Home > Know Jainism > સંભાળ કોની કરવી? શરીરની કે આત્માની?
Acharya shree Bhuvanbhanu suriji Maharaj Saheb
• 19-Jul-2026
સંભાળ કોની કરવી? શરીરની કે આત્માની?
184
આત્મા સામે આંખ ન મીંચાય
આમ, જ્યારે જનમ-જનમ પ્રવાસ કરનારો આત્મા પૂરવાર થાય છે તો પછી આપણા માટે કોની સંભાળ ઉચિત છે? અહીંથી વળી જન્માન્તરમાં જનાર આપણા આત્માની ખાસ સંભાળ કરવાનું ઉચિત છે? કે અહીં અંતે મડદું બનનારા શરીરની બહુ સંભાળ ઉચિત છે? શું યોગ્ય છે?
આત્માની સામે આંખ મીંચી દેવાથી રક્ષણ નહિ મળે, બનનારી ભાવી હકીક્તને અન્યથા ફોગ નહિ કરી શકાય.
• બિલાડીની તરાપ સામે પારેવું આંખ મીંચી દે છે.
• કસાઈખાનામાં કસાઈના છરા સામે ઘેટું આંખ બંધ કરી દે, તેથી શું એને બચાવ મળે છે?
પારેવું ફેંદાઈ જવાની ને ઘેટું કપાઈ જવાની હકીક્ત ફોગ થાય છે?
જ્ઞાનીઓની આ જ વાત છે કે,
અલ્પજીવી દેહ કરતાં ચિરંજીવી આત્માની વિશેષ સંભાળ કરો, એના હિતની ખાસ કાળજી કરો.
તિથિના એક દિવસે ઉપવાસ કરીને ખાવાનું નહિ ખાઓ, તો શરીર ખત્મ નથી થઈ જવાનું; પરંતુ એવા ઉપવાસ આદિ વિના મહિનાના ત્રીસે દિવસ, 'ખાઉં ખાઉં'ની સંજ્ઞાથી અને રસની ઉજાણીથી આત્માનું નિકંદન નીકળી જશે.
એમ થોડા પૈસાથી દાન-સુકૃત-પરમાર્થ કરી લેવાથી શરીરને વાંધો નહિ આવે; પરંતુ જો એ ન કર્યું તો ઊભી રાખેલી તૃષ્ણા-મમતા-કૃપણતાથી આત્માને મોટો વાંધો આવવાનો. અહીં ન દીધું તો પરભવે મળવાના વાંધા. પૂર્વે નહિ દીધેલું તેથી આજે અહીં જેને નથી મળતું, એની દુર્દશા દેખો છો ને?
વાત આ છે કે કામચલાઉ કાયા કરતાં સ્થાયી સ્વાત્માની ખૂબ સંભાળ લો.

