Home > Know Jainism > ધર્મના સંસ્કારોનું ઘડતર
Acharya shree Bhuvanbhanu suriji Maharaj Saheb
• 23-Aug-2026
ધર્મના સંસ્કારોનું ઘડતર
13
આર્યરક્ષિતનું સંસ્કાર-ઘડતર
સમજુ મા-બાપ, શિક્ષક કે ગુરુઓ એ કરે છે તો પાક સારો નિપજાવે છે, એ દેખાય છે.
આર્યરક્ષિત હતા બ્રાહ્મણપુત્ર; પણ શ્રાવિકા માતાએ એનું ઘડતર કેવું સુંદર કર્યું હશે કે જ્યારે એ પિતાના આદેશથી બહારથી ભણીને પંડિત બની આવે છે, ત્યારે માતાને એવી પેટવિદ્યાની પંડિતાઈ ન ગમતી જોઈ પૂછે છે : ‘તો શું ભણું તો તને ગમે?'
મા કહે છે : 'પેટની વિદ્યા એટલે તો પાપની વિદ્યા. તું આત્માની વિદ્યા ભણે, દૃષ્ટિવાદ ભણે, તો મને આનંદ થાય.'
'કોણ ભણાવે એ?'
મા કહે : 'તારા મામા તને એ ભણાવશે.'
બસ, માતાને રાજી કરવા બીજી સવારે વહેલી પ્રભાતે જ એ મામા પાસે ઊપડ્યા; અને મામા તો મુનિ છે, એ તો કહે છે કે, 'તું સાધુ થા, તો જ એ ક્રમશઃ ભણાવાય’ તો આર્યરક્ષિતે ત્યાં જ ચારિત્ર પણ લઈ લીધું અને ભણવા લાગી ગયા.કેમ વારું? માતાને રાજી કરવા. માતા મારા અહિતનું કશું કરે નહિ; માટે માતાએ જે દૃષ્ટિવાદ ભણવા કહ્યું છે તે સમજીને જ કહ્યું હશે કે એમાં ચારિત્ર પણ લેવું પડે. તો આ બધું કરવું એ મારા હિતમાં જ છે, ને એથી વળી જન્મદાતા માતા ખુશી થાય છે; તો આ જ કરવાનું.
માતાનું ગર્ભ પર સંસ્કરણ:
આ શ્રાવિકા માતાએ દીકરો પેટમાં આવ્યો ત્યારથી એના હિત માટે કેવી કેવી સારી વિચાર શુદ્ધિ રાખી હશે અને સંયમ સાચવ્યા હશે, તેમજ જન્મ આપ્યા પછી કેવાં કેવાં સારા ઘડતર કર્યાં હશે, કે મોટો પંડિત બનીને આવેલા દીકરા આર્યરક્ષિતમાં મહાવિદ્વત્તા અને રાજા તરફથી સ્વાગત મળેલું; છતાં માતા પ્રત્યે આ વિનય, આ વિશ્વાસ, આ સદ્ભાવ અને આ બહુમાન છે?
મરણની ધાડ પર જીવ ધર્મબંડલ લઈ જૈનકુળે :
તમે ય માતા-પિતા શ્રાવક-શ્રાવિકા છો ને? કે લોકવણ છો? તમારા આશરે આવેલ દીકરા-દીકરી માટે તો સમજો કે, એમને પૂર્વ ભવમાં ચલાવેલ ધર્મની દુકાન પર મૃત્યુની ધાડ આવી તે ત્યાંથી ધર્મનું બંડલ બગલમાં મારી તમારે ત્યાં ભરોસે આવી ગયા છે.
શો ભરોસો? આ જ કે, હવે 'અહીં તમે પાછો એ ધર્મવેપાર શરૂ કરાવશો.'
તો બોલો, એ એના ભરોસાનો ભંગ તો નથી કરતા ને? વિશ્વાસઘાત તો નથી કરતા ને? પહેલા નંબરમાં એના ધર્મવેપારની જ કાળજી રાખો છો ને?
જો ના, તો જે ઢેડભંગી જેવા મા-બાપ કે અનાર્ય દેશના મા-બાપ કરે, એથી વિશેષ કાંઈ કર્યું?
શ્રાવક-શ્રાવિકા તરીકે શી ફરજ બજાવી? આશ્રિતમાં ધર્મસંસ્કારનું ઘડતર એ સૌથી મોટી અને સૌથી પહેલી ફરજ છે, શ્રાવક-શ્રાવિકા એટલે તો એને ત્યાંના નોકર પણ ધર્મસંસ્કાર પામી જાય.

