Home > Know Jainism > જેમાં જીવહિંસા થાય છે તેવી જિનપૂજાનો ઉપદેશ સાધુથી અપાય ખરો?
Acharya shree Bhuvanbhanu suriji Maharaj Saheb
• 9-Nov-2026
જેમાં જીવહિંસા થાય છે તેવી જિનપૂજાનો ઉપદેશ સાધુથી અપાય ખરો?
8
દ્રવ્યપૂજાનો ઉપદેશ શા માટે? :
માટે તો મુનિ અરિહંત પ્રભુની દ્રવ્ય પૂજા કરવાનો ગૃહસ્થને ઉપદેશ આપે છે, એમાં એમના ચારિત્રને દોષ નથી લાગતો. કેમકે એમાં પાણી-ફૂલ વગેરેની હિંસા કરાવવાનો આશય નથી, કિન્તુ ગૃહસ્થ એ દ્રવ્યપૂજામાં પ્રવર્તે ત્યાં એ એટલો સમય
(૧) વિષયસંગ અને સાંસારિક મોહાધીન આરંભ-સમારંભની પાપ પ્રવૃત્તિથી બચે,
(૨) દ્રવ્યપૂજામાં ધન વ્યય કરે એટલી ધનમૂર્છાથી બચે, તથા
(૩) વીતરાગની પૂજા-ભક્તિમાં પરોવાય એટલો સમય મોહાંધ કુટુંબ મોહમાયા, રાગભર્યા પત્ની દર્શન, પુત્ર દર્શન વગેરે તથા વિષયોમાં લપટાવું વગેરે મોહપ્રવૃત્તિના પાપથી બચે, એ આશય છે. સાથે
(૪) પરમ ઉપકારી પરમાત્મા પ્રત્યેની કૃતજ્ઞતા ચૂકવાના પાપથી પણ બચે અને
(૫) પરમપાત્રમાં સ્વદ્રવ્યનો સદ્વિનિયોગ યાને પરમ પાત્રદાનનો લાભ પામે, એ પણ શુભ આશય છે.
પ્રવર્તક અંશ એવા મહા પાપોથી બચાવવાનો અને પરમાત્મભક્તિનાં મહા કર્તવ્યમાં પ્રેરવાનો છે. માટે મુનિ આ કરાવવામાં જરાય દોષપાત્ર નથી.
નહિતર તો વિચારો કે ગૃહસ્થને આ બધાં ધન-મૂર્છાદિ પાપથી બચાવ અને પરમ પાત્રની ભક્તિનો લાભ દ્રવ્યપૂજા-દ્રવ્યસ્તવ સિવાય બીજી કાંઈ પ્રવૃત્તિમાં છે?
તીર્થયાત્રા કરે, સંઘ કાઢે, સાધર્મિક વાત્સલ્ય કરે, તપસ્વીઓ-વ્રતધારીઓ વગેરેને જમાડે, એમાં હિંસા તો થવાની. પરંતુ એમાં પૂર્વે કહેલા મહાન પાપ બચાવ અને મહાન ભક્તિ લાભ જે મળે છે, તે એવી પ્રવૃત્તિ સિવાય બીજે ક્યાં મળે?
એટલે જે લોકો એમ કહે છે કે,
“મુનિને તો ત્રિવિધ ત્રિવિધે હિંસાદિ-ત્યાગની પ્રતિજ્ઞા છે, તેથી એમનાથી હિંસાયુક્ત આવી દ્રવ્યપૂજા, મંદિરનિર્માણ, યાત્રાસંઘ, સાધર્મિકવાત્સલ્ય વગેરેના ઉપદેશ ન દેવાય; તેમજ ગૃહસ્થોને પણ એ હિંસાયુક્ત મૂર્તિપૂજા વગેરેમાં ધર્મ ન મનાય, ધર્મરૂપે એવી પ્રવૃત્તિ ન થાય,' આવું જે કહે છે એ વિવેક સમજ્યા નથી. માટે તો એ બિચારા બીજે બંધાઈ જાય છે.

