Home > Know Jainism > સમકિતી પિતા પોતાનાં પુત્રને પરણાવે તે પાપમાં પ્રવર્તન કે પાપથી નિવર્તન ?
Acharya shree Bhuvanbhanu suriji Maharaj Saheb
• 9-Nov-2026
સમકિતી પિતા પોતાનાં પુત્રને પરણાવે તે પાપમાં પ્રવર્તન કે પાપથી નિવર્તન ?
10
પુત્રને પરણાવવામાં પ્રવર્તક અંશ કયો?
સારા પ્રવર્તક અંશના હિસાબે તો સમકિતી બાપ સંતાનમાં વૈરાગ્યના સંસ્કાર નાખ્યા પછી જો જુએ કે આ ચારિત્ર લેવા માટે વીર્યવાન નથી, કે ઘેર બેઠે બ્રહ્મચર્ય પાળવા શક્તિમાન નથી, એટલે એને પરણાવે છે.
એમાં બાપ મહાપાપી નથી ઠરતો, કેમકે પરણાવવામાં પ્રવર્તક અંશ સંતાનને ભોગ વિલાસમાં મગ્ન કરવાનો નથી, પરંતુ અનાચારથી બચાવી લેવાનો છે. પુત્રને પરણાવે નહિ તો એ પુત્ર અનાચારમાં પડવા સંભવ. આ હિસાબે મા-બાપોએ સંતાન માટે શું ઇચ્છવાનું એ સમજવા જેવું છે.
પ્રવર્તનમાં બે અંશ :
૫ બીડી પીવાની બાધા :
પ્રવર્તન એક જ દેખાય, પરંતુ એમાં એક તો પાપમાં પ્રેરવાનો અંશ હોય, એ ખરાબ; અને બીજો અધિક પાપથી બચાવવાનો અંશ હોય, એ સારો.
માણસ સાધુ પાસે બાધા માગે કે, 'હું હિસાબ વિનાની બીડી પીઉં છું, પણ હવે આપના ઉપદેશથી એ ખોટું લાગ્યું છે, છતાં હું સર્વથા ત્યાગ નથી કરી શકતો, મને રોજની માત્ર પાંચ જ બીડી પીવાની બાધા આપો.'
હવે અહીં સાધુ બાધા આપે, તે શું એટલી બીડી પીવામાં પ્રેરનારી બાધા છે? શું પાપમાં પ્રેરનારી બાધા છે?
ના, પાંચથી અધિક બીડી ન પીવાની બાધા છે, અધિક પાપથી પાછો વાળનારી, અધિક પાપથી બચાવી લેવાની બાધા છે.
માટે પ્રવર્તક અંશ પાપમાં પ્રવર્તન નહિ, પણ અધિક પાપથી નિવર્તન છે. પાંચ બીડી પીએ એમાં ખુશી-સંમતિ નથી, પરંતુ પાંચથી વધુ ન પીએ એમાં ખુશી-સંમતિ છે. અધિક પાપથી નિવૃત્તિ કરાવવી એ પ્રવર્તક અંશ છે. તેથી સાધુ બાધા આપતાં દોષપાત્ર નથી. નહિતર તો પછી શ્રાવકના બાર વ્રત પણ નહિ અપાય.

