બનાવે છે. અને ભવોને ભગ્ન બનાવે છે.
અતીતના ઊંડાણમાં એક ડૂબકી—
તીર્થંકરનું જીવન એ કરૂણાનો મંગલ સ્રોત છે. આ નિર્મળ ઝરણામાં સ્નાન કરીને ભવ્ય જીવો કર્મમલને ધોઈ નાખે છે. કરૂણાસાગર શ્રી પાર્શ્વદેવના જીવનકાળ દરમ્યાન ત્રણ તીર્થોની ઉત્પત્તિ થઈ હતી. શ્રી કલિકુંડ પાર્શ્વનાથના તીર્થની સ્થાપના પાછળ પણ પરમાત્માના જીવનનો એક પ્રસંગ સંકળાયેલો છે.
અંગદેશની રાજધાની ચંપાનગરીની નિકટમાં આવેલી કાદંબરી અટવીમાં આવેલા કલિ નામના પર્વતની તળેટીમાં શ્રી પાર્શ્વદેવ સાધનાકાળમાં કાઉસગ્ગ ધ્યાને ઊભા હતાં. મહીઘર નામના હાથીને પ્રભુનાં દર્શન કરતાં જાતિસ્મરણ જ્ઞાન થયું. તેણે કુંડ નામના સરોવરમાંથી કમળો લાવીને શ્રી પાર્શ્વપ્રભુની ભકિતપૂર્વક પૂજા કરી.
બીજા દિવસે શ્રી પાર્શ્વપ્રભુના આગમનના સમાચાર સાંપડતાં અંગ દેશનો કરકંડુ રાજા પ્રભુનાં દર્શનાર્થે આ અટવીમાં આવ્યો. પણ પ્રભુ તો અન્યત્ર વિહાર કરી ગયા હતા. હાથીના સૌભાગ્યની અનુમોદના કરતો રાજા પોતાના મંદ ભાગ્યથી વિષાદ કરવા લાગ્યો.
તેના સાંત્વન માટે દેવોએ નવ હાથની શ્રી પાર્શ્વનાથની એક મનોહર મૂર્તિનું ત્યાં નિર્માણ કર્યુ તેથી હર્ષાન્વિત બનેલા રાજાએ ત્યાં એક ભવ્ય ચૈત્ય બંધાવ્યું અને પરમાત્માની નિત્ય ભાવસહિત પૂજા કરવા લાગ્યો. શ્રી પાર્શ્વનાથ પ્રભુનું આ તીર્થ 'કલિકુંડ'ના નામથી પ્રસિદ્ધ થયું.
મહીધર હાથી પરમાત્માની પૂજાના પ્રભાવે મહર્ધિક વ્યંતર થયો. તે કલિકુંડ તીર્થનો અધિષ્ઠાયક, બનીને તીર્થનો મહિમા વધારવા લાગ્યો.
શ્રી કલિકુંડ પાર્શ્વનાથ ભગવંતનું આ મૂળ તીર્થ તો આજે વિદ્યમાન નથી. પણ ભારત ભરમાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથના અનેક બિંબો વિધમાન છે. તાજેતરમાં ધોળકામાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથનું તીર્થ ખૂબ પ્રકાશમાં આવ્યું છે.
ધોળકાનું પ્રાચીન નામ ધવલક્કપુર છે. આ નગર પૂર્વકાળમાં સમૃદ્ધિની ટોચ પર બેઠું હતું અનેક મહત્ત્વની ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી બનેલું ધોળકા પૂર્વે અનેક મંદિરોથી શોભતું હતું જૈનકુળના વીર સપૂતોની અનેક ગૌરવ કહાણીઓ અહીં આલેખાયેલી છે.
રાજા લવણ પ્રસાદના પિતામહ ધવલે ધવલકપુર વસાવ્યું અને લવણ પ્રસાદે તેનો વિકાસ કરી રાજધાનીને યોગ્ય બનાવ્યું તેમ વિદ્વાનો માને છે. બારમાંથી ચૌદમાં સૈકામાં અહીં અપૂર્વ જાહોજલાલી પ્રવર્તતી હતી અનેક મહત્ત્વની ઐતિહાસિક ઘટનાઓ તે કાળમાં અહીં બની હતી.
ખરતર ગચ્છના મહાન આચાર્ય શ્રી જિનદત્તસૂરિનો સં ૧૧૩૨માં ધોળકામાં જન્મ થયો અને સં. ૧૧૪૧માં શ્રી ધર્મદેવ ઉપાધ્યાયના હસ્તે તેમની દીક્ષા થઈ.
બારમાં સૈકામાં શ્રી વાદિદેવસૂરિએ અહીં ધંધ નામના શિવાદ્વૈત વાદીને પરાજિત કરી, જૈન શાસનનો યશોધ્વજ ફરકાવ્યો હતો.
ઉદાયનમંત્રીના પુત્ર વાગ્ભટ મંત્રીએ ‘ઉદયન વિહાર' નામનું ભવ્ય ચૈત્ય ધોળકામાં બંધાવ્યું. આ ચૈત્યમાં શ્રી વાદીદેવસૂરિએ શ્રી સીમંધર સ્વામીની પ્રતિષ્ઠા કરી હતી.
સં. ૧૨૭૬માં રાજવી વીરધવળે વસ્તુપાલ તેજપાલને પોતાના મંત્રી નીમ્યા. તેથી આ મહામાત્ય બંધુ બેલડીની કર્મભૂમિ બનેલું ધોળકા જૈન પ્રવૃત્તિઓનું મહત્ત્વનું કેન્દ્ર બની રહ્યું. ધોળકા અનેક ગ્રન્થોની સર્જનભૂમિ બની. મંત્રી વસ્તુપાલે અહીં શ્રી આદિનાથનું જિનાલય તથા બે ઉપાશ્રયો બંધાવ્યાં અને બીજાં પણ અનેક લોકસેવાનાં કાર્યો કર્યા આ મંત્રીના સમયમાં જ ‘વેણીકુમાર અમર’ના નામથી ખ્યાતનામ બનેલા શ્રી અમરચંદ્રસૂરિ ધોળકામાં પધાર્યા. અને રાજ્ય દરબારમાં પ્રતિભાસંપન્ન કવિ તરીકેની કીર્તિ સંપાદન કરીને ખૂબ ધર્મ પ્રભાવના કરી. માંડવગઢના મહામંત્રી શ્રી પેથડે ચૌદમાં સૈકામાં અહીં જિનાલય બંધાવ્યું હતું. આજે પણ ધોળકા ગામમાં ત્રણ મનોહર ચૈત્યો વિધમાન છે. જેમાંના સુમતિનાથ જિનાલયમાં શ્રી નેમિનાથ ભગવંતની ઉર્ધ્વકાય મૂર્તિ અતિ આહલાદક છે.
ભાલાપોળમાં શ્રી આદીશ્વર ભગવાનના જિનાલયના ભોયરામાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથનાં એક મનોરમ્ય પ્રતિમાજી બિરાજમાન હતાં. આ પ્રતિમાજી ૨૨૦૦ વર્ષ જેટલાં પ્રાચીન ગણાય છે.
થોડાં વર્ષો પૂર્વે વિહાર કરતાં અત્રે પધારેલા પંન્યાસ પ્રવર શ્રી રાજેન્દ્ર વિજયજી ગણિવરે ભોંયરામાં બિરાજતાં આ પ્રતિમાનાં દર્શન કરતાં અનેરો આહલાદ અનુભવ્યો. આ પ્રતિમાજીને પ્રકાશમાં લાવવાના તેમને મનોરથ જાગ્યાં શાસનદેવની અસીમ કૃપાથી તેમના મનોરથોને શીધ્ર મૂર્ત સ્વરૂપ અપાયું. ધોળકા ગામથી દોઢ કી. મી. દૂર વિશાળ પટાંગણમાં ભારતભરનાં અનેક ભાવુકોનાં ઔદાર્યપૂર્ણ સહકારથી એક ભવ્ય તીર્થનું નિર્માણ થયું.
સં. ૨૦૩૮ના ફાગણ સુદ-૩ના દિવસે હજારો ભાવુકોની હાજરીમાં પૂ. આચાર્યદેવ શ્રી કનકપ્રભસૂરિના હસ્તે આ નૂતન તીર્થની પ્રતિષ્ઠા થઈ. આ મહોત્સવ દરમ્યાન આ તીર્થના પ્રેરક પૂ.-પંન્યાસ શ્રી રાજેન્દ્રવિજયજી ગણિવરને આચાર્યપદે વિભૂષિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી રત્નશેખરસૂરિ, શ્રી ભુવનશેખરસૂરિ તથા શ્રી સોમચંદ્રસૂરિ આદિ આચાર્ય ભગવંતો ઉપસ્થિત હતા.
આ તીર્થ કાળક્રમે વધુ પ્રસિદ્ધ પામતું રહ્યું છે. અને હજુ હરણફાળે વિકાસ પામી રહયું છે. ચોવીસ મનોહર દેવકુલિકાઓથી આ જિનાલય પરિવૃત્ત થઇ ગયું છે.
આ જિનાલયમાં શ્રી આદિનાથ તથા શ્રી શીતલનાથના પ્રતિમાજી પ્રાચીન ભવ્ય અને મનોહર છે.
પ્રાચીનતાના પુરાવા—
'કલિકુંડ' નામની તથા ‘ધોળકા’ તીર્થની પ્રાચીનતાનાં પુષ્કળ પ્રમાણો મળી આવે છે. શ્રી સિદ્ધસેનસૂરિએ “તીર્થવંદના”માં શ્રી કલિકુંડ તીર્થને પણ વંદના કરી છે.
સં. ૧૩૧૨માં શ્રી ભાવદેવસૂરિએ રચેલા “શ્રી પાર્શ્વનાથ ચરિત્ર”માં શ્રી કલિકુંડ તીર્થની ઉત્પત્તિના વૃત્તાંતનું વર્ણન થયેલું છે. આ ગ્રન્થની પ્રશસ્તિના પ્રારંભમાં ગ્રન્થકારે અનેક તીર્થોની સ્તુતિ કરતાં શ્રી કલિકુંડ તીર્થનાં શ્રી પાર્શ્વપ્રભુને પણ સ્તવ્યાં છે.
સં. ૧૩૩૪માં શ્રી પ્રભાચંદ્રાચાર્યે રચેલા “શ્રી પ્રભાવક ચરિત" નામના ગ્રન્થના “શ્રી અભયદેવ ચરિત”માં નવાંગી વૃત્તિકાર શ્રી અભયદેવસૂરિ ધોળકા પધાર્યા હોવાનો ઉલ્લેખ છે. આ જ ગ્રન્થમાં શ્રી વાદીદેવસૂરિએ ધોળકામાં ધંધ નામના શિવાદ્વૈતીને પરાજિત કર્યાનો ઉલ્લેખ છે. ચૌદમા સૈકામાં શ્રી વિનયપ્રભ ઉપાધ્યાયે રચેલા “તીર્થમાલા”માં ધોળકાના શ્રી કલિકુંડ પાર્શ્વનાથનો ઉલ્લેખ છે. શ્રી કલિકુંડ પાર્શ્વનાથનાં પ્રતિમાજી ચૌદમા સૈકાથી ધોળકામાં હોવાનું આ પરથી પ્રતીત થાય છે.
સં. ૧૪૬૬માં શ્રી મુનિસુંદરસૂરિએ રચેલા “ગુર્વાવલી” નામનાં ગ્રન્થમાં શ્રી પેથડ શ્રેષ્ઠીએ બંધાવેલાં ૮૪ જિનાલયોની. નોંધ આપી છે. તે નોંધ અનુસાર તેમણે ચૌદમાં સૈકામાં ધોળકામાં શ્રી મલ્લિનાથનું ચૈત્ય બંધાવ્યું હતું. આજે આ ચૈત્ય વિદ્યમાન નથી.
પંદરમા સૈકામાં શ્રી મેઘ કવિએ પોતાની “તીર્થમાલા”માં ધોળકાનો ફકત નામનિર્દેશ કર્યો છે.
સં. ૧૫૦૩માં રચાયેલા શ્રી સોમધર્મગણિ કૃત "ઉપદેશ સપ્તતિ” નામના ગ્રન્થમાં શ્રી કલિકુંડ તીર્થની ઉત્પત્તિનો પ્રબંધ મળે છે.
સં. ૧૬૫૫માં રચાયેલી શ્રી પ્રેમવિજય કૃત “૩૬૫ શ્રી પાર્શ્વજિનનામમાલા'માં 'કલિકુંડ' નામને પણ ગ્રથિત કરવામાં આવ્યું છે.
સં. ૧૬૫૬માં શ્રી નયસુંદરે ગાયેલા *શ્રી રશંખેશ્વર પાર્શ્વનાથના છંદ'માં પણ આ નામનો ઉલ્લેખ થયેલા છે.
સં. ૧૬૬૫માં મહોપાધ્યાય શ્રી કલ્યાણવિજયજી ગણિવરના શિષ્યે રચેલા “શ્રી ભટેવા પાર્શ્વનાથ સ્તવન”માં પણ કલિકુંડ નામનો નિર્દેશ મળે છે.
સં. ૧૬૬૭માં કવિવર શાંતિકુશલે રચેલા “૧૦૮ નામગર્ભિત શ્રી ગોડી પાર્શ્વનાથ સ્તવન'માં તેમણે શ્રી કલિકુંડ પાર્શ્વનાથને પણ સ્તવ્યા છે.
સં.૧૬૮૯માં મુનિશ્રી ગુણવિજયના શિષ્યે રચેલા ૧૦૮ નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવન”માં પણ શ્રી કલિકુંડ પાર્શ્વનાથની સ્તવના થયેલી છે.
સત્તરમાં સૈકામાં રચાયેલા કવિશ્રી રત્નકુશલ કૃત ** શ્રી પાર્શ્વનાથ સંખ્યા સ્તવન”માં પણ 'કલિકુંડ' નામનો નિર્દેશ થયેલો છે.
સં. ૧૭૨૧માં રચાયેલી શ્રી મેઘવિજય ઉપાધ્યાય કૃત "શ્રી પાર્શ્વનાથ નામમાલા''માં આ નામની પણ ગૂંથણી કરવામાં આવી
અઢારમા સૈકામાં કવિવર જ્ઞાનવિમલે રચેલા ' ૧૩૫ નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવન”માં પણ કલિકુંડ નામનો નિર્દેશ થયેલો છે.
સં. ૧૭૯૭માં રચાયેલા શ્રી ભાવરત્ન કૃત 'શ્રી સુભદ્રા સતી રાસ''માં કવિએ પાટણના શ્રી કલિકુંડ પાર્શ્વનાથની સ્તુતિ કરી છે. સં. ૧૮૮૧માં કવિવર ઉત્તમવિજયે ગાયેલા “શ્રી પાર્શ્વપ્રભુનાં ૧૦૮ નામના છંદ''માં તેમણે કલિકુંડ પાર્શ્વનાથની પણ સ્તુતિ કરી છે.
પ્રભુનાં ધામ અનેક–
શ્રી કલિકુંડ પાર્શ્વનાથનું ધોળકાતીર્થ વર્તમાનમાં અત્યંત પ્રસિદ્ધિ પામ્યું છે. તે ઉપરાંત અનેક અન્ય સ્થાનોમાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથનાં જિનાલયો તથા બિંબો વિધમાન છે.
ભિલડિયાજી તીર્થની દેરીનં. ૩૬માં સૂરત-અષ્ટાપદજી દરાસર, પાટણ ઢંઢેરવાડામાં અમદાવાદ (ખાનપુર)ના ગગનવિહાર ફલેટમાં, શાન્તાક્રુઝ (મુંબઈ), કપડવંજ, જેસલમેર, ભરૂચ તથા કુંભોજગિરિ-તળેટીમાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથનાં જિનાલયો વિધમાન છે. શ્રી શંત્રુજય તીર્થ ઉપર જૂનો અને નવો રસ્તો જુદો પડે છે. ત્યાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથનાં પગલાની દેરી છે.
જીરાવલા તીર્થની ૧૯મી દેરીમાં મુંબઈ ચંદનબાળા એપાર્ટમેન્ટ જિનાલયમાં વાલકેશ્વર (મુંબઈ) શ્રી આદિનાથ જિનાલયમાં શાન્તાક્રુઝ (મુંબઈ)ના શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલયની ભમતીના એક ગોખલામાં અમદાવાદ હઠીભાઈની વાડી. તથા ચોમુખજીની પોળના ચોમુખજીના જિનાલયમાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથના મનોહર બિંબો બિરાજમાન છે.
પ્રભુનાં ધામની પિછાણ—
અમદાવાદથી ૨૬મી કી.મી. દૂર આવેલા આ નૃતન તીર્થનો મહિમા અને પ્રસિદ્ધિ ખૂબ વધી રહ્યાં છે. વિશાળ ધર્મશાળાઓનું નિર્માણ થયું છે. અહીંની ભોજનશાળામાં યાત્રિકોના ભોજનની સુંદર વ્યવસ્થા છે.
ધર્મશાળાના વિશાળ પટાંગણ વચ્ચે આ ભવ્ય જિનાલય દેવવિમાન સદેશ શોભી રહ્યું છે. આ તીર્થ અત્યંત રળિયામણું છે. આ તીર્થની સામે જ ખરતરગચ્છની દાદાવાડીનું પણ નિર્માણ થઈ રહયું છે.
ધોળકા રેલવે સ્ટેશનથી આ તીર્થ ૨ કી.મી. દૂર છે.ધોળકા ગામથી ઘણું નિકટ હોવા છતાં આ તીર્થ ગામના ઘોંઘાટથી ઘણું અલિપ્ત છે.
ધોળકા ગામમાં બીજાં પણ ત્રણ પ્રાચીન જિનાલયો દર્શનીય છે. માતર. ખેડા, ખંભાત સોજીત્રા વગેરે તીર્થો અહીંથી નજીકમાં આવેલાં છે. માતર તીર્થની પંચતીર્થીમાં ધોળકા ગણાય છે.