સૂત્ર વાર્તા - એકધ્યાને કાયોત્સર્ગમાં સ્થિર રહી અખંડ કાયોત્સર્ગ કરનાર રાજા ચંદ્રાવતંસક મૃત્યુ પામી દેવગતિને પામ્યા.
Home > Magazine > Gujarati Magazine > > સૂત્ર વાર્તા
સૂત્ર - વાર્તા
એક સુખી-સમૃદ્ધ નગરી.
તે નગરીમાં ચંદ્રાવતંસક નામના રાજા રાજ્ય કરે છે.
રાજા ચંદ્રાવતંસક ન્યાય-નીતિ પ્રિય તો છે જ, પરંતુ જૈનધર્મના પણ ચુસ્ત ઉપાસક છે.
અભ્યંતર તપમાં કાયોત્સર્ગ નામના તપનું મહત્ત્વ જાણીને તેઓ એક સાંજે વિચારે છે : ‘આજે કાયોત્સર્ગ કરવો છે, પણ વિશિષ્ટ નિયમ સાથેનો કાયોત્સર્ગ, 2/4 લોગસ્સ ગણીને કાયોત્સર્ગ પારી લેવો તેવો નહીં.’
ને, રાજા એક કોડિયું લઈ તેમાં દીવો પ્રગટાવે છે, તેની સામે રાજા કાયોત્સર્ગ ઊભા રહી જાય છે. ‘જ્યાં સુધી આ દીવો ઓલવાય નહીં, ત્યાં સુધી મારે કાયોત્સર્ગ પારવો નહીં!’
થોડીવારમાં કોડિયામાં ઘી પૂરું થવા આવે છે ને દીવો બૂઝાવાની તૈયારી જ છે, ત્યારે રાજમહેલની એક દાસી જુવે છે કે, ‘રાજાની સાધના ચાલુ છે અને આ દીવો તો બુઝાઈ રહ્યો છે, ચાલુ સાધનામાં દીવો બુઝાવો ન જોઈએ.’ તેમ વિચારી દાસી કોડિયામાં ઘી પૂરી જાય છે!
બિચારી દાસીને ક્યાં ખબર છે કે, દીવો બુઝાશે તો જ રાજાની સાધના પૂરી થશે!
આખી રાત આ સિલસિલો ચાલુ રહ્યો. દીવો બુઝાય તો રાજા કાયોત્સર્ગ પારે, પણ તે પહેલાં જ દાસી આવીને ઘી પૂરી જાય ને દીવો બુઝાવા જ ન દે.
સવાર પડી. છેવટે ઘી પૂરું થયું ને દીવો બુઝાયો. રાજાએ કાયોત્સર્ગ પાર્યો. પણ, આખી રાત જાગવાની, ઊભા રહીને કાયોત્સર્ગ કરવાની આદત ન હોવાથી રાજાનું કોમળ શરીર આ શ્રમ સહન ન કરી શક્યું. રાજા ત્યાં જ પડી ગયા ને મૃત્યુ પામ્યા.
રાતભર દીવામાં ઘી પૂરતી દાસી પર ક્રોધ ન કર્યો, ન તેને ઘી પૂરતાં અટકાવી કે ‘હવે ક્યારે આ દીવો બુઝાય ને મારો કાયોત્સર્ગ પૂરો થાય’ તેવો વિચાર કર્યો.
એકધ્યાને કાયોત્સર્ગમાં સ્થિર રહી અખંડ કાયોત્સર્ગ કરનાર રાજા ચંદ્રાવતંસક મૃત્યુ પામી દેવગતિને પામ્યા.
બાળકો! આપણે ક્યાં આખી રાતનો કાયોત્સર્ગ કરીએ છીએ? બસ, 2/4 લોગસ્સના ય કાયોત્સર્ગ જરાય હલ્યા-ચાલ્યા વિના શુદ્ધ કરીએ, તો ય ઘણું!
વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...
Additional Info
Number of pages : 20
Weight : 150gms

