Home > Know Jainism > જિનવાણી હૈયે ઉતારવાનો સરળ ઉપાય
Acharya shree Bhuvanbhanu suriji Maharaj Saheb
• 29-Jun-2026
જિનવાણી હૈયે ઉતારવાનો સરળ ઉપાય
163
રાગ બાજુએ મુકાય તો જ જિનવાણી અસર કરે
વ્યાખ્યાન સાંભળો છો ને? પરંતુ જો એ વખતે ક્યારેક કોઈ લોભમાં, રાગમાં આસક્તિમાં તણાયા તો ઉપદેશની વસ્તુ નહિ સંભળાય, ગળે નહિ ઊતરે.
શું શાસ્ત્ર નથી કહેતું કે, 'પૈસા-પરિવાર વગેરે બધું અસાર છે?' પરંતુ એ સાંભળતી વખતે જેના દિલમાં પૈસા-પરિવારાદિ પર ભારે મમતા છે, એ કહે છે: 'એટલે શું પૈસા પરિવાર ફેંકી દેવાના?' આ શું કર્યું?
રાગથી પકડાયા અસારતાની હિતવાણી સાંભળી શકાઈ નહિ. માટે અનંત કલ્યાણસાધક જિનવાણીને સાંભળવી હોય, સાંભળેલી હૈયે ઠરવા દેવી હોય તો લોભને-રાગને બાજુએ રાખો, વચમાં આડે ન આવવા દો.
ઋષભદેવ ભગવાનની વાણી અઠ્ઠાણું પુત્રોના ગળે કેમ ઊતરી ગઈ? એમ તો એ મોટા ભાઈ ભરતની સામે ફરિયાદ લઈ આવ્યા હતા. પરંતુ પ્રભુએ સાચા આંતર શત્રુની ઓળખનો ઉપદેશ આપ્યો.
એ વખતે અઠ્ઠાણુંએ પોતાના રાજ્યપાટ-પરિવાર વગેરેના અંધ રાગને બાજુએ રાખ્યો. એટલે પછી જિનવાણી એવી સંભળાણી અને એટલી બધી ઊંડી અસર કરી ગઈ કે ભરત સામે માત્ર દુશ્મનાવટ જ શું. સમસ્ત સંસારને પડતો મૂક્યો, ને ત્યાં જ દીક્ષિત સાધુ બની ગયા.
લોભ-રાગ એ બહેરાશ છે. હિત-અહિત સાંભળી ન શકે.

